આતંકવાદી સંગઠન હમાસ સામે સતત એક અઠવાડિયા સુધી એરસ્ટ્રાઈક કરીને હજારો ઠેકાણાં ધ્વસ્ત કરી દીધા બાદ હવે ઇઝરાયેલી સેના જમીન માર્ગે આક્રમણ કરવાની તૈયારી કરી રહી છે. આ જ ક્રમમાં શુક્રવારે (13 ઓક્ટોબર) ઈઝરાયેલે ઉત્તર ગાઝામાં રહેતા લગભગ 6 લાખ નાગરિકોને સ્થળાંતર કરી જવા માટે કહ્યું છે. આ માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.
ઇઝરાયેલી વિદેશ મંત્રાલયે શુક્રવારે X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, અમે ઉત્તર ગાઝામાં રહેતા નાગરિકોને વિસ્તાર ખાલી કરી દેવા માટે અને ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગ તરફ સ્થળાંતર કરી જવા માટે અપીલ કરીએ છીએ. અમારી લડાઈ તેમની સાથે નથી. અમારી લડાઈ ક્રૂર હમાસ આતંકવાદીઓ સામે છે અને આ દરમિયાન નાગરિકોને કોઇ હાનિ ન પહોંચે તેવું અમે ઈચ્છીએ છીએ.
Important message: We call on civilians in Northern Gaza to evacuate the area and head towards the southern area of the Gaza Strip.
— Israel Foreign Ministry (@IsraelMFA) October 13, 2023
Our fight is not with them.
It is with the barbaric Hamas terrorist organization and we are trying to prevent civilian casualties and to keep… pic.twitter.com/i9RAv1RoNz
જેરૂસલેમ પોસ્ટના રિપોર્ટમાં સૈન્ય સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, હવે ઇઝરાયેલી સેના ગાઝામાં જમીન માર્ગે આક્રમણ કરવા જઈ રહી છે. જાણવા મળ્યા અનુસાર, આ કાર્યવાહી 14 ઓક્ટોબર પછી ગમે ત્યારે શરૂ કરવામાં આવી શકે છે.
ઇઝરાયેલી સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ) ગાઝાના તમામ નાગરિકોને ઘર ખાલી કરીને પોતાની સુરક્ષા માટે દક્ષિણમાં જતા રહેવા માટે સૂચના આપે છે. આ તમારી સુરક્ષા માટે જ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા ફરી પુનર્સ્થાપિત થાય ત્યારબાદ તમે ગાઝા શહેરમાં પરત ફરી શકશો. ત્યાં સુધી ઇઝરાયેલની સરહદની આસપાસ જવું નહીં.” આ સાથે IDFએ ગાઝાના નાગરિકોને એવી પણ અપીલ કરી છે કે તેઓ હમાસના આતંકવાદીઓનો સાથ આપે નહીં, જેઓ તેમનો ઉપયોગ પોતાના ‘હ્યુમન શિલ્ડ’ (ઢાલ) તરીકે કરી રહ્યા છે.
જોકે, ઈઝરાયેલની સેનાએ જણાવ્યું નથી કે તેઓ જમીની હુમલો કરશે કે કેમ, પરંતુ આ બધી કાર્યવાહી બાદ તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ સમય વિશે હજુ જાણકારી મળી શકી નથી.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું- આટલા ઓછા સમયમાં સ્થળાંતર અશક્ય, ઈઝરાયેલે કહ્યું- તમારે જે કરવાનું છે એ કરો
સંયુક્ત રાષ્ટ્રે પણ આ અંગે નિવેદન આપ્યું છે. UNના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, “અમને ઇઝરાયેલી સેના દ્વારા ઉત્તર ગાઝાના નાગરિકોને આગામી 24 કલાકમાં ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ માને છે કે આ પ્રકારે એકસાથે આટલી સંખ્યામાં લોકોને ખસેડવા અશક્ય છે, અથવા તો પછી તેનાં ભયાનક પરિણામો ભોગવવાં પડશે.” બીજી તરફ, UNમાં ઇઝરાયેલના રાજદૂતે આ જવાબને શરમજનક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, UNએ આ બધું કરવા કરતાં હમાસનાં કૃત્યોને વખોડીને ઇઝરાયેલના સ્વરક્ષણ અધિકારને સમર્થન આપવું જોઈએ. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી ગાઝા તેમના બંધક બનાવાયેલા નાગરિકોને ન છોડે ત્યાં સુધી તેઓ વિજળી, પાણીનો સપ્લાય શરૂ કરશે નહીં.
બીજી તરફ, આતંકી સંગઠન હમાસે ગાઝાના નાગરિકોને ઇઝરાયેલની સૂચના ન માનીને ઘરે જ રહેવા માટે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પર શાસન હમાસ કરે છે. જ્યાંથી તેમણે ગત શનિવારે (7 ઓક્ટોબરે) એકસાથે ઇઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યાં હતાં. જેના જવાબમાં ઈઝરાયેલે અડધું ગાઝા ફૂંકી માર્યું છે, બાકીનું અડધું ફૂંકવાની તૈયારી ચાલી રહી છે.