Monday, May 6, 2024
More
    હોમપેજદુનિયામસ્જિદમાં ચાલતી હતી નમાજ, બંદૂકધારીઓએ આવીને અંધાધૂંધ ગોળીઓ ચલાવી...: 7નાં મોત- નાઈજીરિયાની...

    મસ્જિદમાં ચાલતી હતી નમાજ, બંદૂકધારીઓએ આવીને અંધાધૂંધ ગોળીઓ ચલાવી…: 7નાં મોત- નાઈજીરિયાની ઘટના

    ગામના લોકો જ્યારે સ્થાનિક મસ્જિદમાં સાંજની નમાજ માટે ગયા હતા ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. જેમાં 7 લોકો મૃત્યુ પામ્યા. આ સિવાય અન્ય બે ગ્રામજનોને પણ ગોળી વાગી હતી. જેથી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આફ્રિકી દેશ નાઈજીરિયાના કડુના રાજ્યમાંથી એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક મસ્જિદ પર હથિયારધારી હુમલાખોરોએ હુમલો કરી દીધો હતો. આ હુમલા દરમિયાન લોકો મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા. મસ્જિદમાં ઘૂસીને હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફાયરિંગ દરમિયાન 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા.

    અહેવાલોના જણાવ્યા અનુસાર કડુના રાજ્યના ઈકારા વિસ્તારમાં સ્થિત સાયા-સાયા ગામમાં આ ઘટના બની હતી. ઘટના શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) સાંજે અંદાજે 8 વાગ્યે બનવા પામી હતી. ગામના લોકો જ્યારે સ્થાનિક મસ્જિદમાં સાંજની નમાજ માટે ગયા હતા ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. જેમાં 7 લોકો મૃત્યુ પામ્યા. આ સિવાય અન્ય બે ગ્રામજનોને પણ ગોળી વાગી હતી. જેથી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષોમાં નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં અનેક ઘાતક હુમલાઓ થયા છે. જેમાં હજારો લોકોનાં અપહરણ થયાં છે અને સેંકડો લોકોના મૃત્યુ થયા છે. તાજેતરની ઘટનાને લઈને ગામના વડા માલમ અબ્દુલરહમાન યુસુફે જણાવ્યું હતું કે, મસ્જિદની અંદર માર્યા ગયેલા પીડિતોમાં ગામના એક નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “હુમલાખોરો તેને મારવા માટે શોધી રહ્યા હતા ત્યારે તેઓ મસ્જિદ આવી પહોંચ્યા હતા. તે વખતે અમે મસ્જિદમાં નમાજ પઢી રહ્યા હતા અને અચાનક ગોળીબાર શરૂ થઇ ગયો હતો.” હુમલો કરનારાઓ મોટરસાયકલ પર આવ્યા હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે.

    - Advertisement -

    ઘટના બાદ આસપાસનાં શહેરોમાંથી પણ પોલીસનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો ગામ બહાર ભાગી છૂટ્યા હતા. આ ઉપરાંત ગામ રહેવાસી હારુના ઈસ્માઈલએ જણાવ્યું હતું કે, આ હુમલામાં મસ્જિદમાં પાંચ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યારે મસ્જિદની બહાર એક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની નજીકના ગામમાં હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે.

    રાજ્ય પોલીસ કમાન્ડના કાર્યકારી જનસંપર્ક અધિકારી મનસીર અલહસને કહ્યું હતું કે, હુમલાખોરોને પકડવા અને સામાન્ય સ્થિતિ બની રહે તે માટે જરૂરી સુરક્ષાબળ ગોઠવવામાં આવ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોઈની પણ ધરપકડ થઇ હોવાના સમાચાર નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં