પાડોશી દેશ માલદીવના પર્યાવરણ મંત્રી ફાતિમા શમનાઝ અલી સલીમ અને અન્ય બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને મંત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તેમની ઉપર આરોપ છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર જાદૂટોણાં કે કાળા જાદૂ કરવાનો! મુદ્દો હાલ વિદેશી મીડિયામાં પણ ચર્ચાનું કારણ બન્યો છે.
ફાતિમા માલદીવ સરકારમાં પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને ઊર્જા મંત્રી હતાં. ગત 23 જૂનના રોજ તેમની અન્ય બે વ્યક્તિઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે હાલ તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે.
હાલ માલદીવ સરકારે આ ઘટનાક્રમને લઈને કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે મંત્રીની ધરપકડ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળા જાદૂ કરવાના આરોપસર થઈ છે. પોલીસે આ રિપોર્ટને ન તો સમર્થન આપ્યું છે કે ન નકાર્યો છે. એ નોંધનીય છે કે મુસ્લિમ બહુમતી માલદીવમાં જાદૂટોણાં એ પીનલ કોડ હેઠળ ગુનાની શ્રેણીમાં આવતું નથી, પરંતુ ઇસ્લામિક કાયદા અનુસાર તેના માટે 6 મહિનાની જેલ થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરવા પહેલાં સ્થાનિક પોલીસે શમનાઝના ઘરે દરોડા પણ પાડ્યા હતા અને એવી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી, જેનો ઉપયોગ કાળા જાદૂ કરવા માટે થઈ શકે છે. જોકે, વધુ વિગતો પોલીસ કે સરકાર સત્તાવાર જાણકારી આપે તો જ સામે આવી શકશે.
ફાતિમા શમનાઝ અને તેનો પતિ રમીઝ બંને અગાઉ માલદીવની રાજધાની માલેની નગર પરિષદમાં સભ્ય હતાં. જ્યારે હાલના રાષ્ટ્રપતિ મુઇઝુ ત્યાં મેયર હતા. ગત વર્ષે ચૂંટણી જીત્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને સાથે શમનાઝે પણ નગર પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. જેમને પછીથી રાજ્ય મંત્રી નિમવામાં આવ્યાં અને ત્યારબાદ પર્યાવરણ મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ, તેનો પતિ રમીઝ પણ રાષ્ટ્રપતિના કાર્યાલયમાં કામ કરતો હતો, પરંતુ કહેવાય છે કે પાંચ મહિનાથી તે પણ ગાયબ છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં પણ માલદીવમાંથી જાદૂટોણાંના કિસ્સાઓ સામે આવ્યા છે. એપ્રિલ, 2023માં એક 62 વર્ષીય મહિલાને કાળા જાદૂના આરોપમાં તેના પાડોશીઓએ મારી નાખી હતી. ત્યારપછી પોલીસે તપાસ પણ કરી, પરંતુ અંતે સામે આવ્યું કે મૃતક જાદૂટોણાં કરતી હોય તેવી કોઇ બાબત સામે આવી નહીં.