Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયા‘PM મોદીના નેતૃત્વમાં ભારતે ખૂબ વિકાસ કર્યો’: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, કહ્યું-...

    ‘PM મોદીના નેતૃત્વમાં ભારતે ખૂબ વિકાસ કર્યો’: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, કહ્યું- ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર, આજના સમયમાં આ કામ સરળ નથી

    પુતિને ભારત અને રશિયાની સંસ્કૃતિઓમાં વૈવિધ્યતા પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે, ભારતની સંસ્કૃતિ ખૂબ મહાન અને વૈવિધ્યપૂર્ણ છે. સાથે એવી પણ ટિપ્પણી કરી કે રશિયા વિશ્વના જૂજ દેશો પૈકીનું એક છે, જ્યાં નેશનલ ટેલિવિઝન પર ભારતીય ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. 

    - Advertisement -

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી મોદી પ્રશંસક બન્યા છે. તાજેતરમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારની વિદેશ નીતિની પ્રશંસા કરી અને કહ્યું કે, ભારત એવી વિદેશ નીતિ લઈને ચાલે છે, જે આજના આધુનિક વિશ્વમાં ઘણું મુશ્કેલ છે. સાથે તેમણે પશ્ચિમી દેશોને પણ ચેતવ્યા હતા. 

    રાષ્ટ્રપતિ પુતિને આ વાતો રશિયામાં વિદ્યાર્થીઓના એક સંમેલનમાં કહી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારનાં ભરપૂર વખાણ કર્યાં. 

    પુતિન કહે છે, “ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ લઈને ચાલી રહ્યું છે, જે આજના આધુનિક વિશ્વમાં સરળ બાબત નથી. પણ દોઢ અબજની વસતી ધરાવતા દેશને તેમ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. વડાપ્રધાનના (મોદીના) નેતૃત્વમાં આ અધિકારનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, “ભારતમાં વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને તેનો શ્રેય વડાપ્રધાનના નેતૃત્વને જાય છે. તેમના નેતૃત્વમાં જ દેશે આટલી પ્રગતિ કરી છે.”

    - Advertisement -

    રશિયાના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશોને ચેતવતાં કહ્યું હતું કે, ભારતમાં રાજકીય વર્ચસ્વ મેળવવા માટે બહારની શક્તિઓ ખોટા ખેલ કરવા જોઈએ નહીં, કારણ કે હવે તેનો કોઇ અર્થ રહ્યો નથી. તેઓ કહે છે, “ભારતના રાજકારણ પર અસર કરવા માટે બહારથી રમતો કરવાથી ભવિષ્યમાં કોઈ ફાયદો નહીં થાય. જોકે, તેમણે કહ્યું કે, રશિયા ભારત અને તેના નેતૃત્વ પર પૂરેપૂરો વિશ્વાસ રાખી શકે છે કારણ કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા સાથે કોઇ રમતો નહીં કરે. 

    ‘મેક ઇન ઇન્ડિયા’ની પણ પ્રશંસા કરી

    આ સિવાય તેમણે મોદી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનાં પણ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, મોસ્કો ભારતમાં રોકાણ કરવામાં મોખરે છે અને આવનાર સમયમાં તેઓ વધુ મોટાં રોકાણો કરશે. પુતિને કહે છે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ખૂબ વિકાસ કર્યો છે. તેમનું ‘મેક ઇન ઇન્ડિયા’ કેમ્પેઈન રશિયામાં પણ જાણીતું છે. અમે ભારતીય મિત્રો સાથે અનેક યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ. ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ રશિયામાંથી આવે છે.” 

    પુતિને ભારત અને રશિયાની સંસ્કૃતિઓમાં વૈવિધ્યતા પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે, ભારતની સંસ્કૃતિ ખૂબ મહાન અને વૈવિધ્યપૂર્ણ છે. સાથે એવી પણ ટિપ્પણી કરી કે રશિયા વિશ્વના જૂજ દેશો પૈકીનું એક છે, જ્યાં નેશનલ ટેલિવિઝન પર ભારતીય ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક પ્રસંગોએ વ્લાદિમિર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની પ્રશંસા જાહેરમંચ પરથી કરી ચૂક્યા છે. ખાસ કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ના તેઓ મોટા પ્રશંસક છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં