Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસેલંબાની ઘટનામાં ફરિયાદ કર્યા બાદ હુમલો થયો હોવાનો વસીમનો દાવો, પોલીસે તપાસ...

    સેલંબાની ઘટનામાં ફરિયાદ કર્યા બાદ હુમલો થયો હોવાનો વસીમનો દાવો, પોલીસે તપાસ કરતાં ભાંડો ફૂટ્યો: જાતે જ પોતાને અને પુત્રીને ઈજા પહોંચાડી હતી, ધરપકડ

    આરોપી વસીમ સલીમ શેખે ખોટી ફરિયાદ કરવા પોતાના સંબંધી પાસે ધમકીભર્યો ફોન કરાવ્યો હતો અને જાતે જ પોતાની અને પુત્રી પર બ્લેડ-કટર વડે ઈજાનાં નિશાન પાડ્યાં હતાં. પોલીસે તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને IPCની અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    નર્મદાના સેલંબામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અહીં એક મુસ્લિમ યુવકે હિંદુઓ તરફથી ધમકીઓ મળતી હોવાનું અને પોતાની અને સગીર પુત્રી ઉપર હુમલો થયો હોવાનું કહીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ ઘટનામાં હવે નવો જ વળાંક આવ્યો છે. તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું છે કે સેલંબામાં ફરીયાદી વસીમ પોતે જ આરોપી નીકળ્યો છે. તેને કોઈ ધમકી પણ ન મળતી હતી અને કોઈ હુમલો પણ થયો ન હતો. આ નાટક તેણે જાતે જ કર્યાં હતાં. હાલ પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

    આરોપી વસીમ સલીમ શેખે ખોટી ફરિયાદ કરવા પોતાના સંબંધી પાસે ધમકીભર્યો ફોન કરાવ્યો હતો અને જાતે જ પોતાની અને પુત્રી પર બ્લેડ-કટર વડે ઈજાનાં નિશાન પાડ્યાં હતાં. પોલીસે તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને IPCની અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    વાસ્તવમાં ગત 29 સપ્ટેમ્બરે નર્મદાના સેલંબામાં હિંદુઓની શૌર્ય જાગરણ યાત્રા પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો. આ હુમલા અને પથ્થરમારા બાદ અફરાતફરી મચી ગઈ હતી તો એક-બે દુકાનોમાં આગ પણ લગાવી દેવામાં આવી અને ક્યાંક લૂંટફાટની ઘટના બની હતી. જેને લઈને પોલીસે જુદી-જુદી ત્રણ FIR દાખલ કરી હતી. જેમાંથી એક દુકાનમાં લૂંટફાટની ઘટનામાં 21 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    આ કેસમાં વસીમ શેખ સાક્ષી બન્યો છે. વાસ્તવમાં જે દુકાનમાં તોડફોડ થઈ હતી તે તેના ભાઈની હતી. 6 ઓક્ટોબરે વસીમે પોલીસ મથકે જઈને ફરિયાદ કરી હતી કે તેને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકીઓ મળી રહી છે. ત્યારપછી 7 ઓક્ટોબરે તે પુત્રીને લઈને દવાખાને પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી કે સાગબારા પોલીસ મથકેથી પરત ફરતી વખતે તેની અને તેની સગીર પુત્રી ઉપર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જેના આધારે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી.

    ધમકી મળી હોવાના નામે ખોટા કેસ કર્યા

    વસીમે પોલીસને જણાવ્યું હતું કે, તેને 2 ઓક્ટોબરના રોજ એક વોટ્સએપ કોલ આવ્યો હતો, જેની ઉપર મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે ફોન પર ધમકી આપનારે તેને સાગબારા પોલીસ મથકે નોંધાયેલી FIRમાંથી 21 આરોપીઓનાં નામ કાઢી નાખવા માટે કહ્યું હતું. ત્યારબાદ 5 ઓક્ટોબરના રોજ બંને સમુદાય સાથે પોલીસ બેઠક યોજી રહી હતી ત્યારે વસીમ પણ ત્યાં હાજર હતો. તેના ફોન પર વધુ એક ધમકીભર્યો કૉલ આવ્યાનો તેણે દાવો કર્યો. 

    ફરિયાદ મળ્યા બાદ પોલીસે સિમ કાર્ડ ટ્રેસ કરતાં વસીમની કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે જે નંબર પરથી કૉલ આવ્યો તે મુંબઇના એક નદીમ અમીન શેખ નામના વ્યક્તિનો છે. તેમની પૂછપરછ કરતાં નદીમે પોલીસને જણાવ્યું કે તે વસીમના પરિચિત છે અને તેના કહેવાથી જ ખોટો ધમકીભર્યો કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે, કેસમાંથી ત્રણ યુવકો પવન, પ્રેમ અને મુકેશનાં નામો કાઢી નાખે.

    પોતે જ પોતાને અને પુત્રીને ઈજા પહોંચાડી

    બીજી તરફ, સગીર પુત્રી અને પોતાની ઉપર થયેલા હુમલાની વસીમની ફરિયાદ બાદ પોલીસે તે દિશામાં પણ તપાસ કરી. દરમ્યાન પોલીસે બોડીવૉર્ન કેમેરા સાથે વસીમની પુત્રીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેના પિતાએ જ તેને કટર વડે ઇજા પહોંચાડી હતી અને પીઠના ભાગે ઘા કર્યા હતા. ત્યારબાદ પોતાની જાતે પોતાના શરીર પર પણ તેણે ઈજાનાં નિશાન પાડ્યાં હતાં. તેમની ઉપર અન્ય કોઈએ હુમલો કર્યો ન હતો.

    આમ સેલંબામાં ફરીયાદી વસીમ પોતે આરોપી સાબિત રહ્યો હતો. વસીમે પોતાને ધમકીઓ મળતી હોવાની ખોટી ફરિયાદ કરવા માટે આ તરકટ રચ્યું હતું. પહેલાં તેણે સબંધી પાસે ખોટો ધમકીભર્યો કૉલ કરાવ્યો અને ત્યારબાદ જાતે જ ઈજા પહોંચાડી પોતાની અને પુત્રી પર હુમલો થયો હોવાનું નાટક કર્યું હતું. સમગ્ર વિગતો સામે આવી જતાં પોલીસે વસીમ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

    પોલીસે જણાવ્યું કે, વસીમ અને નદીમ બંને સામે IPCની કલમ 153-A, 181 તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. 

    સેલંબામાં શું બન્યું હતું? 

    શુક્રવારે (29, સપ્ટેમ્બર) નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કુઈદા ગામથી નીકળીને સેલંબા પહોંચવાની હતી. યાત્રા સેલંબામાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. યાત્રા પર હુમલો થતાં જ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા. તોફાન દરમિયાન એક-બે દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં