Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ20થી વધુ હત્યાઓ, જીવનનાં અડધાં વર્ષ જેલમાં, ફિલ્મની પટકથા જેવું જીવન: જાણો...

  20થી વધુ હત્યાઓ, જીવનનાં અડધાં વર્ષ જેલમાં, ફિલ્મની પટકથા જેવું જીવન: જાણો કોણ છે ‘બિકીની કિલર’ ચાર્લ્સ શોભરાજ, જે સજા લંબાવવા માટે જેલમાંથી ભાગ્યો હતો 

  શોભરાજ વિદેશી પર્યટકોને નિશાન બનાવતો. તે હતો સિરિયલ કિલર, પણ દેખાતો ન હતો. અત્યારે પણ દેખાતો નથી. ઉપરાંત, તેને અનેક ભાષાઓ આવડતી હતી. વાત કરવામાં પણ એટલો જ પાવરધો હતો અને કોઈને પણ બાટલીમાં ઉતારી દેતો.

  - Advertisement -

  કહેવાય છે કે તેણે અત્યાર સુધી કુલ 24 લોકોની હત્યા કરી છે. તે અનેક દેશોમાં ગુનાઓ આચરી ચૂક્યો હતો અને આ તમામ દેશોની પોલીસ તેની પાછળ પડી હતી. તે તેના જીવનનાં અડધાં વર્ષ જેલમાં રહ્યો, જેમાંથી સૌથી વધુ વખત ભારતમાં જ રહ્યો. તે એકમાત્ર એવો કેદી હશે કે જે બહાર નીકળવા નહીં પણ ફરી જેલમાં આવવા માટે ભાગ્યો હતો. આ વ્યક્તિ છે- ચાર્લ્સ શોભરાજ. જે અત્યારે ચર્ચામાં છે.

  19 વર્ષ નેપાળની જેલમાં રહ્યા બાદ શોભરાજને છોડી મૂકવામાં આવ્યો છે. આમ તો તેની આજીવન કેદની સજા સપ્ટેમ્બર 2023માં પૂરી થતી હતી, પરંતુ તેણે નેપાળની સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સ્વાસ્થ્યનું કારણ આપીને મુક્તિની માંગ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખીને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

  શુક્રવારે (23 ડિસેમ્બર 2022) ચાર્લ્સ શોભરાજ નેપાળની જેલમાંથી બહાર આવ્યો. ત્યાંથી સીધો જ તેને વિમાન મારફતે ફ્રાન્સ ઘરભેગો કરી દેવામાં આવ્યો છે. હવે બાકીનું જીવન એ ત્યાં જ વિતાવશે. જોકે, જે રીતે તેનું જીવન રહ્યું છે તેને જોતાં એ હજુ પણ કંઈ નવાજૂની નહીં જ કરે તેની ખાતરી કોઈ આપી શકે નહીં. 

  - Advertisement -

  78 વર્ષીય ચાર્લ્સ શોભરાજનું જીવન એક ફિલ્મ કે સિરીઝની પટકથા જેવું રહ્યું છે. તે અનેક દેશોમાં ગયો, ત્યાં જઈને હત્યાઓ કરી, બીજા ગુનાઓ આચર્યા, પકડાયો, જેલમાં રહ્યો, ભાગી છૂટ્યો, બીજા દેશોમાં જઈને ફરી ગુનાઓ કર્યા- આ બધું આજીવન ચાલતું રહ્યું. ઈન ફેક્ટ, તેના જીવન પર ફિલ્મો અને વેબ સિરીઝ બની પણ છે, જેમાં બૉલીવુડ પણ બાકાત નથી. અનેક પુસ્તકો પણ લખાયાં છે. 

  વિયેતનામમાં જન્મ, નાની ઉંમરે ગુનાઓની દુનિયામાં પ્રવેશ્યો હતો

  ચાર્લ્સ શોભરાજનો જન્મ 1944માં વિયેતનામમાં થયો. તેના પિતા સિંધી હતા અને માતા વિયેતનામની. પિતા ધંધાર્થે વિયેતનામ ગયા અને ત્યાં જ સ્થાયી થયા હતા. બંને વચ્ચે પ્રેમ થયો અને સાથે રહેવા માંડ્યાં. કોઈ લગ્ન કર્યાં ન હતાં. બંનેને સંતાન થયું એ આ શોભરાજ. જોકે, ચાર્લ્સ શોભરાજ તેનું મૂળ નામ નથી, મૂળ નામ ગુરુમુખ શોભરાજ છે. 

  શોભરાજના મા-બાપ વચ્ચે કોઈ વિધિવત કે કાયદાકીય રીતે લગ્ન થયાં ન હતાં. આખરે થોડાં વર્ષો પછી તેના પિતાએ શોભરાજ અને તેની માતાને તરછોડી દીધાં. પછીથી શોભરાજની માતાની વિયેતનામમાં ફરજ બજાવતા એક ફ્રેન્ચ સૈનિક સાથે મિત્રતા થઇ અને બંને વચ્ચે પ્રેમસબંધો બંધાયા. ફ્રેન્ચ વ્યક્તિ શોભરાજ અને તેની માતાને લઈને ફ્રાન્સ ગયો અને આમ શોભરાજને ફ્રાન્સની નાગરિકતા મળી હતી. 

  જોકે, ફ્રેન્ચ પિતા સાથે પણ તેને બહુ ફાવ્યું નહીં. પછીથી તેના સાવકા ભાઈનો પણ જન્મ થયો અને તેને ઓછું મહત્વ અપાઈ રહ્યું હોય તેમ લાગવા માંડ્યું. જેના કારણે તે બહુ નાની ઉંમરે ડ્રગ્સ અને અન્ય અવળા ધંધાના રવાડે ચડી ગયો હતો. 

  અત્યારે એ ‘સિરિયલ કિલર’ તરીકે ઓળખાય છે પણ શરૂઆત તેણે એક ગાડીની ચોરીથી કરી હતી. જેના કારણે તેને આઠ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ તેની પહેલી જેલયાત્રા, જે પછીથી આજીવન ચાલતી રહી. ત્યાંથી બહાર આવ્યા પછી પણ તેણે યુ-ટર્ન ન લીધો અને ગુનાખોરીની દુનિયામાં ઊંડો ઉતરતો ગયો. 

  1969માં ભારત આવ્યો હતો 

  આખરે 1969માં તે ફ્રાન્સ છોડીને ભારત આવી ગયો. જોકે, અહીં પણ તેનું મગજ ગેરકાયદેસર કામોમાં વધારે દોડતું હતું. ગાડીની દલાલીથી શરૂ કરીને પછીથી સ્મગલિંગ, ડ્રગ્સ વગેરેમાં પડી ગયો. દરમિયાન તેની એક ગર્લફ્રેન્ડ પણ બની હતી અને એક પુત્રી પણ થઇ હતી. વચ્ચે તે એક-બે નાના ગુનાઓને લીધે મુંબઈ પોલીસના હાથે પકડાયો પણ હતો પરંતુ પછીથી છૂટી ગયો હતો. 

  દરમિયાન, 1973માં ચાર્લ્સ શોભરાજ દિલ્હીની અશોકા હોટેલની જ્વેલરી શૉપમાંથી ચોરી કરીને ભાગ્યો હતો. ત્યાંથી પણ ભાગી છૂટ્યો પણ એરપોર્ટ પર અધિકારીઓના હાથે ઝડપાઇ ગયો હતો. ત્યાંથી પોલીસ તેને તિહાડ જેલમાં લઇ આવી. પણ ત્યાંથી એ ભાગી છૂટ્યો હતો અને કાબુલ પહોંચી ગયો. 

  કાબુલમાં પણ તેણે નાના-મોટા ગુના આચરવાના ચાલુ રાખ્યા. થોડા સમય પછી પોલીસતંત્રની આંખમાં આવતો થયો એટલે એ ત્યાંથી પણ ભાગી છૂટ્યો અને થાઈલેન્ડ પહોંચી ગયો. જ્યાં તેણે માત્ર ત્રણ-ચાર વર્ષોમાં 12થી 24 જેટલી હત્યાઓ કરી હોવાનું કહેવાય છે. આ આંકડાઓ બધે જુદા-જુદા લખવામાં, દર્શવવામાં આવ્યા છે. સાચો આંકડો તો માત્ર શોભરાજ જ જાણતો હશે. અથવા કદાચ તેનેય યાદ નહીં હોય!

  શોભરાજ વિદેશી પર્યટકોને નિશાન બનાવતો. તે હતો સિરિયલ કિલર, પણ દેખાતો ન હતો. અત્યારે પણ દેખાતો નથી. ઉપરાંત, તેને અનેક ભાષાઓ આવડતી હતી. વાત કરવામાં પણ એટલો જ પાવરધો હતો અને કોઈને પણ બાટલીમાં ઉતારી દેતો. પહેલાં તે સામેના વ્યક્તિમાં વિશ્વાસ પેદા કરતો અને પછી કાંડ કરી નાંખતો. 

  આમ કરીને તેણે થાઈલેન્ડમાં અનેક વિદેશી પર્યટકોને નિશાન બનાવ્યા. મારી નાંખીને તે પાસપોર્ટ અને અન્ય ચીજવસ્તુઓ લૂંટી લેતો. કહેવાય છે કે આવું કરીને તેણે અનેક દેશોના પાસપોર્ટ ભેગા કરી રાખ્યા હતા. 

  ‘બિકીની કિલર’ નામ કેમ અને કેવી રીતે પડ્યું?

  ચાર્લ્સનાં આમ તો બહુ બધાં નામો છે, પણ તે મુખ્યત્વે ‘બિકીની કિલર’ના નામે ઓળખાય છે. આ નામ તેને થાઈલેન્ડમાં કરેલી હત્યાઓ પરથી મળ્યું હતું. અહીં 1973-75 વચ્ચેના ગાળામાં તેણે બહુ હત્યાઓ કરી હતી. જેમાં શરૂઆતના સમયમાં બેન્કોકમાં ઉપરાછાપરી બિકીની પહેરેલી યુવતીઓની લાશ મળી આવી હતી. જેમાંથી પહેલી યુવતીની લાશ તળાવમાંથી મળી આવી, જેથી પહેલાં લાગ્યું હતું કે તેણે આત્મહત્યા કરી હશે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું કે તેની હત્યા થઇ હતી. પરંતુ ત્યારે આ હત્યા કોણે અને કેવી રીતે કરી તેની કોઈ માહિતી ન હતી જેથી હત્યારાનું નામ પડી ગયું હતું- બિકીની કિલર, જે હજુ તેની સાથે છે. 

  થાઈલેન્ડથી તે ભાગીને કાઠમંડુ અને ત્યાંથી ફરી ભારત આવી ગયો હતો. આ સમય દરમિયાન નેપાળમાં પણ કેનેડિયન અને અમેરિકન પર્યટકોની હત્યા કરી નાંખવામાં આવી હતી. જેનો આરોપ પણ શોભરાજ ઉપર જ લાગ્યો હતો. આ જ હત્યાઓ હતી, જે પાછળથી તેને નડી અને 19 વર્ષ જેલમાં કાઢવાં પડ્યાં. 

  ભારત આવીને પણ તેણે વિદેશી પર્યટકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું. આખરે, 1976માં તે પોલીસના હાથે ઝડપાઇ ગયો અને ફરી તિહાડ જેલ પહોંચી ગયો. જોકે, આ વખતે તેની યાત્રા લાંબી થવાની હતી કારણ કે કોર્ટે તેને 12 વર્ષની સજા સંભળાવી હતી. 

  વધુ સમય જેલમાં રહેવા માટે ભાગ્યો હતો 

  શોભરાજની સજા 1988માં પૂરી થવાની હતી. પરંતુ તેની ઈચ્છા વધુ સમય જેલમાં રહેવાની હતી અને તેના માટે જ તેણે એક તરકટ કર્યું હતું, જેલમાંથી છટકી જવાનું. વધુ સમય એટલા માટે કે આ જ સમય દરમિયાન થાઈલેન્ડમાં તેણે કરેલી હત્યાઓના કારણે ત્યાંની પોલીસ પણ તેની પાછળ પડી હતી. જ્યારે ભારતીય પોલીસે તેની ધરપકડ કરી તો થાઈલેન્ડે ભારતનો સંપર્ક કરી તેને સોંપવા માટે વિનંતી કરી હતી. પરંતુ ભારતમાં તેને 12 વર્ષ સજા સંભળાવવામાં આવી હતી જેથી પ્રબળ શક્યતાઓ હતી કે સજા પૂરી થયે તેને સીધો થાઈલેન્ડ મોકલી આપવામાં આવે. 

  શોભરાજ જાણતો હતો કે જો થાઈલેન્ડ જશે તો તેણે આખી જિંદગી ત્યાંની જેલમાં રહેવું પડશે. કારણ કે આટલી બધી હત્યાઓ કોઈ નાની વાત નથી. પરંતુ થાઈલેન્ડનો એક કાયદો એવો પણ છે કે કોઈ કેસ નોંધાયાના 20 વર્ષ પછી પણ આરોપી ન પકડાય કે આરોપ સિદ્ધ ન થાય તો કેસ રદ કરવામાં આવે. જેથી તે ગમે તેમ કરીને 20 વર્ષ એટલે કે 1996 સુધી ભારતથી જવા માંગતો ન હતો. 

  તેની સજા પૂરી થવાની હતી તેના થોડા સમય પહેલાં, 1986માં શોભરાજે આ માટે તિહાડ જેલમાંથી ભાગવાનું કાવતરું રચ્યું હતું. આ માટે તેણે તિહાડ જેલમાં પોતાનો જન્મદિવસ મનાવવાનું નક્કી કર્યું. આટલાં વર્ષો દરમિયાન તે નિરુપદ્રવી બનીને રહેતો અને બહુ માથાકૂટ કરતો નહીં, નિયમો પણ પાળતો, તેથી જેલ પ્રશાસને પણ તેને પરવાનગી આપી દીધી હતી. જન્મદિવસે તે કેક લાવ્યો, મીઠાઈઓ લાવ્યો અને બધા કર્મચારીઓ, કેદીઓને વહેંચી દીધી. જે ખાધાના થોડા જ સમયમાં બધા બેભાન થઇ ગયા કારણ કે શોભરાજે તેમાં દવા ભેળવી હતી. બધા બેભાન થઇ ગયા બાદ તે નિરાંતે જેલમાંથી ભાગી છૂટ્યો. 

  જોકે, જેલમાંથી ભાગી છૂટીને પણ તે દેશની બહાર ન ગયો પણ સીધો ગોવા પહોંચી ગયો. જ્યાંની પોલીસને ખબર પડી તો તેને ફરી પકડી લાવી. તેણે પણ કોઈ પણ વિરોધ વગર શરણાગતિ સ્વીકારી લીધી અને ફરી જેલમાં આવી ગયો. હવે તેની સજામાં બીજાં 9 વર્ષનો વધારો થયો હતો. જેથી જે સજા 1988માં પૂરી થવાની હતી એ હવે 1997માં પૂરી થઇ. ત્યાં સુધી એ તિહાડ જેલમાં જ રહ્યો.

  2003માં નેપાળ ગયો, જ્યાં પકડાઈ ગયો 

  1997માં સજા પૂરી કર્યા પછી તેને સીધો ફ્રાન્સ મોકલી આપવામાં આવ્યો. ત્યાં એ ઘણાં વર્ષો સુધી શાંતિથી જીવ્યો પણ કોણ જાણે શું થયું તે 2003માં તે નેપાળ પહોંચી ગયો. તે નેપાળ ફરી કેમ ગયો તે આજે પણ એક કોયડો છે. શોભરાજ નેપાળ પહોંચ્યો અને થોડા જ સમયમાં જ્યાંની પોલીસને ખબર પડી ગઈ અને તેની ધરપકડ કરી લીધી. આ ધરપકડ 1976ની બે હત્યાઓ મામલે થઇ હતી. 

  ધરપકડ બાદ કોર્ટ ટ્રાયલ ચાલી અને 2003માં ત્યાંની કોર્ટે તેને આજીવન કેદની (20 વર્ષની) સજા સંભળાવી. જેને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકારી પરંતુ સુપ્રીમે પણ સજા યથાવત રાખી. 2003થી તે નેપાળની જેલમાં બંધ હતો. આમ તો તેની સજા સપ્ટેમ્બર 2023માં પૂરી થતી હતી પરંતુ તેણે નેપાળની સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મુક્તિની માંગ કરી હતી. જે પાછળ તેણે મુખ્યત્વે ઉંમર અને સ્વાસ્થ્યનું કારણ આપ્યું હતું. આખરે તે છૂટી ગયો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં