રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હવે અંતિમ ચરણમાં છે. 22 જાન્યુઆરીએ 12:20 કલાકે રામભક્તોની સદીઓની પ્રતિક્ષાનો અંત આવશે. આખરે પ્રભુ શ્રીરામલલા પોતાના ભવ્ય રામ મંદિરમાં વિરાજિત થશે. આ ઐતિહાસિક દિવસ પર ભારતના તમામ રામભકતો ઉત્સાહ અને આનંદથી દિવાળી ઉજવી રહ્યા છે. આ સાથે જ વિશ્વના અન્ય દેશોમાં રહેતા રામભક્તો પણ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત ટાઈમ સ્ક્વેર પણ ભગવા રંગે રંગાયું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પહેલાં જ ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે હજારો રામભક્તો એકઠા થઈ થઈને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આ ઉપરાંત ફ્રાંસની રાજધાની પેરિસમાં સ્થિત એફિલ ટાવર ખાતે પણ રામભક્તો એકઠા થયા છે.
22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં થઈ રહેલા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પડઘો હવે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પડ્યો છે. અમેરિકાના ઇન્ડિયન ડાયસ્પોર ટાઈમ્સ સ્ક્વેર પર રામભક્તો હાથમાં ભગવા ધ્વજને લઈને ઉત્સવના રંગે રંગાયા છે. સાથે ટાઈમ સ્ક્વેર પર પણ ભગવાન રામને દર્શાવવામાં આવ્યા છે. ટાઈમ્સ સ્કેવર પર એકઠા થયેલા રામભક્તોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવીને રામધૂન પણ કરી છે. ‘ઓવરસીજ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિર’ના સદસ્યોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભગવાનના પ્રસાદ સ્વરૂપ લાડુ પણ પણ વહેચ્યાં છે. આ સાથે ફ્રાંસની રાજધાની પેરિસમાં સ્થિત એફિલ ટાવર ખાતે પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
Watch | People of the Indian diaspora celebrating at Times Square in New York ahead of the Pran Pratishtha at the Ram Janmabhoomi Mandir in Ayodhya. pic.twitter.com/9Yjp0cybsn
— DeshGujarat (@DeshGujarat) January 22, 2024
અમેરિકામાં થઈ રહેલા કાર્યક્રમોને લઈને ત્યાં હાજર ભારતવંશી રામભક્તોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. ત્યાં હાજર લોકોએ કહ્યું કે, ભગવાન રામ વનવાસ બાદ પરત અયોધ્યા આવી રહ્યા છે. દુનિયા સંપૂર્ણપણે રામમય થઈ ગઈ છે. ત્યાંનાં લોકોએ કહ્યું કે, “આવો માહોલ જોઈને એવું લાગી રહ્યું છે કે, જાણે અમે ભારતથી દૂર નથી પરંતુ અયોધ્યામાં જ ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ દિવાળીથી પણ ચડિયાતો છે. દિવાળી પર તો પ્રભુજી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા આવ્યા હતા. જ્યારે હવે તો તેઓ 500 વર્ષોનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવી રહ્યા છે.”
Indian diaspora illuminated Times Square, New York to celebrate the Pran Prathistha ceremony at Ram Mandir, Ayodhya.
— ANI (@ANI) January 22, 2024
(Pics: Consulate General of India, New York's 'X' account) pic.twitter.com/Y4Vq3TmAri
આ ઉપરાંત ફ્રાંસની રાજધાની પેરિસ ખાતે આવેલા એફિલ ટાવર પર પણ રામભકતો ઉત્સવ મનાવી રહ્યા છે. હજારો રામભક્તો ત્યાં હાથમાં ભગવા ધ્વજને લઈને પહોંચી ગયા છે. એફિલ ટાવર પહોંચેલા રામભક્તોએ હનુમાન ચાલીસા કર્યા બાદ ઉત્સાહભેર ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા છે. યુવાનોથી લઈને બાળકો અને મહિલાઓ પણ આ ધર્મકાર્યમાં આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. વિશ્વના તમામ દેશો જાણે રામમય થઈ ગયા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.
ફ્રાન્સની રાજધાની પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર ખાતે રામ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા#France #AyodhaRamMandir #RamMandirPranPrathistha #RamMandir pic.twitter.com/ISodei2qyd
— DD News Gujarati (@DDNewsGujarati) January 22, 2024
નોંધનીય છે કે, ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરથી બોસ્ટન સુધી તેમજ વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતમાં ઉજવણીની સાથે જ ઈવેન્ટ્સ યોજાશે. ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને જ્યોર્જિયા સહિત અન્ય રાજ્યોમાં બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે. વધુમાં, વિશ્વ હિંદુ પરિષદ, યુએસ શાખા અનુસાર, એરિઝોના અને મિઝોરી રાજ્યો 15 જાન્યુઆરીથી શરૂ થયેલા વિઝ્યુઅલ ફેસ્ટિવલમાં જોડાવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માત્ર અમેરિકા કે ફ્રાંસ પૂરતો જ સીમિત નથી રહ્યો. આ દેશો સિવાયના દેશોમાં પણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં દુબઈ, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ સહિતના અનેક દેશો પણ સહભાગી બનશે.