વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત સોમવારે (26 ઓગસ્ટ, 2024) થઈ હતી. યુક્રેન-રશિયા સંઘર્ષ અને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી હિંદુઓ પર અત્યાચાર બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની વાતચીતના કેન્દ્રમાં હતા. સાથે જ બાંગ્લાદેશી હિંદુઓની સ્થિતિ અંગે પણ PM મોદી દ્વારા ચર્ચા કરાઈ હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે વાટાઘાટો બાદ સ્પષ્ટપણે આ વાત કહી, જ્યારે અમેરિકન પક્ષે તેને મંત્રણાની પ્રેસ રિલીઝમાંથી ગાયબ કરી દીધી. આ પહેલા પણ અમેરિકા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે મૌન સેવી ચૂક્યું છે અને તેના પર બોલવા માટે આનાકાની કરી રહ્યું છે.
ભારતીય અખબારી યાદીમાં તમામ જાણકારી
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વાતચીતની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાયડનને તેમની તાજેતરની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ યુક્રેન-રશિયા સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલવા માટે પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થવાની આશા વ્યક્ત કરી હતી. સાથે જ આ બાબતે પ્રધાનમંત્રી મોદીએ X પર પોસ્ટ પણ કરી હતી.
Spoke to @POTUS @JoeBiden on phone today. We had a detailed exchange of views on various regional and global issues, including the situation in Ukraine. I reiterated India’s full support for early return of peace and stability.
— Narendra Modi (@narendramodi) August 26, 2024
We also discussed the situation in Bangladesh and…
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. બંને નેતાઓએ અહીં કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા અને લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ માટે સલામત વાતાવરણ બનાવવા પર ભાર મૂક્યો છે.
જો કે, જ્યારે અમેરિકન પક્ષે આ વાતચીત અંગે તેની પ્રેસ રિલીઝ જારી કરી, ત્યારે તેણે તેના વ્યૂહાત્મક હિતના મુદ્દા જ રાખ્યા. અમેરિકન પક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત અને યુક્રેન-રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.
આ ઉપરાંત આ અખબારી યાદીમાં ભારત અને અમેરિકા સહિત 4 દેશોના સમૂહ QUADને લઈને બંને નેતાઓ વચ્ચેની વાતચીત વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જો કે, આ અખબારી યાદીમાંથી બાંગ્લાદેશ પરની ચર્ચા સંપૂર્ણપણે ગાયબ હતી.
અમેરિકી અખબારી યાદીમાંથી બાંગ્લાદેશી હિંદુઓના મુદ્દા જ ગાયબ
અમેરિકી અખબારી યાદીમાં ન તો બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ વિશે કંઈ કહેવામાં આવ્યું ન હતું, ન તો બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો કે તેમની સુરક્ષા વિશે કોઈ ચર્ચા થઈ. આ પહેલા પણ અમેરિકા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર પર બોલવાનો સતત ઈન્કાર કરતું આવ્યું છે. ત્યાં સુધી કે રાષ્ટ્રપતિ બાયડનની X પોસ્ટમાંથી પણ આ મુદ્દો ગાયબ હતો.
I spoke with Prime Minister Modi to discuss his recent trip to Poland and Ukraine, and commended him for his message of peace and ongoing humanitarian support for Ukraine.
— President Biden (@POTUS) August 26, 2024
We also affirmed our commitment to work together to contribute to peace and prosperity in the Indo-Pacific.
12 ઓગસ્ટ, 2024 ના રોજ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના ઘણા અહેવાલો વચ્ચે, જ્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસને પૂછવામાં આવ્યું કે આ અંગે તેનું વલણ શું છે, ત્યારે તેના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જીન-પિયરે કહ્યું કે તેઓ પરિસ્થિતિને જોઈ રહ્યા છે અને વધુ કંઈ કહી શકશે નહીં.
કટ્ટરપંથીઓના વિરોધના પગલે હસીનાએ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે 5 ઓગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું. બાંગ્લાદેશના ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા તેમની સામે એક મહિના સુધી વિરોધ અને હિંસા ચાલી હતી. આ પછી તેમણે સત્તા છોડીને ભારત આવવું પડ્યું. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં પણ હિંદુઓ પર હુમલા શરૂ થયા. જોકે વિશ્વ સમુદાયે આ અંગે મૌન સેવ્યું છે.