પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઘણા સમયથી લડત ચાલી રહી છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાન આર્મીએ કરેલા અત્યાચારો હજુ બલોચ લોકો ભૂલી શક્યા નથી. પાકિસ્તાન જેટલા બલોચોને દબાવવા પ્રયાસ કરે છે. બલોચો તેટલા જ ક્રાંતિકારી બને છે અને પાકિસ્તાનથી બલૂચિસ્તાનને સ્વતંત્ર કરવાની તેમની માંગ પણ એટલી જ પ્રબળ બને છે. છેલ્લા કેટલાક સમયથી સ્વતંત્રતા માટે બલૂચિસ્તાન અને પાકિસ્તાન આર્મી વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેવામાં એક સમાચાર એવા આવી રહ્યા છે કે, બલૂચિસ્તાનમાં ક્રાંતિકારીઓએ ઓપરેશન દારા-એ-બોલાન શરૂ કર્યું છે. આ દરમિયાન માચ જેલ અને કોલપુર કોમ્પ્લેકસ પર રોકેટ અને અત્યાધુનિક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં અંદાજિત 15 લોકોના મોત થયા છે.
સોમવારે (29 જાન્યુઆરી) પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોડી રાત્રે બલોચ ક્રાંતિકારીઓએ ઓપરેશન દારા-એ-બોલાન ચાલુ કર્યું હતું. જે દરમિયાન તેમણે બલૂચિસ્તાનના માચ જેલ અને કોલપુર કોમ્પ્લેકસ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેમાં 15 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સેનાની ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન એજન્સીએ (ISPR)આ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હુમલાવરોએ બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં માચ અને કોલપુર પરિસરો પર હુમલો કર્યો હતો.
At least 15 killed after rebel attacks in Pakistan's Balochistan https://t.co/zEU4XKrHJO pic.twitter.com/T5GbNoJWkt
— Reuters (@Reuters) January 31, 2024
ISPRએ જણાવ્યું કે, આસપાસના વિસ્તારમાં તરત જ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. બલોચ લિબરેશન આર્મીના (BLA) માજિદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ ગ્રુપનો ઉદ્દેશ્ય ખનિજ સમૃદ્ધ બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા હાંસલ કરવાનો છે, જે વિસ્તારની દૃષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો છે.
BLAથી થરથર કાંપે છે પાકિસ્તાની આર્મી
નોંધનીય છે કે, બલૂચિસ્તાનમાં બે મુખ્ય કબીલાઓ છે- મારી અને બુગતી. આ બંને BLA પર પ્રભુત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ઘણા વિસ્તારોમાં તેમનો ડર એટલો વધારે છે કે પાકિસ્તાની સેના જમીન પર ઉતરવાની હિંમત નથી કરતી, તેથી માત્ર હવાઈ હુમલા કરે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે BLAના સભ્યોનએ રશિયાની ભૂતપૂર્વ ગુપ્તચર સંસ્થા KGB પાસેથી તાલીમ લીધી છે. આ ઉપરાંત આ એ જ ગ્રુપ છે, જે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે હિંસક ક્રાંતિનો આશરો પણ લેવા તૈયાર છે. એ માટે તેઓ અવારનવાર હુમલાઓ પણ કરતાં આવ્યા છે.
પાકિસ્તાનથી અલગ થવા માંગે છે બલૂચિસ્તાન
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો વિસ્તાર છે. અહિયાંના સ્થાનિક લોકો બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે લડત આપી રહ્યા છે. જેમાં બલોચ લિબરેશન આર્મી (BLA) સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સ્વતંત્રતા મેળવવા માટે હુમલાઓ કરતી આવી છે. અલગ થવા પાછળનું કારણ બલૂચિસ્તાન પ્રત્યે પાકિસ્તાનનું બેવડું વલણ છે. પાકિસ્તાન બલૂચિસ્તાનને અલગ થવા દેવા તૈયાર નથી, જ્યારે બીજી તરફ પાકિસ્તાની આર્મી બલોચિસ્તાનમાં બલોચ પ્રજા પર અત્યાચારો ગુજારે છે. જેને લઈને બલૂચિસ્તાનના સામાન્ય લોકો પણ પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આ પહેલાં પણ આવા હુમલાઓ થઈ ચૂક્યા છે. આ પહેલાં સપ્ટેમ્બર, 2023માં પયગંબર મોહમ્મદના જન્મદિનની ઉજવણી દરમિયાન પણ બલોચિસ્તાનમાં હુમલો થયો હતો. જેમાં 52 લોકોના મોત થયા હતા. આ ઘટના બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં બની. અહીં એક મસ્જિદ પાસે લોકો પયગંબર મોહમ્મદના જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી ગઈ હતી.