Saturday, July 27, 2024
More
    હોમપેજદુનિયા‘મોદી આપણા ઘનિષ્ઠ મિત્ર’: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જાહેરમંચ પરથી પીએમ મોદીનાં મોંફાટ...

    ‘મોદી આપણા ઘનિષ્ઠ મિત્ર’: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જાહેરમંચ પરથી પીએમ મોદીનાં મોંફાટ વખાણ કર્યાં, કહ્યું- ‘મેક ઈન ઇન્ડિયા’એ અર્થવ્યવસ્થા પર જબરદસ્ત અસર કરી, આપણે પણ શીખીએ

    ભારતમાં જે રીતે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને વધારીને વિદેશી રોકાણકારોને આકર્ષવા પર ભાર આપવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં પુતિને કહ્યું કે, આપણે પણ આપણાં ઉત્પાદનોને આધુનિક સ્વરૂપ આપીને વધુ સુવિધાજનક અને કાર્યક્ષમ બનાવવા પર ભાર આપવો જોઈએ. 

    - Advertisement -

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક કાર્યક્રમમાં બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કરતા જોવા મળ્યા હતા. મૉસ્કોમાં એક એજન્સી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે ભારતના ‘મેક ઈન ઇન્ડિયા’ અભિયાનનો ઉલ્લેખ કર્યો તો તેની જબરદસ્ત સફળતા બદલ પીએમ મોદીની પણ પ્રશંસા કરી. સંબોધનમાં પુતિને મોદીને તેમના ઘનિષ્ઠ મિત્ર ગણાવ્યા હતા. 

    પીએમ મોદીનાં વખાણ કરતાં પુતિને કહ્યું, “આપણા ભારતના મિત્રો અને ખાસ કરીને ભારતના મહાન મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાં વર્ષો પહેલાં ‘મેક ઈન ઇન્ડિયા’ની શરૂઆત કરી હતી. જેણે ભારતની અર્થવ્યવસ્થા પર ખરેખર બહુ મોટી અસર કરી છે. સારી બાબતોને સ્વીકારવામાં કશું જ ખોટું નથી, એ પછી આપણે શરૂઆત કરી હોય કે આપણા મિત્રોએ.”

    રાષ્ટ્રપતિ પુતિન રશિયાની કંપનીઓને ભારતનું ઉદાહરણ આપી રહ્યા હતા. યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર જાતજાતના પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે અર્થવ્યવસ્થાને અસર ન પડે અને રશિયાની જ કંપનીઓ ઉત્પાદન વધારીને બજાર મજબૂત કરી શકે તે બાબતને લઈને ચર્ચા કરતી વખતે તેમણે ભારતના ‘મેક ઈન ઇન્ડિયા’નું ઉદાહરણ આપ્યું હતું. ભારતમાં જે રીતે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને વધારીને વિદેશી રોકાણકારોને આકર્ષવા પર ભાર આપવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં પુતિને કહ્યું કે, આપણે પણ આપણાં ઉત્પાદનોને આધુનિક સ્વરૂપ આપીને વધુ સુવિધાજનક અને કાર્યક્ષમ બનાવવા પર ભાર આપવો જોઈએ. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ ‘મેક ઈન ઇન્ડિયા’ પહેલ શરૂ કરી હતી. જે ઓટોમોબાઇલ્સ, ટેક્સ્ટાઇલ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ સહિત કુલ 25 ક્ષેત્રોને આવરી લે છે. ‘મેક ઈન ઇન્ડિયા’ના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર અભૂતપૂર્વ અસરો જોવા મળી છે અને ભારત એક ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. એ જ કારણ છે કે આજે ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. 

    અગાઉ કહ્યું હતું- મોદી મહાન રાષ્ટ્રભક્ત, તેમના નેતૃત્વમાં ભારે ઘણું મેળવ્યું છે 

    રાષ્ટ્રપતિ પુતિને પહેલી વખત પીએમ મોદીની પ્રશંસા કરી હોય તેમ નથી. અગાઉ વર્ષ 2022માં તેમણે એક કાર્યક્રમમાં બોલતી વખતે પીએમ મોદીની વિદેશ નીતિનાં વખાણ કર્યાં હતાં તો તેમને એક મહાન રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “પીએમ મોદી દુનિયાનાં એવાં વ્યક્તિત્વોમાંથી એક છે, જેઓ દેશ અને દેશની જનતાના હિતમાં એક સ્વતંત્ર વિદેશનીતિ અમલમાં મૂકીને ચાલી શકે છે અને તેની સાથે કોઈ બાંધછોડ કરતા નથી.” તેમણે ઉમેર્યું કે, “છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતે ઘણું મેળવ્યું છે અને તેનું કારણ મોદીનું નેતૃત્વ છે. મોદી એક મહાન રાષ્ટ્રભક્ત છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં