એશિયાઈ સિંહો અને તેનાં રહેણાંક વિશે લગભગ બધા જાણતા હોય છે. એશિયાઈ સિંહો માટે વિશ્વનું એકમાત્ર રહેણાંક છે ગુજરાતનું જૂનાગઢ. જ્યાં ગીરની વનરાયુંમાં જંગલના અધિપતિનું સામ્રાજ્ય છે. આપણે તેને સાસણ ગીર તરીકે ઓળખીએ છીએ. આ એશિયાઈ સિંહ વિશે સૌને પ્રાથમિક માહિતી અને જાણકારીઓ હોય છે. પણ સિંહોની વિશેષ જાણકારી ભાગ્યે જ કોઈ જાણી શક્યું છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અમે સાસણ ગીરના સમ્રાટ વિશે થોડી વિશેષ જાણકારીઓ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
સિંહોની દુનિયામાં ડોકિયું
સિંહોની વિશેષ અને મહત્વપૂર્ણ વાતો અહીં મુદ્દા તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
- સિંહ ગરમ લોહી ધરાવતું પ્રાણી છે, તેને શિયાળો વધુ ગમે છે.
- સિંહ નિશાચર પ્રાણી છે. તેને રાત્રે વિહરવું વધારે અનુકૂળ લાગે છે. દિવસ દરમિયાન તે આરામ કરે છે.
- આખો દિવસ આરામ કર્યા બાદ સાંજે પાણી પીધા પછી જ એ શિકારની શોધમાં નીકળે છે. મોટા ભાગે શિકાર સિંહણ દ્વારા કરવામાં આવે છે.
- શિકારની મિજબાની માણ્યા બાદ સવારે પાણી પીધા પછી આખો દિવસ આરામ ફરમાવે છે.
- આમ તો તે વિચરતું પ્રાણી છે, પરંતુ પોતાનો વિસ્તાર જાતે નક્કી કરે છે. મોટા વૃક્ષો પર પોતાના પંજાના નિશાન બનાવીને અને પોતાના પેશાબની ગંધ છોડીને એ જે તે વિસ્તાર પોતાનો છે એવું સાબિત કરે છે.
- ઊંડાણવાળા પાણીથી દુર રહે છે. અતિઆવશ્યક પરિસ્થિતિ સિવાય પાણીમાં જવાનું ટાળે છે.
- એકદમ શાંત સ્વભાવ હોય છે અને પોતાની મોજમાં રહેવાનું વધુ પસંદ કરે છે. બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુની નોંધ લેવી તેને ગમતી નથી. કોઈ એના કુદરતી રહેણાંક પર દખલ કરે તે પણ તેને પસંદ નથી.
- સિંહની ઉંમર તેના મોઢામાં રહેલા, આગલા તીક્ષ્ણ દાંત ઉપરથી નક્કી કરવામાં આવે છે.
- સિંહની અનેક ખાસિયતોમાં એક ખાસિયત નોંધવા જેવી છે કે, એક જ માતા-પિતાના સંતાનો અર્થાત તેના નર અને માદા બચ્ચા ક્યારેય સંભોગ અર્થાત મેટિંગ કરતા નથી. સાચા અર્થમાં તેઓ ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ નિભાવે છે.
સિંહ પરિવાર અને દિનચર્યા
આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ‘સિંહના ટોળા ના હોય’ પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સામાન્ય રીતે સિંહ પોતાના પરિવાર સાથે રહેવાનું વધારે પસંદ કરતો હોય છે. 12 થી 15 સિંહો એકસાથે રહેતા હોવાનું પણ જણાયું છે. એકવાર શિકાર કર્યા પછી સિંહણ 24 કલાક સુધી શિકાર કરતી નથી. શિકારના ભોજન સમયે સિંહ પરિવાર કોઈની દખલઅંદાજી ચલાવી લેતો નથી.
ભોજન કર્યા બાદ સિંહ તેના પરિવાર સાથે મિજબાની માણતો હોવાનું પણ જણાયું છે. ભોજન અને સંવનન (મેટિંગ) દરમિયાન સિંહ કોઈપણ દખલઅંદાજી સહન નથી કરતો.
ગીરનો એક સિંહ સામાન્ય રીતે 9 કિલો માંસ આરોગે છે. અને તેના શિકારની જવાબદારી સિંહણ પર હોય છે. પુખ્ત સિંહને દરરોજના 6 થી 9 કિલોગ્રામ ખોરાકની જરૂર પડે છે અને તે પોતાના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે.
સિંહ મનુષ્ય પર ક્યારે હુમલો કરે છે?
આફ્રિકન સિંહ અને ગીરના એશિયાઈ સિંહમાં એક પાયાનો તફાવત જોવા મળે છે. આફ્રિકન સિંહ વધારે માત્રામાં હિંસક અને આક્રમક હોય છે. જ્યારે ગીરના સિંહ આફ્રિકન સિંહ કરતા ઓછા આક્રમક હોય છે. ગીરના સિંહ સ્વભાવે સૌમ્ય અને શાંત છે, પણ જો તેને ખોટી રીતે હેરાન કરવામાં આવે તો આફ્રિકન સિંહ કરતા પણ હિંસક બની શકે છે.
આમ જોઈએ તો ગીરનો સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતા નથી. એ ગીરના સિંહનો સ્વભાવ પણ નથી. સરવે અને સંશોધન દ્વારા જોઈએ તો ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યે જ સિંહના હુમલો કરવાની ઘટનાઓ નોંધાઇ છે. ફોટો લેનાર પ્રવાસી પર 2012 માં સિંહે હુમલો કરી જીવ લેવાની ઘટના નોંધાઇ હતી. એ સિવાય સિંહને છંછેડવામાં આવે કે ખોટી રીતે હેરાન કરવામાં આવે તો સિંહના હુમલાની શક્યતાઓ વધી જાય છે.
આ સિવાય સિંહ જ્યારે ભૂખ્યો હોય કે ગુસ્સામાં હોય ત્યારે તે હુમલો કરી શકે છે. સિંહે મારણ કર્યું હોય ત્યારે કે તે મેટિંગ ટાઈમમાં હોય ત્યારે તેને એકદમ શાંતિની જરૂર હોય છે. આવા સમયે સિંહની નજીક કે આજુબાજુ રહેવું હિતાવહ નથી. આવા સમયે સિંહ આક્રમક બની હુમલો કરી શકે છે. મહત્વની વાત એ છે કે ગીરનો સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં હુમલો કરી શકે છે.
આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એશિયાટિક સિંહ કે જે હવે માત્ર ગુજરાતના ગીર વિસ્તારમાં જોવા મળે છે, તેમના વિશે થોડી વિશેષ જાણકારી મુકવાનો આ અમારો એક પ્રયત્ન હતો.