રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પચાસેક દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે આખી દુનિયાની નજર ભારત પર રહી છે. છેલ્લા કેટલાક સમયમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે એવા સમયમાં હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન પહેલીવાર ભારત યાત્રાએ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર તેઓ આગામી 21 અને 22 એપ્રિલના રોજ ભારત યાત્રા પર આવશે. આમ તો તેઓ વડાપ્રધાનના નિમંત્રણ પર આવી રહ્યા છે પરંતુ તેમ છતાં હાલ થઇ રહેલા વૈશ્વિક પરિવર્તનોને જોતા આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
વિદેશ મંત્રાલયે બ્રિટીશ પીએમની યાત્રા અંગે પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે બોરિસ જોહ્ન્સનના સ્વાગત માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સમારોહ આયોજિત કરવામાં આવશે. મીડિયાના સૂત્રો અનુસાર, તેઓ 22 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે અને દ્વિપક્ષીય સબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ભારત યાત્રા પહેલા બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને કહ્યું કે, “પ્રમુખ આર્થિક શક્તિ અને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર ભારત આ અનિશ્ચિત સમયમાં બ્રિટનનું એક મહત્વનું રણનીતિક ભાગીદાર છે. તેમણે આગળ કહ્યું કે, આજે આપણે કેટલાક નિરંકુશ દેશો દ્વારા શાંતિ અને સમૃદ્ધિ માટે જોખમનો સામનો કરી રહ્યા છીએ ત્યારે લોકતાંત્રિક અને મિત્ર દેશો એકજૂથ રહે તે જરૂરી છે.” નોંધવું અગત્યનું છે કે ગત વર્ષે ગણતંત્ર દિવસ પર બોરિસ જોહ્ન્સનને મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ કોરોના સંકટના કારણે તેમની ભારત યાત્રા રદ થઇ ગઈ હતી. જે બાદ એપ્રિલમાં ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલતી હોવાના કારણે તેમની યાત્રા ફરી રદ કરવી પડી હતી.
ગુજરાતથી શરૂ કરશે પોતાની યાત્રા, કૂટનીતિના કેન્દ્રસ્થાને રહેશે રાજ્ય
સામાન્ય રીતે અન્ય દેશોના વડા કે અધિકારીઓ રાજધાની દિલ્હીથી પોતાની યાત્રાની શરૂઆત કરે છે અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં જાય છે. પરંતુ બ્રિટીશ પીએમ પોતાની યાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે અને 21 એપ્રિલના રોજ તેઓ અમદાવાદ ખાતે લેન્ડ કરશે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય છે ઉપરાંત બ્રિટનમાં રહેતી લગભગ અડધી વસ્તી ગુજરાતીઓની છે. અહીં બોરિસ જોહ્ન્સન મહત્વના ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત પણ કરી શકે તેમ મીડિયાના સૂત્રો જણાવી રહ્યા છે.
આગામી સપ્તાહે ગુજરાત કૂટનીતિના કેન્દ્રસ્થાને રહેશે કારણ કે 18 એપ્રિલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જામનગર ખાતે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ તેમજ WHO ના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ઘેબ્રેયસસની ઉપસ્થિતિમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનો શિલાન્યાસ કરશે. જે બાદ પીએમ અને બ્રિટીશ પીએમ વચ્ચે પણ મુલાકાત થશે.
બ્રિટને રશિયા સાથે કારોબાર ન કરવા અપીલ કરી હતી, ભારતે કહ્યું- અમારા હિતોને ધ્યાનમાં લઈને નિર્ણયો કરીશું
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ બાદ વારંવાર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા અને ડોલરના વિકલ્પ તરીકે અન્ય કોઈ વિદેશી ચલણમાં કારોબાર ન કરવા પર દબાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ બ્રિટીશ વિદેશ સચિવ ભારતની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમણે યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણનો સામનો કરવા માટે અન્ય દેશો સાથે મળીને કામ કરવા અને રશિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે અપીલ કરી હતી. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેશે.
આ ઉપરાંત બ્રિટને ભારતને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા માટે અને રશિયા પર કૂટનીતિક દબાણ વધારવા માટે પણ અપીલ કરી હતી. જોકે, અહીં નોંધવું જોઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતનું વલણ તટસ્થ રહ્યું છે અને હજુ સુધી ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણને વખોડ્યું નથી. તેમજ પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે. જોકે, ભારતના તટસ્થ વલણ છતાં બ્રિટનના વડાપ્રધાન ભારત યાત્રાને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે એ પણ નોંધનીય બાબત છે.