ઑલ્ટ ન્યૂઝના (Alt News) સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરની (Mohammad Zubair) ગઈકાલે દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી હતી. ઝુબૈરની ધરપકડ એક ટ્વિટર અકાઉન્ટની ફરિયાદના આધારે થઇ હતી. મોહમ્મદ ઝુબૈરને ભરતીય દંડ સંહિતાની કલમ 295 (A) અને 153 હેઠળ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને ઉશ્કેરવા બદલ પકડવામાં આવ્યો છે. જે હનુમાન ભક્ત નામના ટ્વિટર અકાઉન્ટની ફરિયાદના આધારે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તેણે હવે ઑલ્ટ ન્યૂઝના બીજા સહ-સ્થાપક પ્રતીક સિન્હા વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરીને ફરિયાદ કરી છે.
What would you call it? This person openly hurting the religious freedom of Hindus. @DelhiPolice @DCP_CCC_Delhi Kindly take action https://t.co/UBgQ5YlN8W
— Hanuman Bhakt (@balajikijaiin) June 27, 2022
પોતાના ટ્વિટમાં યુઝર @balajikijaiin પ્રતીક સિન્હાનું એક ટ્વિટ ક્વોટ કરીને લખે છે કે, “આને તમે શું કહેશો? આ વ્યક્તિ ખુલ્લેઆમ હિંદુઓની ધાર્મિક સ્વતંત્રતા પર પ્રહાર કરી રહ્યો છે. દિલ્હી પોલીસ અને સાયબર ક્રાઇમ સેલના ડીસીપી કૃપા કરીને કાર્યવાહી કરે.”
પ્રતીક સિન્હાના (Pratik Sinha) જે ટ્વિટને લઈને ફરિયાદ કરવામાં આવી છે તે સપ્ટેમ્બર 2015 માં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતીકે ભગવાન ગણેશની મજાક ઉડાવી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું હાથીના માથાવાળો પણ કોઈ વ્યક્તિ હોય શકે છે? આ જ ટ્વિટને લઈને હવે પ્રતીક સિન્હા વિરુદ્ધ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ગઈકાલે ઝુબૈરની ધરપકડ બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ટ્વિટર યુઝર @balajikijaiinનું ટ્વિટ જ ઝુબૈરની ધરપકડનનુ કારણ બન્યું છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવતી હોવાનું કહીને કરવામાં આવેલ ટ્વિટનું દિલ્હી પોલીસે સંજ્ઞાન લીધું હતું અને ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
A picture (in tweet) shown where signboard of hotel ‘हनीमून होटल ’ changed to ‘हनुमान होटल ’. Hanuman Bhakt @ balajikijaiin tweeted, “Linking our God Haunman ji with honeymoon is a direct insult of Hindus because he is brahmchari. Kindly take action against this guy”:Delhi Police
— ANI (@ANI) June 27, 2022
પોલીસે કહ્યું કે, “મોહમ્મદ ઝુબૈરની પોસ્ટ જેમાં એક વિશેષ ધાર્મિક સમુદાય વિરુદ્ધ ઉત્તેજક અને જાણીજોઈને એવા શબ્દો અને તસ્વીરો વાપરવામાં આવ્યા છે. જે લોકો વચ્ચે નફરત ફેલાવવા માટેનું કારણ બની શકે છે તેમજ સામાજિક શાંતિ જાળવી રાખવા હાનિકારક સાબિત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઝુબૈર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ટ્વિટમાં @balajikijaiinએ દિલ્હી પોલીસને ટેગ કરીને લખ્યું હતું કે, “દિલ્હી પોલીસ અમારા ભગવાન હનુમાનજીને હનીમૂન સાથે જોડવા એ હિંદુઓનું સીધું અપમાન છે કારણ કે તેઓ બ્રહ્મચારી હતા. ડીસીપી સાયબર ક્રાઇમ સેલ આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરે.
ફરિયાદ બાદ દિલ્હી પોલીસે 27 જૂનની મોડી સાંજે મોહમ્મદ ઝુબૈરને દબોચી લીધો હતો અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે ઝુબૈરને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા તેને એક દિવસ માટે પોલીસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. જે પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.