Sunday, May 19, 2024
More
  હોમપેજદુનિયાપાકિસ્તાનની ચૂંટણીમાં કોઇ પાર્ટીને બહુમત નહીં, પણ તમામનો સરકાર બનાવવાનો દાવો: ઇમરાન...

  પાકિસ્તાનની ચૂંટણીમાં કોઇ પાર્ટીને બહુમત નહીં, પણ તમામનો સરકાર બનાવવાનો દાવો: ઇમરાન ખાન સમર્થકો સૌથી વધુ સંખ્યામાં જીત્યા

  આમ તો પાકિસ્તાનમાં કોઇ પાર્ટીને બહુમતી ન મળે તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સરકાર બનાવે છે, પરંતુ અહીં સૌથી વધુ ઉમેદવારો અપક્ષ જીત્યા છે, જેઓ ઇમરાન ખાનના સમર્થકો છે. તેમની પાર્ટી પર પ્રતિબંધ લાગ્યો હોવાથી તેઓ અપક્ષ લડ્યા હતા.

  - Advertisement -

  પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના હવે પરિણામો આવી રહ્યાં છે. જોકે, કોઇ પાર્ટીને બહુમતી મળી નથી, જેથી હવે સરકાર કોણ બનાવશે તેની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) બંને સાથે મળીને કેન્દ્ર અને પાક. પંજાબમાં ગઠબંધન સરકાર બનાવવા માટે સહમત થયા છે. બીજી તરફ, જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સૈન્ય સ્થાપનો પર થયેલા હુમલા સંબંધિત 12 કેસમાં જામીન પણ મળી ગયા છે.

  શુક્રવારે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાયા બાદ શનિવારે પરિણામો જાહેર થયાં. અહીં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જોકે, ઈમરાન ખાનના સમર્થક અપક્ષ ઉમેદવારો 100 બેઠકો સાથે આગળ છે. નવાઝની પાર્ટી 71 બેઠકો સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 266 બેઠકો પર સીધી ચૂંટણી થાય છે. આ વખતે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જેથી 265 બેઠકો પર ચૂંટણી થઈ. બાકીની 70 સીટ અનામત રાખવામાં આવે છે. કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 133 સીટો પર બહુમતી મળવી જરૂરી છે. પરંતુ હાલ કોઈને બહુમતી મળી નથી.

  આમ તો પાકિસ્તાનમાં કોઇ પાર્ટીને બહુમતી ન મળે તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સરકાર બનાવે છે, પરંતુ અહીં સૌથી વધુ ઉમેદવારો અપક્ષ જીત્યા છે, જેઓ ઇમરાન ખાનના સમર્થકો છે. તેમની પાર્ટી પર પ્રતિબંધ લાગ્યો હોવાથી તેઓ અપક્ષ લડ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ઇમરાન સમર્થકોને 96 બેઠકો, નવાઝ શરીફની પાર્ટીને 74 અને બિલાવલની પાર્ટીને 53 બેઠકો અને અન્યોને 30 બેઠકો મળી છે. જીત માટે 133 બેઠકો જરૂરી છે, પરંતુ હાલ કોઇ પાર્ટી પાસે આટલી સંખ્યા નથી. ત્યારે જાણવા મળ્યું છે કે નવાઝ શરીફ અને બિલવાદ ઝરદારી ગઠબંધન સરકાર બનાવવા માટે સહમત થયા છે.

  - Advertisement -

  નવાઝ અને બિલાવલ ગઠબંધન માટે સહમત

  તાજેતરની જાણકારી અનુસાર, નવાઝ અને તેમના શાહબાઝ શરીફની પાર્ટી PML-N અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી PPP સાથે મળીને સરકાર બનાવશે. આ નિર્ણય તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે PML-Nના અધ્યક્ષ શાહબાઝ શરીફે PPP અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત કરી અને તેમને પાકિસ્તાન માટે સાથે મળીને કામ કરવા માટે આમંત્રિત કર્યા હતા. જ્યારે બીજી તરફ ચૂંટણી પરિણામોમાં મોડું થવાથી ત્યાંનાં લોકો અને નેતાઓ પણ રોષે ભરાયા છે. ઈમરાન ખાન સમર્થિત પાર્ટીના નેતાએ વિરોધ દર્શાવતા કહ્યું છે કે, જો ચૂંટણી પરિણામો વહેલા ના આવ્યાં તો રવિવારે (11 ફેબ્રુઆરી) વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

  આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સહિત અનેક વિસ્તારોમાં હિંસાના સમાચાર પણ સામે આવ્યા છે. જામીન પર મુક્ત થયેલા ઈમરાન ખાનની PTI અને બિલાવલની PPPએ અનેક સીટો પર ધાંધલીથી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, ચૂંટણી પરિણામોમાં ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ સીટો જીતી છે પરંતુ, નવાઝ અને બિલાવલ ગઠબંધન કરીને સરકાર બનાવી શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

  ઇમરાન ખાનના સાથીએ પણ કર્યો સરકાર બનાવવાનો દાવો

  ઇમરાન ખાનના નજીકના સાથી અને મીડિયા સલાહકાર ઝુલ્ફી બુખારીએ કહ્યું કે, PTI જલ્દીથી જ એક પાર્ટી બેનરની જાહેરાત કરશે અને અપક્ષ ઉમેદવારોને તેમાં સામેલ થવા માટે કહેશે. નોંધવું જોઈએ કે પાકિસ્તાનમાં અપક્ષ ઉમેદવારો પોતાની સરકાર બનાવી શકે તેવી કોઇ જોગવાઈ નથી અને તેમણે કોઈ પણ પાર્ટીમાં સામેલ થવું પડે છે. તે માટે જીત મેળવ્યાના 72 કલાકમાં તેમણે કોઇ પણ પાર્ટીમાં સામેલ થવાની જાણ કરવી પડે છે. 

  ઈમરાનના સાથીએ કહ્યું કે, “અપક્ષ ઉમેદવારો ક્યાંય પણ જાય (બીજી પાર્ટીમાં) તેવો અમને કોઇ ડર નથી કારણ કે આ એવા લોકો છે જેઓ છેલ્લા 18 મહિનાથી સંઘર્ષ કરી રહ્યા છે અને તમામ પ્રકારના અત્યાચાર સહન કર્યા છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં