Saturday, May 4, 2024
More
    હોમપેજદુનિયાપયગમ્બર પર કરેલી કથિત વિવાદિત ટિપ્પણીની ‘સજા’, નાઈજીરિયામાં ટોળાએ પથ્થરમારો કરીને એકની...

    પયગમ્બર પર કરેલી કથિત વિવાદિત ટિપ્પણીની ‘સજા’, નાઈજીરિયામાં ટોળાએ પથ્થરમારો કરીને એકની હત્યા કરી નાંખી: અલ્લાહુ અકબરના નારા સાથે કર્યો હતો હુમલો

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે, કેટલાક લોકોનું ટોળું એક વ્યક્તિને ઘેરી વળીને પથ્થરો મારે છે. ટોળામાં બાળકો પણ જોવા મળે છે. પીડિત વ્યક્તિ ઘાના કારણે કણસતો જોવા મળે છે તેમજ ઉભો થઈને આગળ વધવા જાય છે ત્યાં કોઈ પાછળથી તેને માથામાં લાકડી મારી દે છે.

    - Advertisement -

    નાઈજીરિયામાં મૉબ લિન્ચિંગની એક ઘટના સામે આવી છે. અહીંના સોકોટો શહેરમાં ટોળાએ એક વ્યક્તિની પથ્થરો વડે મારીમારીને હત્યા કરી નાંખી હતી. પયગમ્બર મોહમ્મદ વિશે તેણે કરેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે તૂટી પડ્યું હતું. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે, કેટલાક લોકોનું ટોળું એક વ્યક્તિને ઘેરી વળીને પથ્થરો મારે છે. ટોળામાં બાળકો પણ જોવા મળે છે. પીડિત વ્યક્તિ ઘાના કારણે કણસતો જોવા મળે છે તેમજ ઉભો થઈને આગળ વધવા જાય છે ત્યાં કોઈ પાછળથી તેને માથામાં લાકડી મારી દે છે. વિડીયોમાં પાછળથી કેટલાક લોકો ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા સાંભળી શકાય છે. (વિડીયો વિચલિત કરી શકે છે.)

    નાઈજીરિયાના સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના રવિવારે ત્યાંના સોકોટો શહેરમાં બની હતી. મૃતક વ્યક્તિનું નામ ઉસ્માન બુડા હાજી હોવાનું જાણવા મળ્યું છે. તે એક કતલખાનામાં કસાઈ તરીકે કામ કરતો હતો. અહેવાલો જણાવે છે કે, રવિવારે તેણે કેટલાક લોકોની હાજરીમાં પયગમ્બર મોહમ્મદ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેના લીધે અન્ય લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જોકે, ત્યાં ઉપસ્થિત કેટલાકે કહ્યું કે, ઉસ્માનને માનસિક બીમારી છે પરંતુ તેની સાથે કામ કરનારાઓ તે માનવા તૈયાર ન હતા અને કહ્યું કે, તેમને તેવી કોઈ ખબર નથી. ત્યારબાદ ઉસ્માને માફી ન માંગતાં ટોળું ઉશ્કેરાઈ ગયું અને મારવા માંડ્યું હતું. જોકે, તેણે ચોક્કસ શું ટિપ્પણી કરી હતી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. 

    - Advertisement -

    વાયરલ વિડીયોમાં જોવા મળતી ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઉસ્માન મૃત્યુ પામ્યો હતો. પોલીસે નિવેદનમાં જણાવ્યું કે, “25 જૂને સવારે 10 વાગ્યાની આસપાસ જાણવા મળ્યું હતું કે, સોકોટોના એક કતલખાનામાં કામ કરતા ઉસ્માન બુડા નામના કસાઈએ પયગમ્બર મોહમ્મદ વિશે કથિત રીતે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના પરિણામસ્વરૂપ કેટલાક મુસ્લિમોએ તેને ઘેરી લીધો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ઉમેર્યું કે, ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેમને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું અને પીડિત વ્યક્તિ ગંભીર ઇજા પામેલી હાલતમાં બેભાન પડ્યો હતો. જ્યાંથી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવાયો હતો. આ મામલે તપાસ શરૂ થઇ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

    મે, 2022માં પણ આવી ઘટના બની હતી

    અહીં ઉલ્લેખનીય છે કે મે, 2022માં પણ નાઈજીરિયામાં સોકોટોમાં આ પ્રકારની એક ઘટના બની હતી, જેમાં એક ખ્રિસ્તી છોકરીને તેના જ સહાધ્યાયીઓએ મારી નાંખી હતી. તે સોકોટોની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી, જેના એક વોટ્સએપ ગ્રુપમાં કોઈકે ઇસ્લામિક પોસ્ટ શૅર કરી હતી. વિદ્યાર્થીઓના ગ્રુપમાં આ પ્રકારની મઝહબી સામગ્રી શૅર થતી હોવા સામે તેણે વાંધો ઉઠાવ્યો હતો. જેને તેનું ‘ઇસ્લામવિરોધી’ કૃત્ય માની લઈને તેની સાથે ભણનારાઓએ જ તેની હત્યા કરી નાંખી હતી. આ દરમિયાન પણ ‘અલ્લાહુ અકબર’ના નારા સાંભળવા મળ્યા હતા. 

    એ પણ નોંધવું જોઈએ કે નાઈજીરિયાનું સોકોટો રાજ્ય મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય છે. અહીં ઇસ્લામિક શરિયા કાયદો અમલમાં છે, જ્યાં ‘ઇશનિંદા’ના ગુનાસર મૃત્યુદંડ મળી શકે છે. જોકે, પાકિસ્તાનની જેમ અહીં પણ ટોળું જ ‘ન્યાય’ તોળતું હોવાની ઘટનાઓ બનતી રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં