Sunday, May 5, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં સક્રિય 'અજાણ્યા બંદૂકધારીઓ'એ વધુ એક આતંકવાદી ફૂંકી માર્યો, LeT કમાન્ડર અકરમ...

    પાકિસ્તાનમાં સક્રિય ‘અજાણ્યા બંદૂકધારીઓ’એ વધુ એક આતંકવાદી ફૂંકી માર્યો, LeT કમાન્ડર અકરમ ગાઝી ઠાર: એક અઠવાડિયામાં બીજો આતંકી મરાયો

    અકરમ ગાઝી લશ્કર-એ-તૈયબાના મુખ્ય કમાંડરો પૈકીનો એક હતો અને આતંકવાદીઓની ભરતી કરતો હતો. આ જ આતંકવાદીઓ પછીથી કાશ્મીર ખીણ મારફતે ભારતમાં ઘૂસણખોરી કરતા હતા અને સેના અને નાગરિકો પર હુમલા કરતા હતા.

    - Advertisement -

    પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંક ફેલાવતો વધુ એક આતંકવાદી ‘અજાણ્યા બંદૂકધારીઓ’ના હાથે ઠાર મરાયો છે. જાણવા મળ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અકરમ ગાઝી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં માર્યો ગયો છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, તેની હત્યા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બજૌર જિલ્લામાં કરવામાં આવી. અજાણ્યા બંદૂકધારીઓ બાઇક પર આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલો આતંકવાદી અકરમ પછીથી મૃત્યુ પામ્યો. 

    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અકરમ ગાઝી લશ્કર-એ-તૈયબાના મુખ્ય કમાંડરો પૈકીનો એક હતો અને આતંકવાદીઓની ભરતી કરતો હતો. આ જ આતંકવાદીઓ પછીથી કાશ્મીર ખીણ મારફતે ભારતમાં ઘૂસણખોરી કરતા હતા અને સેના અને નાગરિકો પર હુમલા કરતા હતા. તે લશ્કરના સેન્ટ્રલ રિક્રૂટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. ઠાર મરાયેલો આતંકવાદી અકરમ પાકિસ્તાનમાં બેસીને અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હતો. 

    - Advertisement -

    જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ હત્યા પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કરી રહી છે, બીજી તરફ પોલીસ આ હત્યાની તપાસ કરી રહી છે. 

    છેલ્લા 1 અઠવાડિયામાં અજાણ્યા બંદૂકધારીઓના હાથે આ બીજો આતંકવાદી મરાયો છે. આ પહેલાં રવિવારે 2018ના કાશ્મીરમાં થયેલા એક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ખ્વાજા શાહિદનો મૃતદેહ LOC પાસેથી મળી આવ્યો હતો. થોડા દિવસ પહેલાં અજાણ્યા લોકો તેને ઉઠાવી લઇ ગયા હતા અને પછીથી મારીને લાશ ફેંકી દીધી હતી. આખરે રવિવારે મળી આવી હતી. 

    હવે પાકિસ્તાનમાં પણ સુરક્ષિત નહીં આતંકવાદીઓ, ‘અજાણ્યા બંદૂકધારીઓ’ બનાવી રહ્યા છે નિશાન

    છેલ્લા અમુક મહિનાઓમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે પાકિસ્તાનમાં પણ આતંકવાદીઓ હવે સુરક્ષિત નથી અને અજાણ્યા બંદૂકધારીઓ એક પછી એક નિશાન બનાવી રહ્યા છે. આ તમામ ભારતવિરોધી આતંકવાદીઓ હતા. છેલ્લા 6 મહિનામાં અનેક ઇસ્લામી-ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે, જેઓ પાકિસ્તાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે કરતા હતા. 

    જોકે, અજાણ્યા બંદૂકધારીઓ માત્ર પાકિસ્તાનમાં જ સક્રિય હોય તેમ નથી, કેનેડામાં પણ છે. ગયા વર્ષે આવા જ અજાણ્યા લોકોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરને મોતને ઘાટ ઉતાર્યો હતો, જેનો આરોપ પછીથી કેનેડાએ ભારત પર લગાવી દીધો. જોકે, ભારત સમયે-સમયે આ આરોપો નકારતું આવ્યું છે. 

    આ પહેલાં ગત ઓક્ટોબરમાં મસૂદ અઝહરના સાથી આતંકવાદી દાઉદ મલિકની પાકિસ્તાનના વઝિરિસ્તાનમાં હત્યા કરી નાખવામાં આવી હતી. ધોળા દહાડે અજાણ્યા બંદૂકધારીઓ ત્રાટક્યા હતા અને તેનું કામ તમામ કરીને ચાલ્યા ગયા હતા. તે પહેલાં ઓક્ટોબરની શરૂઆતમાં જ મુફ્તી કૈસર ફારૂક નામના એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં