Friday, October 4, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં ભીષણ ટ્રેન અકસ્માત, 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30નાં મોત,...

    પાકિસ્તાનમાં ભીષણ ટ્રેન અકસ્માત, 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30નાં મોત, અનેકને ઇજા: રેલ મંત્રીએ કહ્યું- કોઈએ જાણીજોઈને કર્યું હોય શકે

    સોશિયલ મીડિયા અને મીડિયામાં વિડીયો-ફોટો ફરતા થયા છે, જેમાં અકસ્માત સ્થળ પર ટ્રેનના ડબ્બાઓ ખડી પડેલા નજરે પડે છે, તેમજ આસપાસ લોકોનાં ટોળાં પણ જોવા મળે છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં રવિવારે (6 ઓગસ્ટ, 2023) ભીષણ ટ્રેન અકસ્માત થયો, જેમાં ત્રીસેક લોકોનાં મોત થઇ ગયાં હતાં તો 100 કરતાં વધુ લોકોને ઇજા પહોંચી હતી. ‘હઝારા એક્સપ્રેસ’ નામની ટ્રેનને નવાબશાહમાં સરહરી રેલવે સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. 

    આ ટ્રેન કરાંચીથી રાવલપિંડી જઈ રહી હતી, દરમ્યાન નવાબશાહ જિલ્લામાં ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ સ્થળ કરાંચીથી 275 કિલોમીટર દૂર સ્થિત છે. પાકિસ્તાનના રેલ મંત્રી ખ્વાજા સાદ રફીકે પત્રકારોને જણાવ્યું હતું કે, ટ્રેનમાં લગભગ હજાર જેટલા યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 28 લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકોને ઇજા પહોંચી છે. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર, આઠ ડબ્બાઓ પાટા પરથી ખડી પડ્યા હતા અને બ્રેક લગાવવામાં વિલંબ થવાના કારણે અકસ્માત વધુ ભયાનક બન્યો હતો. 

    સોશિયલ મીડિયા અને મીડિયામાં વિડીયો-ફોટો ફરતા થયા છે, જેમાં અકસ્માત સ્થળ પર ટ્રેનના ડબ્બાઓ ખડી પડેલા નજરે પડે છે, તેમજ આસપાસ લોકોનાં ટોળાં પણ જોવા મળે છે. બીજી તરફ, પાકિસ્તાન સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ડબ્બાઓના કાટમાળ નીચે દબાયેલા મુસાફરોને બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાંથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે. નવાબશાહ અને આસપાસના જિલ્લાઓની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    દુર્ઘટનાનાં કારણો અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેન તેની નિયત ઝડપે જ જઈ રહી હતી અને હાલ ચોક્કસ કયા કારણોસર ઘટના બની તેની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ સિંધના આંતરિક જિલ્લાઓની રેલ સેવાઓ ઠપ કરી દેવામાં આવી છે. 

    એક તરફ જ્યાં અકસ્માતનાં કારણોની ચર્ચા કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ પાકિસ્તાનના રેલવે મંત્રી ખ્વાજા રફીકે એક નિવેદન આપીને નવો જ મુદ્દો ઉછાળ્યો છે. તેમણે કહ્યું કે, કોઈકે જાણીજોઈને પણ આ કર્યું હોય શકે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, કોઈએ જાણીજોઈને પણ કર્યું હોય શકે અને મેકેનિકલ ખામી પણ હોય શકે. 

    જે ટ્રેનનો અકસ્માત થયો તેમાં કુલ 17 ડબ્બાઓ હોય છે અને ઈકોનોમી ક્લાસમાં 950 અને એસી કોચમાં 72 એમ કુલ હજારેક મુસાફરોને લઇ જઈ શકે છે. પાકિસ્તાનનું રેલ મંત્રાલય કહી રહ્યું છે કે ટ્રેનમાં 1000 મુસાફરો હતા, એટલે કે અકસ્માત થયો ત્યારે ટ્રેન હક્ડેઠઠ ભરેલી હોવી જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં