છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ દ્વારા શહેરને નશાના નરકમાં ધકેલતા લોકો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં ₹35 લાખના એમડી ડ્રગ્સ મામલે કરવામાં આવેલા દરોડા અને મુસ્લિમ યુગલ સહિતના આરોપીઓની ધરપકડ બાદ હજુ કાર્યવાહી શરૂ છે. તેવામાં સુરતમાં વધુ એક મિયાં-બીવી ડ્રગ્સ વેચતા ઝડપાયા છે. આ પેડલર યુગલને ઝડપી લેવા રાંદેર પોલીસે ખાસ વેશપલટો કરીને ‘મુસ્લિમ’ બનવું પડ્યુ હતુ. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. સાથે જ પોલીસે ડ્રગ્સનો મુખ્ય સ્પ્લ્યાર અકરમ શેખ હોવાની જાણ થતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર ‘No Drugs in Surat City Campaign’ અંતર્ગત સુરતની રાંદેર પોલીસે ડ્રગ્સનો ધંધો કરતા મુસ્લિમ યુગલને ઝડપી પાડ્યું છે. રાંદેર પોલીસે વોચ રાખીને સમીર મનફ મલિક અને તેની બીવી સાનિયા મલિકને મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે દબોચી લીધા હતા. આ પેડલર યુગલ પાસેથી પોલીસે ડ્રગ્સ ઉપરાંત ત્રણ જેટલા મોબાઈલ ફોન, એક મોપેડ સ્કુટર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે મુસ્લિમ વેશમાં ઝડપ્યા બંને આરોપીને
ઉલ્લેખનીય છે કે સુરતમાં જે મિયાં-બીવી ડ્રગ્સ વેચતા ઝડપાયા તે ખુબ જ હોશિયાર છે. આ બંને જલ્દીથી પોલીસના હાથે વળગે એમ નહોતા. રાંદેર પોલીસ પણ બંનેને ઝડપી લેવા મક્કમ હતી. જેના માટે એક પોલીસકર્મીએ માથે જાળીદાર ટોપી અને કુર્તો પહેરીને મુસ્લિમ વેચ ધારણ કર્યો અને ટોળામાં ભળી ગયા હતા. તેમના ઉપરાંત અન્ય 2 મહિલા પોલીસકર્મીઓએ પણ માથા પર ઝરીવાળા દુપટ્ટા ઓઢીનને વોચમાં તૈયાર બેઠા હતા. બાતમી મુજબ જેવા આ મિયાં-બીવી મોપેડ લઈને ડ્રગની ડિલીવરી દેવા આવ્યા અને સાદા વેશમાં ઉભેલી પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
બંને આરોપીની ધરપકડ બાદ કરવામાં આવેલી પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર અકરમ શેખ નામનો વ્યક્તિ છે. અકરમ પાસેથી માલ લઈને આ બંને મિયાં-બીવી પોતાના વિસ્તારના બાંધેલા ગ્રાહકોને વેચતા હતા. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ધારાધોરણ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે મુખ્ય સપ્લાયર અકરમ શેખને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ કરવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.
આ પહેલા ઝડપાયું હતું 35 લાખનું ડ્રગ્સ
ઉલ્લેખનીય છે કે હજુ થોડા કલાકો પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹34 લાખથી વધુના MD ડ્રગ્સ કેસમાં અંજુમબાનુ મેમણને ઝડપી હતી. આ પહેલાં આ જ કેસમાં મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકિર પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ સુરતના ભેસ્તાન આવાસમાંથી 341.650 ગ્રામ MD ડ્રગ્સ મળી આવતા કરવામાં આવી હતી. આ બંને આરોપીઓને પકડવા માટે પાડવામાં આવેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી એક રિવોલ્વર પણ કબજે કરી હતી.
દરોડામાં આરોપી પાસેથી મળી આવેલા 300 ગ્રામ જેટલા MD ડ્રગ્સની અંદાજિત કિંમત 34 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. અન્ય એક આરોપી અંજુમબાનુની પણ ધરપકડ કરવામાં આવી છે.