ગુજરાતમાં અનેકવાર ઠગો કોઈપણ રીતે નવા ગતકડા શોધીને માણસોને ઠગતા હોવાનું ઘણીવાર સામે આવ્યું છે. નવા-નવા કાવતરા બનાવીને સામાન્ય લોકોને ઠગતા આવા ઠગો હવે નેતાના નામે ઠગાઈ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નામે પ્રદેશ મંત્રી શીતલ સોનીને એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને ₹1,500ની માંગણી કરવામાં આવી હતી.
અહેવાલોના જણાવ્યા અનુસાર નવસારીમાં રહેતા પ્રદેશ મંત્રી શીતલ સોનીના ઘરે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નામે અજાણ્યા ઠગબાજે પાર્સલ મોકલ્યું હતું અને પ્રદેશ મંત્રી શીતલ સોનીને ₹1,500 ભરીને પાર્સલ છોડાવવા માટે કહેવામાં આવ્યું હતું. શીતલ સોનીને શંકા જતાં તેમણે સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી તેમને જાણવા મળ્યું હતું કે આવું કોઈપણ પ્રકારનું પાર્સલ નથી તો સીઆર પાટીલે મોકલ્યું કે નથી તો કાર્યાલય તરફથી કોઈએ મોકલ્યું.
પ્રદેશ પ્રમુખના કાર્યાલયનો સંપર્ક કર્યા બાદ ઠગબાજનો ભાંડો ફૂટી ગયો હતો. જોકે, ડિલિવરી બોય ત્યાંથી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ મંત્રી શીતલ સોનીએ પોતાની સાથે ઘટેલી આ ઘટના બાદ ફેસબુક પર પોસ્ટ કરી ભાજપ કાર્યકર્તાઓને સતર્ક રહેવાની અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને પણ ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું.
સીઆર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ કરવાની આ એક જ ઘટના નથી પરંતુ આ જ રીતે અન્ય એક ભાજપ નેતા સાથે પણ ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નડિયાદ ખાતે રહેતા ભાજપના પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસના નિવાસસ્થાને પણ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના નામે પાર્સલ આવ્યું હતું. તેમને પણ આ બાબતે શંકા જતાં તેમણે સીધા સી આર પાટીલ સાથે વાત કરી હતી. તે બાદ તેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આ અંગે જાણકારી આપી હતી.