Sunday, April 28, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરસુએલા બ્રેવરમેન ગૃહમંત્રી પદેથી બરખાસ્ત, પૂર્વ વડાપ્રધાન કેમરન નવા વિદેશ મંત્રી: બ્રિટીશ...

    સુએલા બ્રેવરમેન ગૃહમંત્રી પદેથી બરખાસ્ત, પૂર્વ વડાપ્રધાન કેમરન નવા વિદેશ મંત્રી: બ્રિટીશ PM ઋષિ સુનકે અચાનક કેબિનેટમાં ફેરફારો કેમ કરવા પડ્યા?

    આ બધું થયું તે પાછળનું કારણ સુએલા બ્રેવરમેને તાજેતરમાં લખેલો એક લેખ છે. લંડનના અખબાર ‘ધ ટાઈમ્સ’માં બ્રેવરમેને એક લેખ લખીને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને થતાં પ્રદર્શનો પર પોલીસનાં કથિત બેવડાં ધોરણો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    યુકેથી અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ઋષિ સુનકે કેબિનેટમાં મહત્વના ફેરફારો કર્યા છે. ગૃહમંત્રી પદેથી સુએલા બ્રેવરમેનને હટાવી દેવામાં આવ્યાં છે અને તેમના સ્થાને વિદેશ મંત્રી જેમ્સ ક્લેવર્લીને ગૃહ મંત્રાલયનો કારભાર સોંપાયો છે. જ્યારે વિદેશ મંત્રી તરીકે પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરન સરકારમાં પરત ફર્યા છે. 

    વાસ્તવમાં આ બધું થયું તે પાછળનું કારણ સુએલા બ્રેવરમેને તાજેતરમાં લખેલો એક લેખ છે. લંડનના અખબાર ‘ધ ટાઈમ્સ’માં બ્રેવરમેને એક લેખ લખીને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને થતાં પ્રદર્શનો પર પોલીસનાં કથિત બેવડાં ધોરણો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને એક રીતે પોલીસને પેલેસ્ટાઇન સમર્થક ગણાવી હતી. ત્યારથી તેમની સામે વિરોધનો અવાજ ઊઠવા માંડ્યો હતો અને પોતાની પાર્ટીમાંથી પણ ટીકા થવાની શરૂ થઈ હતી. 

    આખરે સોમવારે (13 નવેમ્બર, 2023) સવારે વડાપ્રધાન ઋષિ સુનકે તેમને મંત્રી પદેથી હટી જવા માટે કહ્યું હતું. તેમના સ્થાને જે વિદેશ મંત્રી હતા તે જેમ્સ ક્લેવર્લી હવે ગૃહમંત્રી બનશે અને વિદેશ મંત્રાલય ડેવિડ કેમરનને સોંપવામાં આવ્યું છે, જેઓ અગાઉ બ્રિટનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 57 વર્ષીય કેમેરોન 2010થી 2016 દરમિયાન બ્રિટનના પીએમ રહ્યા હતા. 2016માં બ્રેકઝીટ વૉટનું (જ્યારે બ્રિટન યુરોપીયન યુનિયનમાંથી છૂટું પડ્યું હતું) પરિણામ આવ્યું ત્યારબાદ તેમણે રાજીનામું ધરી દીધું હતું. 

    - Advertisement -

    સુએલા બ્રેવરમેને ‘ધ ટાઈમ્સ’ના પોતાના લેખમાં પોલીસને ઝાટકી હતી. તેમણે 8 નવેમ્બરે છપાયેલા આ લેખમાં પોલીસ પર વિરોધ પ્રદર્શનોને હેન્ડલ કરવામાં બેવડાં વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ લખે છે, ‘દક્ષિણપંથી અને રાષ્ટ્રવાદી પ્રદર્શનકારીઓ જેઓ આક્રમક થવા જાય છે તેમની સામે સખત પ્રતિસાદ આપવામાં આવે છે, પણ આ જ પ્રકારનો વ્યવહાર જ્યારે પેલેસ્ટાઇન સમર્થક ભીડ કરે છે અને સ્પષ્ટ રીતે કાયદો તોડે છે તોપણ તેને મોટાભાગે અવગણી દેવામાં આવે છે. મેં હાલ કાર્યરત અને પૂર્વ (બંને પ્રકારના) પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને તેમણે પણ આ બેવડાં વલણ અંગે ધ્યાન દોર્યું હતું.’

    લેખમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓનાં જોડાણ હમાસ જેવાં આતંકવાદી સંગઠનો સાથે પણ છે અને પ્રદર્શનકારીઓને તેમણે ‘હેટ માર્ચર્સ’ પણ કહ્યા હતા. કહેવાય છે કે આ લેખ બાદ દક્ષિણપંથી પ્રદર્શનો વધ્યાં અને તેમણે પ્રોત્સાહિત કરવાનો આરોપ સુએલા બ્રેવરમેન પર લાગ્યો. દરમ્યાન તેમને બરખાસ્ત કરવા માટેની માંગ ઉઠી જ રહી હતી અને PM સુનક પર દબાણ હતું. ત્યારબાદ તેમને બરખાસ્ત કરી દેવામાં આવ્યાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં