ફ્રાન્સના એક શહેરમાં શુક્રવારે (13 ઓક્ટોબર) એક 20 વર્ષીય ઇસ્લામી કટ્ટરપંથીએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને એક શાળા પર હુમલો કરી દીધો હતો, જેમાં એક શિક્ષકનું મોત થયું તો અન્ય અમુક લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાને લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને બર્બર ઈસ્લામિક આતંકવાદનું પરિણામ ગણાવી છે.
હુમલો થાય બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં શાળાએ પહોંચ્યા હતા, જ્યાં પહોંચીને તેમણે માર્યા ગયેલા શિક્ષકને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી. અહીં તેમણે આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને કહ્યું કે તે ઈસ્લામિક આતંકવાદનું પરિણામ છે.
બીજી તરફ આ ઘટનાને લઈને ફ્રાન્સના ઈન્ટિરિયર મિનિસ્ટરનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, ફ્રાન્સમાં હાલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને એરેસ શહેરની શાળામાં જે ઘટના બની તેનો સંબંધ મિડલ-ઈસ્ટમાં બનતી ઘટનાઓ સાથે છે, જ્યાં આતંકવાદી સંગઠન હમાસે ઘાતક હુમલો કરી દીધા બાદ તેને ખતમ કરવા માટે ઈઝરાયેલે આક્રમણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિ મેક્રોંએ દેશમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ જેવો સંઘર્ષ ન ઉભો થાય તે માટે પ્રયાસો કરવા નાગરિકોને અપીલ કરી હતી.
હુમલો કરનાર મોહમ્મદ શાળાનો જ પૂર્વ વિદ્યાર્થી
વધુમાં, જે હુમલાખોર પકડાયો છે તેની ઓળખ મોહમ્મદ એમ તરીકે થઈ છે. તે જે શાળામાં હુમલો કર્યો તેમાં જ અભ્યાસ કરી ચૂક્યો છે. તે ચાકુ લઈને શાળામાં ઘૂસી ગયો હતો અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને હુમલો કરી દીધો હતો. તેનો એક ભાઈ પણ ઘટના બની ત્યારે આસપાસ જ હતો, જેની પણ ફ્રાન્સ પોલીસે અટકાયત કરી લીધી હતી. જેણે હુમલો કર્યો તે ફ્રાન્સ પોલીસ દ્વારા તૈયાર કરેલી એવા લોકોની યાદીમાં સામેલ હતો જેઓ કાયદો-વ્યવસ્થા બગાડી શકે છે.
હુમલાખોર મોહમ્મદે શાળામાં ઘૂસીને એક શિક્ષક પર હુમલો કરી દીધો હતો. ત્યારે અમુક વિદ્યાર્થીઓ આસપાસ જ હતા, પરંતુ શિક્ષકે તેમને નજીક ન આવવા માટે અને ભાગી જવા માટે કહ્યું. તેમને ગંભીર રીતે ઈજા પહોંચાડ્યા બાદ મોહમ્મદે અન્ય એક શિક્ષક અને અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. બાકીનાને બચાવી શકાયા જ્યારે એક શિક્ષક મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પોલીસે હુમલો કરનારને પકડી લીધો હતો.
આ ઘટના બાદ આખા ફ્રાન્સની શાળામાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને પોલીસતંત્રને પણ અલર્ટ કરવામાં આવ્યું છે, જેથી આ પ્રકારની ઘટનાઓને બનતી ટાળી શકાય.