પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સત્તા છોડી ત્યારથી તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ઘણા સમયથી તેમની સામે જે તોષાખાના કેસ ચાલી રહ્યો હતો, તેમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ મામલે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
કોર્ટે આ કેસમાં ઇમરાન ખાનને 3 વર્ષની જેલની સજા સંભળાવી છે, જ્યારે એક લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. ઇમરાન ખાનની પાર્ટી PTI અનુસાર, તેમને જમાં પાર્ક સ્થિત ઘરેથી પકડી લેવામાં આવ્યા હતા. સજા મળ્યા બાદ હવે ઇમરાન આગલાં પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
BREAKING: Imran Khan arrested after found guilty in Toshakhana case
— Geo English (@geonews_english) August 5, 2023
More to follow: https://t.co/Ools9nUUx4#GeoNews pic.twitter.com/3EwnSRgJ8B
ગત મે મહિનામાં ટ્રાયલ કોર્ટે ઇમરાન ખાનને દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં રાહતની માગ કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જ્યાંથી તેઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા, પરંતુ ત્યાંથી પણ રાહત મળી ન હતી. આખરે સેશન્સ કોર્ટે પણ તેમને દોષી ઠેરવતાં હવે ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે તેમની પાર્ટીએ કહ્યું છે કે, સેશન્સ કોર્ટનો ચુકાદો પક્ષપાતી છે અને જેની વિરુદ્ધ તેઓ હાઇકોર્ટમાં પડકાર ફેંકશે.
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોના મતાનુસાર ઇમરાન ખાન હવે આગલાં પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. જેથી આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં પણ તેઓ ભાગ લઇ શકશે નહીં. પાકિસ્તાનની સરકારનો કાર્યકાળ હમણાં પૂર્ણ થાય છે, ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં ચૂંટણી કરાવવામાં આવશે.
શું છે કેસ?
ઇમરાન ખાન પર આરોપ લાગ્યો છે કે તેમણે વડાપ્રધાન રહેતાં વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો સરકારી ખજાનામાંથી સસ્તા ભાવે ખરીદી લીધા બાદ વેચી નાખી હતી. આ મામલે ચૂંટણી પંચે કેસ ચલાવ્યો હતો. પરંતુ ઇમરાન ખાન સંતોષકારક ખુલાસો ન આપી શકતાં ચૂંટણી પંચે તેમની ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો.
ઇમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી તેમણે વિવિધ દેશોની યાત્રા કરી તે દરમિયાન તેમને જે-તે દેશોના વડા અને અન્ય લોકો-સંસ્થાઓ પાસેથી જે ભેટો મળી હતી તેને નિયમાનુસાર સરકારી ખજાનામાં તો જમા કરાવી દીધી હતી, પરંતુ આરોપ છે કે તેમણે ત્યારબાદ આ ભેટોને સસ્તા ભાવે ખરીદી લઈને ઊંચી કિંમતે વેચી નાંખી હતી. આ મામલે ચુકાદો આપતાં પાકિસ્તાનના ચૂંટણી પંચે નોંધ્યું હતું કે, ઇમરાન ખાને ભ્રષ્ટાચાર કર્યો હતો. ત્યારબાદ તેમને સાંસદ પદેથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા.