પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) પાકિસ્તાની સરકારના અત્યાચાર વિરુદ્ધ કાશ્મીરીઓએ વિદ્રોહ શરૂ કરી દીધો છે. PoKના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોટ અને વીજળીના ભાવમાં વધારાને લઈને લોકોએ પાકિસ્તાની હૂકુમતને ઘેરી છે. પાકિસ્તાનની સરકારે કાશ્મીરીઓના અવાજને દબાવવા માટે ભારે ફોર્સ પણ તહેનાત કરી છે. આ દરમિયાન કાશ્મીરીઓ પર ફાયરિંગના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
PoKના લોકો પાકિસ્તાની સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ અને મોંઘવારી વિરુદ્ધ 11 મેના રોજ પ્રદર્શન કરવાના હતા. પરંતુ પાકિસ્તાની હુકુમતે એક દિવસ પહેલાં જ ફોર્સ તૈનાત કરીને લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સાથે જ ઘણા લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કોઈપણ જાતની સૂચના અને વોરંટ વગર પાકિસ્તાની પોલીસે વિરોધ પ્રદર્શનને રોકવા માટે 70થી વધુ લોકોની મીરપુર જિલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. આ સાથે મીરપુર જિલ્લામાં કટોકટીની સ્થિતિ પણ લાદી દેવામાં આવી છે.
The POK has realised what's best for them.
— BALA (@erbmjha) May 12, 2024
The energy and inflation crisis has pushed them to raise the slogans of Azaadi from Pakistan.
Sooner or later they will all realize. That their best interests is in being with Bharat that is India. pic.twitter.com/UN1qLeUZNz
મુઝફ્ફરાબાદ, દારીયાલ, મીરપુર અને સમાહાની, સેહંસા, રાવલકોટ, ખુઈરટ્ટા, તત્તાપાની અને હટ્ટીયન બાલા સહિત PoKના ઘણા વિસ્તારોમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. સાથે એ પણ જાણી શકાયું છે કે, ઘર્ષણ દરમિયાન એક પાકિસ્તાની પોલીસ અધિકારીનું મોત પણ થઈ ચૂક્યું છે. કાશ્મીર પબ્લિક એક્શન કમિટીના આહ્વાન પર લોકો પાકિસ્તાની સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. PoKના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કર્ફ્યૂનો માહોલ બન્યો છે. તમામ જનજીવન ઠપ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનીઓ છેલ્લા ઘણા સમયથી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા 3 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપતી વખતે લાદવામાં આવેલી કડક શરતોને કારણે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં સ્થિતિ વણસી છે. વીજળીના દરમાં વધારાને લીધે વધુ મુશ્કેલી સર્જાઈ છે અને PoKના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
અમિત શાહે PoKને લઈને આપ્યું હતું નિવેદન
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PoKને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો NDA સરકાર ફરી બનશે તો PoK પરત લેવામાં આવશે. તેલંગાણાના ચેવેલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, NDA વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર તરીકે પરત ફરશે તો નિશ્ચિતરૂપે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ પરત લેવામાં આવશે.
તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “શું કાશ્મીર આપણું નથી? અમે નિર્ણાયક રીતે કામ કરીશું અને PoKને પરત લઈશું.” આ સાથે તેમણે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના પાકિસ્તાન પ્રેમની પણ ટીકા કરી હતી. PoKને લઈને માત્ર ગૃહમંત્રીસ શાહે જ નહીં પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પણ નિવેદન આપ્યા હતા. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, PoK ભારતનું અંગ હતું અને તેને પરત લેવામાં આવશે જ. તે પહેલાં સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, PoK માટે સરકારે કઈ કરવાની પણ જરૂર નથી. તે તેની જાતે જ ભારતમાં આવશે.