ચીનના દેવાની જાળમાં ફસાયેલ શ્રીલંકામાં ફરીથી લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી પછી મોટા પાયે હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે (9 એપ્રિલ 2022) દેશની બગડતી પરિસ્થિતિઓ અને દબાણ સામે ઝૂકીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 5ના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યાં ખાદ્યપદાર્થોની સાથે ઈંધણ, વીજળી અને પરિવહન બધું મોંઘું થઈ ગયું છે.
મળતાં અહેવાલ અનુસાર, મહિન્દા રાજપક્ષે (76 વર્ષ)એ તેમના નાના ભાઈ અને દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પોતાનું રાજીનામું સોંપ્યું છે. જો કે, તેમના રાજીનામાથી દેશમાં હિંસાની ઘટનાઓ અટકી નથી. શ્રીલંકાના પીએમના રાજીનામાના કલાકો પછી, વિરોધીઓએ સરકાર વિરોધી દેખાવો દરમિયાન હમ્બનટોટામાં તેમના પૈતૃક ઘર ‘મેદામુલાના વાલાવાને’ સળગાવી દીધું. જેના કારણે તેનું ઘર બળીને રાખ થઈ ગયું હતું. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સિવાય કુરુનેગલામાં આંદોલનકારીઓએ મહિદ્રા રાજપક્ષના ઘરને આગ લગાવી દીધી હતી.
MEDAMULLANA SET ON FIRE 🔥
— Dasuni Athauda (@AthaudaDasuni) May 9, 2022
The ancestral home of the Rajapaksa family in Medamullana, Hambantota set on fire by protesters. #lka #SriLankaEconomicCrisis #SriLankaCrisis pic.twitter.com/llDnvcMIGu
પોતાના રાજીનામાના પત્રમાં મહિન્દા રાજપક્ષેએ કહ્યું કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે જેથી સર્વપક્ષીય વચગાળાની સરકાર રચી શકાય. પોતાના રાજીનામાના પત્રમાં તેમણે કહ્યું કે તેઓ આ સંકટમાંથી લોકો અને સરકારને બહાર લાવવા માટે કોઈપણ પ્રકારનો બલિદાન આપશે. આ સાથે તેમણે કેબિનેટનું વિસર્જન કર્યું હતું.
વડા પ્રધાનના કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વર્તમાન સામાજિક-આર્થિક અને રાજકીય સમસ્યાઓના ઉકેલ માટે સંસદના તમામ પક્ષોના સભ્યોને રાષ્ટ્રીય એકતા સરકારમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. જો કે, સોમવારે સાંજે 7 વાગ્યાથી બુધવારે સવારે 7 વાગ્યા સુધી સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
સાંસદે પોતાને ગોળી મારી
હિંસક ટોળાએ સરકાર વિરોધી વિરોધ દરમિયાન પશ્ચિમી શહેર નિતામ્બુઆમાં શાસક પક્ષના સાંસદ અમરકીર્તિ અતુકોરાલા (57 વર્ષ)ને ઘેરી લીધા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. જો કે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા સાંસદની કારમાંથી પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ લોકોએ તેમને રોક્યા અને કારમાંથી નીચે ઉતાર્યા હતા.
બધુ મફત આપવાની નીતિ કારણે આ પરિસ્થિતી સર્જાઈ
તાજેતરમાં, શ્રીલંકાના નાણાપ્રધાન અલી સાબરીએ ખુલાસો કર્યો હતો કે 2019 માં રાજપક્ષે સરકાર દ્વારા તેના ચૂંટણી વચનને પૂર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં કરવેરા ઘટાડા પછી દેશમાં કરદાતાઓની સંખ્યામાં લગભગ 10 લાખનો ઘટાડો થયો છે. જ્યારે દેશમાં કરદાતાઓની કુલ સંખ્યા માત્ર 1550000 હતી જે 2021ના અંત સુધીમાં ઘટીને 412000 થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 1 એપ્રિલે દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી. જો કે, થોડા દિવસો પછી 5 એપ્રિલે તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.