સુરત પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. શહેરના રાંદેર વિસ્તારનો એક કુખ્યાત ડ્રગ માફિયા ગત મહિને જેલ પેરોલ પર બહાર આવીને ફરાર થઈ ગયો હતો. જેને હવે પોલીસે ફરી ઝડપી પાડ્યો છે.
રાંદેર વિસ્તારનો આ કુખ્યાત ડ્રગ માફિયા ઈસ્માઈલ ગુર્જર 2022માં પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી 39 લાખના MD ડ્રગ્સ સાથે SOGના હાથે પકડાયો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને સુરતની જ લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
ઈસ્માઈલ જેલમાં જતા પત્ની હીનાએ ચલાવ્યો ડ્રગનો કારોબાર
ઈસ્માઈલ જેલમાં જતા તેનો આ ડ્રગ્સનો કારોબાર તેની બેગમ હીનાએ હાથમાં લીધો હતો. જેની જાણ SOGને થતાં તેઓએ તેના પર સખત વોચ ગોઠવી હતી. આખરે પોલીસે એકવાર હીનાને 50 લાખના MD ડ્રગ્સ સાથે રંગેહાથે પકડી લીધી હતી અને તેને પણ લાજપોર જેલમાં ધકેલી હતી.
આ ઘટનાનો ફાયદો ઉઠાવીને ઈસ્માઈલે પત્નીની સારવાર માટે પૈસા ભેગા કરવાના અને પોતાના બાળકો નાના હોઈ તેમની સારસંભાળની વ્યવસ્થા કરવા માટે કોર્ટ પાસે વચગાળાના જામીન માંગ્યા હતા. કોર્ટે 22 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી તેના જામીન મંજૂર કરતા તે જેલની બહાર આવ્યો હતો. પરંતુ 4 ઓગસ્ટ ફરી જેલમાં હાજર થવાની જગ્યાએ ઈસ્માઈલ ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની શોધ કરી રહી હતી.
પત્ની હીના સાથે ફરાર થવાની ફિરાકમાં હતો ઈસ્માઈલ
ઉપરાંત તેની પત્ની હીના પણ પોતાની સારવાર માટે બે દિવસના પોલીસ જાપ્તા સાથે વચગાળાના જામીન લઈને જેલ બહાર આવી હતી. 27 અને 28 આ બે દિવસની હીનાની પેરોલ દરમિયાન ઈસ્માઈલ તેને લઈને ફરાર થઈ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો.
આખરે પોલીસને આ પ્લાનની બાતમી મળી અને તેઓએ બાતમી મુજબ રાંદેરમાં એક સોડાની દુકાન પાસે વોચ ગોઠવી હતી.
સુરત : ડ્રગ્સના ગુનામાં વચગાળાના જામીન લઈ ફરાર કુખ્યાત ડ્રગ્સ માફીયા ઇસ્માઈલ ગુર્જરની ફિલ્મી ઢબે ધરપકડ#surat #suratpolice @GujaratPolice @sanghaviharsh pic.twitter.com/Nf2rmcmnwA
— ABP Asmita (@abpasmitatv) September 29, 2023
આખરે પોલીસની મહેનત રંગ લાવી અને બાતમી અનુસાર ઈસ્માઈલ તે સ્થાને આવ્યો અને પોલીસ તેને પકડવામાં સફળ રહી.
પોલીસથી બચવા નદીમાં કુદ્યો હતો ઈસ્માઈલ
નોંધનીય છે કે જુલાઈ 2022માં જ્યારે ઈસ્માઈલ ગુર્જરને પકડવામાં પણ પોલીસને ખાસી મહેનત કરવી પડી હતી. પોલીસ ઘણા સમયથી આ કુખ્યાત ડ્રગ આરોપીને શોધી રહી હતી. એવામાં તેમને બાતમી મળી કે ઈસ્માઈલ સુરતના કોઝ-વે પાસે છે.
પોલીસ બાતમીના આધારે ત્યાં પહોંચી, પરંતુ ઈસ્માઈલ પોલીસને ભાળી જતા બચવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. નદીમાં તરતા તરતા તે એક હોડીમાં ચડીને ફરાર થવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસના જવાનો પણ તેની પાછળ કૂદતાં આખરે તે પકડાઈ ગયો હતો.