શું નેતા, શું અભિનેતા.. ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસના બર્બર હુમલા બાદ ઇઝરાયેલમાં દરેક લોકો મોરચા સાથે જોડાઈ ગયા છે. દેશ માટે લડવા અને દેશવાસીઓને બચાવવાના આ મિશનમાં સૌ કોઈ કૂદી પડ્યા છે. આ કડીમાં પ્રખ્યાત ઇઝરાયેલી વેબસિરીઝ ‘ફૌદા’ના એક્ટર લિયોર રજ (Fauda Actor Lior Raz)એ ઇઝરાયેલના વોલંટિયર આર્મી ગ્રુપ ‘બ્રધર્સ ઇન આર્મ્સ’ને જોઇન કર્યું છે.
ઇઝરાયેલના દક્ષિણી શહેર સેડરોટથી એક્ટરે એક વિડીયો શેર કર્યો છે. તેમાં તે ઇઝરાયેલ ડેમોક્રેસી ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ યોહાનન પ્લેસ્નર અને પત્રકાર એવી યિસ્સચારોવ સાથે જોવા મળી રહ્યા છે.
વિડીયો શેર કરીને લિયોર રજે લખ્યું કે, “લોકોને બચાવવા માટે હું ‘બ્રધર્સ ઇન આર્મ્સ’ વોલંટિયર ગ્રુપ જોઇન કરીને દક્ષિણ તરફ નીકળ્યો છું. અમને બે પરિવારોને બચાવવા માટે બોમ્બગ્રસ્ત શહેર સેડરોટ મોકલવામાં આવ્યા છે.” વિડિયોમાં એક્ટરને રોકેટ હુમલાથી બચવા માટે દીવાલ પાછળ આશ્રય લેતા જોઈ શકાય છે.
નોંધનીય છે કે ‘ફૌદા’ એક ફેમસ ઇઝરાયેલી વેબ સીરિઝ છે. તે ઇઝરાયેલી સેનાના અંડરકવર કમાન્ડો પર આધારિત છે. તેમાં લિયોર રજે ડેરોનની ભૂમિકા ભજવી હતી. સીરિઝમાં તે ઇઝરાયેલના દુશ્મનોને ખતમ કરતાં જોવા મળે છે.
Accompanied by Yohanan Plesner @yplesner and Avi @issacharoff , I headed down south to join hundreds of brave "brothers in arms" volunteers who worked tirelessly to assist the population in the south of Israel. We were sent to the bombarded town of Sderot to extract 2 families pic.twitter.com/WpM9JLeOZM
— Lior Raz (@lioraz) October 9, 2023
ઉલ્લેખનીય છે કે હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને મોરચા પર તૈનાત કર્યા છે. રિઝર્વ ડયુટીમાં એવા ઇઝરાયેલી નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે જેમણે પોતાની લશ્કરી સેવા પૂર્ણ કરી હોય. ઇઝરાયલમાં સૈન્ય સેવા દરેક માટે ફરજિયાત છે. આ પહેલાં ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન નેફ્તાલી બેનેટનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ પણ તેમની બટાલિયન સાથે જોવા મળ્યા હતા. જે બાદ હવે ઇઝરાયેલના એક્ટર લિયોર રજે પણ આર્મી ગ્રુપ ‘બ્રધર્સ ઇન આર્મ્સ’ને જોઇન કર્યું છે.
નોંધનીય છે કે હમાસના આતંકીઓએ 7 ઓકટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં 900થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 2600થી વધુ લોકો ઘાયલ છે. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝાની અંદર 1200થી વધુ અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં લગભગ 600 પેલેસ્ટિયન આતંકીઓ માર્યા ગયા છે.
હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું- નેતન્યાહુ
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક ટીવી સંબોધનમાં કહ્યું હતું કે, “અમે યુદ્ધ ઇચ્છતા નહોતા. અમારા પર બર્બરતાથી જબરદસ્તી યુદ્ધ થોપવામાં આવ્યું છે. ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ નથી કર્યું, પરંતુ ખતમ ઇઝરાયેલ કરશે. હમાસે ઇઝરાયેલ પર હુમલો કરીને ઐતિહાસિક ભૂલ કરી છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “એક સમય હતો જ્યારે યહૂદીઓ પાસે કોઈ દેશ નહોતો, તેઓ પોતાની રક્ષા કરી શકતા નહોતા. પરંતુ હવે એવું નથી. હવે અમે હમાસ અને ઇઝરાયેલના અન્ય દુશ્મનોને એવો પાઠ ભણાવીશું કે તેઓ દશકો સુધી ભૂલી નહીં શકે.”