આણંદ જિલ્લાના ધુળેટા ગામે મુસ્લિમ યુવાનોએ દલિત યુવકોને માર માર્યાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક મંદિરના બાંકડે બેઠેલા રોહિત સમાજના યુવાનોને મુસ્લિમ યુવાનો સાથે સામાન્ય બોલાચાલી થતાં મુસ્લિમ યુવકોએ તેમને માર માર્યો હતો. 8-9 મુસ્લિમો ગામમાંથી ભેગા થયા હતા અને દલિત સમાજના યુવાનોને જાતિવાચક અપશબ્દો કહી ગડદાપાટુથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે દલિત સમાજના એક યુવકે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે FIR દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
1 ઓક્ટોબર, 2023ના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા ધુળેટા ગામમાં આ ઘટના બનવા પામી હતી. જ્યાં રોહિત સમાજના યુવાનો ગામમાં આવેલા રામદેવપીરના મંદિરએ બેઠા હતા. તેમાંથી એક યુવાન તેના ફોનમાં જુવે છે તો ગામના મુદ્દસર મલેકે તેને એક રિલ મોકલેલી હતી, તેને એ રિલમાં કઈ અજુગતું લાગ્યું તેથી તેણે મુદ્દસર મલેકને કોલ લગાવ્યો હતો પરંતુ ભૂલથી કોલ સુરેલી ગામના તેના મિત્ર વાહીદ પઠાણને લાગી ગયો હતો.
વાતચીત બાદ વાહીદ તેની સાથે વાત કરવા માટે ધુળેટા ગામ આવ્યો હતો અને સાથે તેના મિત્રોને પણ લઈને આવ્યો હતો. વાહીદે તેની સાથે વાતચીત કરતાં સામાન્ય બોલાચાલી થવા પામી હતી, જેથી વાહીદ પઠાણે કોલ કરીને ધુળેટાના મુસ્લિમ યુવાનોને તે જગ્યા પર બોલાવ્યા હતા. થોડીવારમાં રામદેવપીરના મંદિર પાસે ધુળેટાના મુસ્લિમ યુવાનો મુદ્દસર મલેક, આદીલ પઠાણ અને અયાન મલેક આવી પહોંચ્યા હતા.
હિંદુ યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી
ધુળેટાના ત્રણ મુસ્લિમ યુવાનો રોહિત સમાજના યુવાન પાસે આવી પહોંચ્યા અને ઝઘડો કરવા લાગ્યા હતા. તેથી ત્યાં હાજર અન્ય એક હિન્દુ યુવાકે ખોટો ઝઘડો ન કરવા સમજાવતા મુદ્દસર મલેક જાતિવિષયક ગાળો બોલવા લાગ્યો હતો. આ બાદ મુદ્દસર સાથે આવેલા આદિલ પઠાણ અને અયાન મલેક પણ તેનો સાથ આપવા લાગ્યા હતા. ઝઘડો વધુ વણસતા ત્રણેયએ ભેગા થઈને હિંદુ યુવાનો પર હુમલો કરી દીધો અને માર મારવા લાગ્યા હતા. જે બાદ તેમના અન્ય મિત્રો તેમને છોડાવવા પ્રયત્ન કરતાં ત્રણેય મુસ્લિમોએ ધમકી આપી હતી. ત્રણેય મુસ્લિમોએ ધમકી આપતા કહ્યું કે જો તમે ઝઘડો કરશો તો જીવતા નહીં રહેવા દઈએ.
જાતિ વિષયક ગાળો આપી માર માર્યો
ઝઘડા દરમિયાન જ મુદસરનો મામો અકરમખાન મુસ્તુફાખાન પઠાણ ત્યાં આવી પહોંચ્યો હતો અને હિંદુ યુવાનોને તેની જાતિને લઈને ગાળો આપવા લાગ્યો હતો. મુસ્તુફાખાન પઠાણે રોહિત સમાજના યુવાનોનું જાતિ વિષયક અપમાન કરતાં કહ્યું હતું કે, “એ ચામડીયાઓ કેમ ઝઘડો કરો છો?” જે બાદ હિંદુ યુવાનોએ બૂમાબૂમ કરતાં નજીકમાંથી તેના ફળિયાના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન જ મુદસરનું ઉપરાણું લઈને ફિરદોસખાન મુસ્તફાખાન પઠાણ, હાફીસખાન મલેક, વારીસખાન મુસ્તફાખાન પઠાણ અને અરબાઝખાન ઉસ્માનખાન પઠાણ ત્યાં ભેગા મળીને આવી પહોંચ્યા હતા. આ બાદ બધા ભેગા મળીને હિંદુ યુવાનોને ગડદાપાટુનો માર મારી “ચામડીયાઓ આજે તમને જીવતા રાખવાના નથી” જેવા જાતિવાચક શબ્દો બોલવા લાગ્યા હતા.
જાતિવિષયક ગાળો અપાતા રોહિત સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગમે તેમ ના બોલો, તો મુસ્લિમો ઉશ્કેરાય ગયા હતા અને વધુ માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન હિંદુ યુવાનોના કપડાં ફાડી નાખી તેમને લાતો વડે માર મારવા લાગ્યા. એટલામાં ગામના અન્ય લોકો ત્યાં આવી જતાં મુસ્લિમો ત્યાંથી જતાં રહ્યા હતા. જતાં-જતાં પણ મુસ્લિમોએ ધમકી આપી હતી કે, “ચામડીયાઓ આજે તો તમે બચી ગયા છો પણ ફરીથી અમારી સાથે ઝઘડો કરશો તો તમને કોઈને જીવતા નહીં મૂકીએ.”
પોલીસે ગુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
આણંદ જિલ્લામાં ધુળેટા ગામમાં બનેલી મુસ્લિમ યુવાનોએ દલિત યુવકોને માર માર્યાની આ ઘટનાને લઈને તેમાંથી એક યુવાને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. પોલીસે તમામ આરોપી વાહીદ પઠાણ, મુદસર મલેક, અયાન મલેક, આદિલ પઠાણ, અકરમખાન મુસ્તુફાખાન પઠાણ, ફિરદોસખાન મુસ્તુફાખાન પઠાણ, હાફીસખાન મલેક, વારીસખાન મુસ્તુફાખાન પઠાણ અને અરબાઝખાન ઉસ્માનખાન પઠાણ વિરુદ્ધ IPCની કલમ 143,147, 323, 504, 506(2) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(R), 3(1)(S), 3(2)(V) હેઠળ ગુનો નોંધ્યો છે.
ઑપઇન્ડિયાએ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે હાલ એકપણ ધરપકડ થઈ નથી અને ઉમરેઠ પોલીસ તમામ ઘટનાને ધ્યાને લઈને યોગ્ય તપાસ કરી રહી છે.