Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું છે ભારતની પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS? એન્ડ્રોઇડ કરતાં કઈ રીતે...

    શું છે ભારતની પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS? એન્ડ્રોઇડ કરતાં કઈ રીતે હશે અલગ? જાણીએ સરળ શબ્દોમાં

    હજુ ઘણી એવી બાબતો છે જેની જાણકારી મળી શકી નથી. જેમકે, તેને સામાન્ય યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે કે કેમ? રોલ આઉટ થશે તો ક્યારે થશે કે તેનું પોતાનું કોઈ એપ સ્ટોર હશે કે નહીં વગેરે.

    - Advertisement -

    મોબાઈલ એન્ડ્રોઇડ સિસ્ટમની વાત આવે એટલે બે જ નામો યાદ આવે છે- એન્ડ્રોઇડ અને iOS. તેમાં પણ iOS માત્ર એપલ કંપનીના મોબાઈલ (iPhone)માં જ વપરાય છે. iOS એપલની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે બાકીની લગભગ 99 ટકા કંપનીઓના મોબાઈલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે. પરંતુ હવે આ રેસમાં એક ત્રીજું નામ ઉમેરાયું છે- BharOS. 

    ભાર ઓએસ ભારતની પોતાની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ છે. IIT મદ્રાસની એક નોન પ્રોફિટ કંપની જે એન્ડ કે ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેને તૈયાર કરવામાં આવી છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ BharOSનું લૉન્ચિંગ કર્યું હતું. 

    એન્ડ્રોઇડ અને આઈઓએસ કરતાં કેટલી અલગ? 

    BharOS એન્ડ્રોઇડ ઑપન સોર્સ પ્રોજેક્ટ પર આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. જેથી તે ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઘણી રીતે મેળ ખાય છે. જોકે, iOS કરતાં તદ્દન ભિન્ન હશે કારણ કે તે એપલની પોતાની સિસ્ટમ છે. 

    - Advertisement -

    એન્ડ્રોઇડથી BharOSને જે બાબત અલગ બનાવે છે તે એ હશે કે તે ‘નો ડિફોલ્ટ એપ્સ’ (NDA) સાથે આવશે. એટલે કે સિસ્ટમમાં પહેલેથી ડાઉનલોડ કરેલી એકેય એપ્લિકેશન હશે નહીં. યુઝર જે એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છે તે ડાઉનલોડ કરીને વાપરી શકશે. 

    અહીં ઉલ્લેખનીય છે કે હાલ એન્ડ્રોઇડ સિસ્ટમમાં ક્રોમ, જી-મેઈલ, યુ-ટ્યુબ, ગૂગલ મેપ્સ જેવી ગૂગલની અમુક એપ્લિકેશન્સ પહેલેથી જ ડાઉનલોડ કરેલી હોય છે.

    બીજી તરફ, આ ઓપરેટિંગ સિસ્ટમ પ્રાઇવેટ એપ સ્ટોર સર્વિસ (PAAS) પણ પ્રદાન કરશે. PAASમાં એવી જ એપ્લિકેશન્સ સામેલ હશે જેની ચકાસણી થઇ હોય અને સંપૂર્ણ રીતે પ્રાઇવસી વગેરેનાં માપદંડો પૂરાં કર્યાં હોય. જેથી આ સિસ્ટમ યુઝરોને વધુ સુરક્ષા અને નિયંત્રણ પૂરાં પાડશે.

    હાલ કયા તબક્કે પહોંચી ઓપરેટિંગ સિસ્ટમ?

    BharOS લૉન્ચ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી સામાન્ય યુઝરો માટે તેને રોલ આઉટ કરવામાં આવી નથી. ડેવલપર્સ અનુસાર, તેઓ જલ્દીથી ડિવાઇસમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સ્માર્ટફોન મેકર્સ સાથે ચર્ચા-વિચારણા શરૂ કરશે. હાલ આ સોફ્ટવેર ઉપર પ્રાઇવસી અને સિક્યુરિટીની ચકાસણી કરવામાં આવી રહી છે. 

    ઘણી બાબતોના જવાબ મળવાના બાકી 

    જોકે, હજુ ઘણી એવી બાબતો છે જેની જાણકારી મળી શકી નથી. જેમકે, તેને સામાન્ય યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે કે કેમ? રોલ આઉટ થશે તો ક્યારે થશે કે તેનું પોતાનું કોઈ એપ સ્ટોર હશે કે નહીં, જેવી અનેક બાબતો પર હજુ પ્રશ્નાર્થ છે. 

    એ પણ નોંધવું જરૂરી છે કે મોબાઈલ પર ચાલુ ઓપરેટિંગ સિસ્ટમને દૂર કરીને નવી સિસ્ટમ નાંખવી એ જોખમી પણ છે અને જટિલ પણ. જેથી શક્યતા એવી પણ છે કે BharOS નવા ડિવાઇસ માટે જ મર્યાદિત રાખવામાં આવે. જોકે, આ બાબતો અધિકારીક જાણકારી મળ્યા બાદ જ સ્પષ્ટ થઇ શકશે. 

    આખા દેશમાં વ્યાપ વધારવા માટે કામ કરી રહી છે IIT મદ્રાસ 

    BharOS બનાવનાર IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર વી. કામકોટિએ આ ઓપરેટિંગ સિસ્ટમને લઈને જણાવ્યું હતું કે, BharOS યુઝરોને વધુ સ્વતંત્રતા અને નિયંત્રણ પૂરાં પાડવા માટે વિકસાવવામાં આવી છે, જેથી તેઓ ઈચ્છે તે જ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે. આ સિસ્ટમ મોબાઈલમાં સિક્યુરિટી અને પ્રાઇવસીને લઈને ચિંતાજનક યુઝરો માટે આશીર્વાદ સમાન હશે. 

    તેમણે આગળ કહ્યું હતું કે, ભારતમાં આ સિસ્ટમનો ઉપયોગ અને વ્યાપ વધારવા માટે IIT મદ્રાસ સરકારી એજન્સીઓ, ખાનગી ઇન્ડસ્ટ્રીઝ તેમજ એજન્સીઓ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે સતત સંપર્કમાં રહીને કામ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં