વિશ્વભરમાં સનાતન ધર્મને માનનારા લોકો વસી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં (USA) મોટી સંખ્યામાં હિંદુઓએ વસાહતો સ્થાપી છે. તેમાં મોટાભાગના લોકો ગુજરાતી છે. હિંદુ ધર્મનું વધતું પ્રભુત્વ જોઈને હવે વિશ્વભરમાં હિંદુ દેવી-દેવતાઓના મંદિરો અને પ્રતિમાઓનું અનાવરણ થઈ રહ્યું છે. તે જ રીતે અમેરિકાના ટેક્સાસમાં પણ 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનની પ્રતિમા (Statue of Lord Hanuman) સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા USAની ત્રીજી સૌથી મોટી પ્રતિમા છે. તેનું નામ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિયન’ (Statue of Union) રાખવામાં આવ્યું છે. કારણ કે, હનુમાનજીએ ભગવાન રામ અને માતા સીતાને એક કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.
અમેરિકાના ટેક્સાસમાં (Texas) ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. તે દરમિયાન ભગવાન હનુમાન પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. પ્રાણપ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો એકત્રિત થયા હતા. અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટનના અષ્ટલક્ષ્મી મંદિર પરિસરમાં આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, તે દરમિયાન મોટી સંખ્યા લોકો એકત્રિત થયા હતા અને ભગવાન હનુમાનની મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી.
Prana pratishtha held today in Houston, Texas for this 90ft tall Hanuman murthi
— Journalist V (@OnTheNewsBeat) August 19, 2024
It is now the 3rd tallest statue in the United States pic.twitter.com/N7sNZaikBF
સ્ટેચ્યૂ ઓફ યુનિયનની વેબસાઇટ પરથી જાણવા મળ્યું છે કે, ભગવાન હનુમાનની આ પ્રતિમા ઉત્તરી અમેરિકાની સૌથી મોટી પ્રતિમા છે. જે શક્તિ, ભક્તિ અને નિસ્વાર્થ સેવાના પ્રતિક તરીકે સ્થાપિત કરવામાં આવી છે. વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે, “આ આપણાં માટે એક તક છે કે, આપણે એક સમુદાય તરીકે ભવિષ્યની પેઢીઓ માટે ભગવાન હનુમાનના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કરીએ.” આ સાથે આ મૂર્તિને સમુદાયની એકતાના પ્રતિક તરીકે પણ દર્શાવવામાં આવી છે.
સાથે એ પણ નોંધવા જેવુ છે કે, આ પહેલાં અમેરિકાના ડેલાવેરમાં ભગવાન હનુમાનજીની 25 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તે મૂર્તિ ભારતના તેલંગાણાથી મોકલવામાં આવી હતી. અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા હિંદુ સમુદાયના લોકોએ આ મૂર્તિનું અનાવરણ કર્યું છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સમયે પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતવંશી લોકો સાથે મૂળ અમેરિકન લોકોએ પણ ભગવાન હનુમાનના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો.