અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બને તે માટે અગણિત રામભક્તોએ સંઘર્ષ કર્યો, અનેકે બલિદાનો આપ્યાં, કેટલાય કારસેવકો વીરગતિ પામ્યા. એક લાંબા કાળખંડના સંઘર્ષ બાદ હવે કરોડો જિંદગીઓએ જોયેલું મંદિરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આ રામભક્તોમાં એક વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે, જેમણે જ્યાં સુધી ભગવાનનું મંદિર ન બને ત્યાં સુધી અયોધ્યા ન જવાનો સંકલ્પ લીધો હતો. એક સામાન્ય કાર્યકર્તા અને રામભક્ત તરીકે લીધેલો આ સંકલ્પ PM મોદીએ 29 વર્ષ સુધી પાળ્યો અને આખરે એક રામભક્ત વડાપ્રધાન તરીકે મંદિરનું ભૂમિપૂજન કર્યું. આ સંકલ્પને આજે બરાબર 32 વર્ષ પૂર્ણ થયાં છે.
14 જાન્યુઆરી, 1992ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા. તેઓ તત્કાલીન ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ મુરલી મનોહર જોશી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘એકતા યાત્રા’ લઈને નીકળ્યા હતા. 14મીના રોજ તેઓ યાત્રા લઈને અયોધ્યા પહોંચ્યા હતા.
અયોધ્યામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પછીથી તેઓ રામજન્મભૂમિ પર ભગવાન રામલલાના દર્શન કરવા પણ પહોંચ્યા. અહીં એક ફોટોજર્નલિસ્ટ પણ હાજર હતા, તે નામ છે મહેન્દ્ર ત્રિપાઠી.
ભગવાનને ટેન્ટમાં જોઈને ભાવુક થઈ ગયા હતા મોદી, તેમની સામે જ લઇ લીધો હતો સંકલ્પ
તે દિવસને યાદ કરતાં ત્રિપાઠી કહે છે કે, “મોદી રામલલાને ટેન્ટમાં જોઈને ભાવુક થઈ ગયા હતા. લગભગ પાંચ-દસ મિનિટ સુધી તેઓ ભગવાનને જોતા રહ્યા. મને લાગ્યું કે તેઓ ભગવાન સાથે કશુંક સંવાદ કરી રહ્યા છે, કોઇ સંકલ્પ લઇ રહ્યા છે. મેં તેમને પૂછ્યું કે શું તેઓ રામલલા સાથે કોઇ વાતચીત કરી રહ્યા છે? ત્યારે તેમણે કહ્યું કે હું હમણાં તમને નહીં કહું. પછી મેં સહજ ભાવે પૂછ્યું કે તમે હવે રામલલાના દર્શન કરવા ક્યારે આવશો? ત્યારે તેમણે કહ્યું કે જ્યારે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે જ હવે આવીશ.”
On this exact day, 32 years ago, @narendramodi arrived at the #AyodhyaRamTemple. He was on a Yatra to spread the message of unity from Kanyakumari to Kashmir, the Ekta Yatra.
— Modi Archive (@modiarchive) January 14, 2024
Amidst chants of 'Jai Shri Ram', Narendra Modi vowed to return only when the Ram Temple was built.
The… pic.twitter.com/nbLxkTFN9V
મહેન્દ્ર ત્રિપાઠીએ તે સમયે પીએમ મોદી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓની ઘણી તસવીરો લીધી હતી. જોકે, તેઓ કહે છે કે તે સમયે મોદી આટલા જાણીતા ન હતા અને તેઓ તેમને ઓળખતા ન હતા. જ્યારે મુરલી મનોહર જોશીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મોદી ભાજપના નેતા છે અને મૂળ ગુજરાતના છે.
29 વર્ષ સુધી અયોધ્યા ન ગયા નરેન્દ્ર મોદી
આ સંકલ્પના 9 વર્ષ બાદ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. આ પદ પર તેમણે 13 વર્ષ સુધી સત્તા સંભાળી, પરંતુ ક્યારેય અયોધ્યા રામલલાના દર્શન કરવા ન ગયા. 2014માં જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમણે સંકલ્પ જાળવી રાખ્યો. ફેબ્રુઆરી, 2017માં તેઓ અયોધ્યાની બાજુમાં આવેલા બારાબંકીમાં એક રેલી કરવા ગયા હતા, પરંતુ અયોધ્યા ન ગયા.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે અયોધ્યા જિલ્લામાં એક ચૂંટણી સભા સંબોધી હતી, પરંતુ શહેરમાં ન ગયા. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 9 નવેમ્બર, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને રામ મંદિર માટેનો માર્ગ મોકળો બન્યો ત્યારબાદ ફેબ્રુઆરી, 2020માં તેમની સરકારે એક ટ્રસ્ટની રચના કરી અને આખરે 29 વર્ષ બાદ મોદી અયોધ્યા પહોંચ્યા- પ્રભુ શ્રીરામના મંદિરના ભૂમિપૂજન માટે. જોકે, પછીથી તેમણે અયોધ્યાની યાત્રાઓ ચાલુ રાખી. તાજેતરમાં નવનિર્મિત રેલવે સ્ટેશન અને એરપોર્ટના ઉદ્ઘાટન માટે તેઓ અયોધ્યા ગયા હતા.
1992માં એક એકતા યાત્રી તરીકે, એક સામાન્ય કાર્યકર્તા તરીકે અને એક રામભક્ત તરીકે મોદીએ જે સંકલ્પ લીધો હતો તે હવે પૂર્ણ થયો છે. 22 જાન્યુઆરી, 2024ના શુભ દિને તેમના હસ્તે જ ભગવાન રામલલા મંદિરમાં બિરાજમાન થશે. પીએમ મોદી તે પહેલાં 11 દિવસ માટે અનુષ્ઠાન કરી રહ્યા છે.
PM મોદી કહે છે કે, પ્રભુએ મને આ પુણ્ય અવસરનો સાક્ષી બનવા માટે અને ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો તેને હું મારું સદભાગ્ય સમજું છું. તેમના શબ્દો છે કે, “હું ભાવુક છું, ભાવ વિહ્વળ છું. જીવનમાં પહેલી વખત આ પ્રકારના મનોભાવમાંથી પસાર થઈ રહ્યો છું, એક અલગ ભાવ-ભક્તિની અનુભૂતિ કરી રહ્યો છું. મારા અંતર્મનની આ ભાવયાત્રા મારા માટે એક અભિવ્યક્તિ નહીં પરંતુ અનુભૂતિનો અવસર છે. ઇચ્છીને પણ તેની ગહનતા, વ્યાપકતા અને તીવ્રતાને શબ્દોમાં બાંધી નથી શકતો.”