Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાઇરાનથી હથિયારો લઈને સીરિયા જતી હતી ફ્લાઇટ, પહોંચે તે પહેલાં જ ઈઝરાયેલે...

    ઇરાનથી હથિયારો લઈને સીરિયા જતી હતી ફ્લાઇટ, પહોંચે તે પહેલાં જ ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરીને બે એરપોર્ટ નિષ્ક્રિય કરી દીધાં: યુદ્ધ વચ્ચે IDFનું વધુ એક પરાક્રમ

    ઇઝરાયેલ અને સીરિયા બંને માટે આ નવું નથી કારણ કે વર્ષોથી ઇઝરાયેલ સીરિયા સામે આ પ્રકારની કાર્યવાહી કરતું આવ્યું છે. જેમાં એરપોર્ટ પરના હુમલાઓ પણ સામેલ છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેઓ ઈરાનિયન સપ્લાય લાઇન્સને બંધ કરવા માટે આ પ્રકારની એક્શન લે છે. કારણ કે આ જ રસ્તેથી હમાસ, હિઝબુલ્લા અને અન્ય પેલેસ્ટેનિયન આતંકવાદી સંગઠનોને હથિયારો પહોંચાડવામાં આવે છે.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની સેનાએ હવે સીરિયા સામે મોરચો ખોલી દીધો છે. સીરિયન સ્ટેટ ટેલિવિઝન અનુસાર, ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરીને સીરિયાનાં બે એરપોર્ટ પર હુમલો કરીને તેને નિષ્ક્રિય બનાવી દીધાં છે. 

    સીરિયન સ્ટેટ ટેલિવિઝન તરફથી X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે, ઇઝરાયેલના હુમલા બાદ દમાસ્કસ અને એલેપ્પો એરપોર્ટ ઠપ થઈ ગયાં છે. જોકે, બીજી કોઇ જાણકારી આપવામાં આવી ન હતી. આમ તો ઇઝરાયેલ સીરિયા પર આવા હુમલાઓ કરતું જ રહે છે પરંતુ હમાસ સામે યુદ્ધ જાહેર કર્યા બાદ આ પહેલી કાર્યવાહી છે. 

    રોયટર્સના રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલે કરેલા હુમલામાં દમાસ્કસ અને ઉત્તરીય ભાગે આવેલા શહેર એલેપ્પોનાં એરપોર્ટના રનવેને નુકસાન પહોંચ્યું છે, જેથી ત્યાં કોઇ વિમાન અવરજવર કરી શકે તેમ નથી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલે મિસાઇલ વડે હુમલો કરીને સીરિયાનાં આ એરપોર્ટ ફૂંકી માર્યાં હતાં. જોકે, હુમલામાં કોઈને ઈજા પહોંચી નથી. 

    - Advertisement -

    જોકે, ઇઝરાયેલ અને સીરિયા બંને માટે આ નવું નથી કારણ કે વર્ષોથી ઇઝરાયેલ સીરિયા સામે આ પ્રકારની કાર્યવાહી કરતું આવ્યું છે. જેમાં એરપોર્ટ પરના હુમલાઓ પણ સામેલ છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેઓ ઈરાનિયન સપ્લાય લાઇન્સને બંધ કરવા માટે આ પ્રકારની એક્શન લે છે. કારણ કે આ જ રસ્તેથી હમાસ, હિઝબુલ્લા અને અન્ય પેલેસ્ટેનિયન આતંકવાદી સંગઠનોને હથિયારો પહોંચાડવામાં આવે છે. ગત મે મહિનામાં પણ ઈઝરાયેલે એલેપ્પો એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરી હતી. 

    સીરિયા અને ઈરાન મિત્રરાષ્ટ્રો છે અને વર્ષ 2011માં સીરિયામાં ગૃહયુદ્ધ શરૂ થયા બાદથી ત્યાં ઈરાનનો પ્રભાવ વધ્યો છે. જોકે, સીરિયા પોતાને ત્યાં ઇરાની સેનાની હાજરી હોવાની વાતો નકારતું આવ્યું છે. આ હુમલો પણ એવા સમયે થયો જ્યારે ઈરાનના વિદેશ મંત્રી સીરિયાની મુલાકાતે આવવાના હતા અને તેમનું વિમાન દમાસ્કસ એરપોર્ટ પર જ લેન્ડ થવાનું હતું. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે ઈરાનથી એક વિમાન હથિયારો લઈને સીરિયા આવવા માટે રવાના થયું હતું પરંતુ તે પહોંચે તે પહેલાં જ ઈઝરાયેલે એરપોર્ટના રનવે પર હુમલો કરી દીધો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની સેનાના અમુક કમાન્ડરો અને હથિયારોને લઈને આવતું વિમાન એરબસ A340 સીરિયા આવવા માટે રવાના થયું હતું. જે દમાસ્કસ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું, પરંતુ તે લેન્ડ થાય તે પહેલાં જ ઈઝરાયેલે એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરી દીધી હતી. જેથી આ ફ્લાઇટ ફરી તહેરાન (ઈરાનની રાજધાની) રવાના થઈ ગઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ પર જોવા મળે છે કે વિમાન તહેરાનથી ઊપડીને દમાસ્કસ નજીક પહોંચી ગયું હતું પરંતુ ઈઝરાયેલની એરસ્ટ્રાઈક બાદ ફરી યુ-ટર્ન લઈને તહેરાન આવી પહોંચ્યું હતું. 

    તહેરાનથી દમાસ્કસ જતી ફ્લાઈટે એરસ્ટ્રાઈક બાદ યુ-ટર્ન લીધો હતો (ફોટો- Flightradar24)

    અગાઉ એવા પણ દાવા કરવામાં આવ્યા કે તહેરાનથી આવતી આ ફ્લાઇટમાં ઇરાનના વિદેશ મંત્રી પણ હાજર હતા, પરંતુ પછીથી પુષ્ટિ થઈ કે તેઓ ઇરાકની યાત્રાએ છે અને બગદાદ એરપોર્ટ પર અન્ય એક ફ્લાઇટ મારફતે પહોંચ્યા હતા. તેઓ બગદાદથી સીરિયાના દમાસ્કસ આવવાના હતા. 

    ઉલ્લેખનીય છે કે જે આતંકવાદી સંગઠન હમાસ સામે ઇઝરાયેલ હાલ લડી રહ્યું છે તેને સૌથી વધુ મદદ ઈરાન પૂરી પાડે છે. લશ્કરી તાલીમથી માંડીને હથિયારો અને ભંડોળ સુધી ઇરાન દ્વારા અપાય છે. તાજેતરના હુમલાઓને લઈને પણ ઈરાન પર આરોપ લાગતા રહ્યા છે. બીજી તરફ, ઇરાને ઇઝરાયેલ પર હમાસે કરેલા હુમલાને યોગ્ય ઠેરવ્યા છે પણ સાથે એમ પણ કહ્યું કે આમાં તેમનો કોઈ હાથ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં