Wednesday, November 13, 2024
More
    હોમપેજદુનિયાવોટ્સએપ પર પયગંબરનું અપમાન કરવાનો આરોપ, પાકિસ્તાનમાં 22 વર્ષીય યુવકને મૃત્યુદંડ: અન્ય...

    વોટ્સએપ પર પયગંબરનું અપમાન કરવાનો આરોપ, પાકિસ્તાનમાં 22 વર્ષીય યુવકને મૃત્યુદંડ: અન્ય એક 17 વર્ષીય વિદ્યાર્થીને આજીવન કેદની સજા

    પાકિસ્તાનમાં અન્ય એક 17 વર્ષના વિદ્યાર્થીને પણ ઇશનિંદાના કન્ટેન્ટ શેર કરવા માટે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. વિદ્યાર્થી સગીર હોવાથી તેને મોતની સજાને બદલે આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં એક નીચલી અદાલતે 22 વર્ષીય વિદ્યાર્થીને ઇશનિંદાના ગુના માટે મોતની સજા સંભળાવી છે. જ્યારે અન્ય એક 17 વર્ષના સગીર વિદ્યાર્થીને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ બંને વિદ્યાર્થીઓ પર ઇશનિંદાનો આરોપ છે. પાકિસ્તાની કોર્ટ અનુસાર, વિદ્યાર્થીએ મેસેજિંગ એપ્લિકેશનમાં (વોટ્સએપમાં) ‘ઇશનિંદા’ વિડીયો અને ફોટો તૈયાર કર્યા હતા, જેમાં પયગંબર મોહમ્મદ અને તેમની પત્નીઓ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આવા મેસેજોનો હેતુ મુસ્લિમોની મઝહબી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હતો. તેથી તેને મૃત્યુ દંડની સજા આપવામાં આવે છે.

    જ્યારે પાકિસ્તાનમાં અન્ય એક 17 વર્ષના વિદ્યાર્થીને પણ ઇશનિંદાના કન્ટેન્ટ શૅર કરવા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વિદ્યાર્થી સગીર હોવાથી તેને મોતની સજાને બદલે આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. લાહોરમાં પાકિસ્તાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ના સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા 2022માં તે વિદ્યાર્થીઓના મેસેજને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં FIAએ જણાવ્યું હતું કે, તેમણે વિદ્યાર્થીઓના ફોનની તપાસ કરી હતી અને તેમાં ‘અપમાનજનક સામગ્રી’ મળી આવી હતી.

    જોકે, બંને વિદ્યાર્થીઓએ પાકિસ્તાની કોર્ટમાં આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેમને ખોટા કેસ હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. પરંતુ કોર્ટે તેમની દલીલો પર વધુ ધ્યાન ના આપતાં મોતની સજા ફટકારી દીધી હતી. જ્યારે 22 વર્ષીય વિદ્યાર્થીના પિતાએ નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ લાહોર હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હોવાના અહેવાલ છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં ઈશનિંદાનો મુદ્દો કાયમ ચર્ચામાં રહ્યો છે. દેશના કાયદા અનુસાર કોઇ ધર્મ, મઝહબ, તેનાં પાત્રો કે પ્રતીકો પર વાંધાજનક ટિપ્પણી કે તેના અપમાન બદલ મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. આમ તો અન્ય ધર્મો માટે પણ કાયદો લાગુ પડે છે, પરંતુ પાકિસ્તાનમાં અન્ય ધર્મો નામ પૂરતા રહ્યા છે અને સાવ લઘુમતી બની ગયેલા સમુદાયો ક્યાંય ફરિયાદ પણ કરી શકે તેવી સ્થિતિમાં નથી, જેથી ઇશનિંદાના કેસો ઇસ્લામના અપમાન મામલેના જ જોવા મળે છે. આરોપીઓને સજા આપવાનું કામ કોર્ટનું છે પરંતુ પાકિસ્તાનમાં મોટાભાગના કિસ્સાઓમાં આરોપીઓનો ‘ન્યાય’ મઝહબી ટોળું જ કરી નાખે છે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક પાકિસ્તાની મહિલાએ અરબી શબ્દોના લખાણવાળા પોશાક પહેર્યા હતા. જે બાદ મુસ્લિમ ટોળાંએ તેને કુરાનની આયાતો સમજી લઈને હુમલો કરી દીધો હતો અને મહિલા પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો હતો. ટોળાંએ મહિલા માટે ‘સર તન સે જુદા’ જેવા નારાઓ પણ લગાવ્યા હતા. એ પહેલાં ઓગસ્ટ, 2023માં એક ખ્રિસ્તી પરિવાર પર ઇશનિંદાનો આરોપ લગાવ્યા પછી પૂર્વ પાકિસ્તાનમાં ઉશ્કેરાયેલા ટોળાં દ્વારા ઘણી ચર્ચોને આગ લગાવી દેવામાં આવી હતી. આ હુમલો મઝહબી કટ્ટરવાદીઓના એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. ખ્રિસ્તી પરિવાર પર કુરાનનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં