Wednesday, April 24, 2024
More
  હોમપેજસ્પેશ્યલશું છે આર્ટિકલ 356, જેના બેફામ ઉપયોગ થકી બરખાસ્ત કરવામાં આવતી હતી...

  શું છે આર્ટિકલ 356, જેના બેફામ ઉપયોગ થકી બરખાસ્ત કરવામાં આવતી હતી ચૂંટાયેલી સરકારો: કટોકટી લાગુ કરનારાં ઇન્દિરા ગાંધીએ કર્યો હતો સૌથી વધુ ઉપયોગ

  ભારતના બંધારણનો આર્ટિકલ 356 રાષ્ટ્રપતિને ભારતના કોઈ પણ રાજ્યમાં સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો અધિકાર આપે છે.

  - Advertisement -

  ગુરુવારે (9 ફેબ્રુઆરી, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર સંબોધન કર્યું. વિપક્ષી સાંસદોના બૂમબરાડા વચ્ચે અડીખમ રહીને એક કલાક સુધી વડાપ્રધાને આપેલા આ ઐતિહાસિક ભાષણમાં તેમણે ઘણું કહ્યું. આ જ ભાષણમાં તેમણે આર્ટિકલ 356 વિશે પણ ઉલ્લેખ કર્યો અને એ જણાવ્યું કે કઈ રીતે કોંગ્રેસની સરકારોએ તેનો સૌથી વધુ દુરુપયોગ કર્યો હતો. 

  વડાપ્રધાન મોદીએ કહ્યું, “જેઓ આજે વિપક્ષમાં બેઠા છે તેમણે રાજ્યોના અધિકારોના ધજાગરા ઉડાવ્યા હતા. ઇતિહાસ ઉઠાવીને જોઈ લો…એ કઈ પાર્ટી હતી અને કોણ લોકો સત્તામાં હતા જેમણે આર્ટિકલ 356નો સૌથી વધુ દુરુપયોગ કર્યો હતો. 90 વખત ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરી દેવામાં આવી હતી.”

  આગળ તેમણે આર્ટિકલ 356નો સૌથી વધુ દુરુપયોગ કરનાર વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એક વડાપ્રધાને તો આર્ટિકલ 356નો 50 વખત ઉપયોગ કર્યો હતો, એ નામ છે શ્રીમતી ઇન્દિરા ગાંધી.” આગળ તેઓ કહે છે, “રાજભવનોને કોંગ્રેસનાં હેડક્વાર્ટર બનાવી દેવામાં આવ્યાં હતાં. આ કોંગ્રેસનાં પાપ છે અને આજે તેઓ દેશને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા છે.”

  - Advertisement -

  વડાપ્રધાને સંસદમાં આ બાબતનો ઉલ્લેખ કર્યા બાદ ફરી એ ચર્ચા શરૂ થઇ ગઈ છે કે આર્ટિકલ 356 છે શું. 

  આર્ટિકલ 356 શું છે? શું હોય છે જોગવાઈઓ? 

  ભારતના બંધારણનો આર્ટિકલ 356 રાષ્ટ્રપતિને ભારતના કોઈ પણ રાજ્યમાં સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો અધિકાર આપે છે. જોકે, એની પણ કેટલીક શરતો છે. જો રાષ્ટ્રપતિ એવા નિર્ણય ઉપર પહોંચે કે જે-તે રાજ્યની સરકાર બંધારણીય જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે કે અસ્થિરતા સર્જાઈ છે ત્યારે તેઓ આ વિશેષાધિકારનો ઉપયોગ કરી શકે છે. 

  આવી સ્થિતિમાં કાં તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલે છે અથવા તો રાષ્ટ્રપતિ સ્વયં સંજ્ઞાન પણ લઇ શકે છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ તે રાજ્યમાં મંત્રીમંડળ બરખાસ્ત થઇ જાય છે અને સત્તા સીધી રાષ્ટ્રપતિના હાથમાં આવી જાય છે. પરંતુ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ પર કામ કરે છે, જેથી એનો અર્થ એ થયો કે તે રાજ્યની સત્તાનું સુકાન કેન્દ્ર સરકારના હાથમાં આવી જાય છે. 

  આ સિવાય પણ અમુક સંજોગો છે, જેમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. જેમકે, વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળી હોય કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સરકાર બનાવવાનો ઇનકાર કરી દે અથવા યુદ્ધ કે અન્ય કોઈ પરિસ્થિતિના કારણે ચૂંટણી સ્થગિત થઇ જાય કે ગર્વર્નર દ્વારા અપાયેલા સમયમાં પણ મુખ્યમંત્રી કે વિધાયક દળનો નેતા ન ચૂંટાય, આ પરિસ્થિતિઓમાં પણ આર્ટિકલ 356નો ઉપયોગ કરી શકાય છે. 

  રાષ્ટ્રપતિ શાસન છ મહિનાથી લઈને વધુમાં વધુ 3 વર્ષ સુધી લાગુ કરી શકાય છે. જોકે, 6 મહિના પૂરા થયા બાદ દર 6 મહિને રાષ્ટ્રપતિ શાસન ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે.

  આ આર્ટિકલનો જો કોઈ પાર્ટીએ સૌથી વધુ દુરુપયોગ કર્યો હોય તો એ કોંગ્રેસ છે. અને  તેમાં પણ સૌથી વધુ વખત ઉપયોગ કરનારાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી છે. જેમને ભારતીય ઇતિહાસની એકમાત્ર કટોકટી લાગુ કરવાનો શ્રેય પણ જાય છે. 

  અત્યાર સુધી દેશમાં 132 વખત આર્ટિકલ 356નો ઉપયોગ થઇ ચૂક્યો છે જેમાં સૌથી વધુ ઇન્દિરા ગાંધીના સમયમાં 51 વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલી વખત 20 જૂન 1951ના રોજ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું, ત્યારે વડાપ્રધાન નહેરુ હતા. આ સિવાય પણ 1959માં કેરળમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી ડાબેરી સરકારને બરખાસ્ત કરવા સહિત જવાહરલાલ નહેરુના સમયમાં 7 વખત આર્ટિકલ 356નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

  ઇન્દિરા ગાંધીએ 51 વખત ઉપયોગ કર્યો હતો 

  પિતા જવાહરલાલ નહેરુની આ પરંપરા પુત્રી ઇન્દિરા ગાંધીએ બખૂબી નિભાવી હતી. ઇન્દિરા ગાંધી પહેલાં 1966થી 1977 અને પછી 1980થી 1984 એમ કુલ 15 વર્ષ વડાંપ્રધાન રહ્યાં. આ 15 વર્ષમાં તેમણે કુલ 51 વખત આ આર્ટિકલનો ઉપયોગ કરીને રાજ્યોની સરકારોને બરખાસ્ત કરી દીધી હતી. 

  1966માં ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યાં પછી 1967થી 1969ના માત્ર બે જ વર્ષના ગાળામાં આ આર્ટિકલનો 7 વખત ઉપયોગ થયો હતો. જયારે 1970થી 1974ના ચાર વર્ષના ગાળામાં 19 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. 

  જોકે, ઇમરજન્સી બાદ મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારે આ આર્ટિકલનો ઉપયોગ કરીને 1977માં કોંગ્રેસની 9 સરકારોને બરખાસ્ત કરી દીધી હતી. ત્યારબાદ 1980માં ઇન્દિરા ફરી સત્તામાં આવ્યાં અને ફરી પરંપરા આગળ ધપાવતાં 9 રાજ્યોમાં આ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

  1992-93માં અયોધ્યામાં બાબરી ઢાંચો તૂટી પડ્યા બાદ તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણ સિંહ સરકાર સહિત 3 સરકાર બરખાસ્ત કરી દીધી હતી. જોકે, ત્યારપછી આ આર્ટિકલનો ઉપયોગ થવાનો ઓછો થયો હતો. 

  1994માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લગામ લાગી 

  તેનું કારણ એ હતું કે, વર્ષ 1989માં કેન્દ્ર સરકારે કર્ણાટકની એસ. આર બોમ્માઈ સરકારને આર્ટિકલ 356નો ઉપયોગ કરીને બરખાસ્ત કરી દીધી હતી. જેને લઈને બોમ્માઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને જ્યાં પહેલી વખત આ આર્ટિકલ પર વિસ્તૃત ચર્ચા-દલીલો થઇ. 

  1994માં નવ જજની ખંડપીઠે ચુકાદો આપતાં અમુક શરતો નક્કી કરી અને જણાવ્યું કે કયા સંજોગોમાં આ આર્ટિકલનો ઉપયોગ થઇ શકે અને કયા સંજોગોમાં નહીં. 

  કોર્ટે ઠેરવ્યું કે આર્ટિકલ 356 ભૌતિક રીતે સરકાર ભંગ થાય કે ત્રિશંકુ વિધાનસભા સર્જાય તો લાગુ કરી શકાય છે પરંતુ તેનો ઉપયોગ રાજ્ય સરકારને બહુમત સાબિત કરવાની તક આપ્યા વિના કરી શકાય નહીં કે બંધારણીય તંત્ર તૂટી પડ્યાનાં પૂરતાં કારણો સિવાય તેને લાગુ કરી શકાય નહીં. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસનો લાગુ થવાનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું હતું. 

  2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બન્યા બાદ આર્ટિકલ 356નો ઉપયોગ ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરીને પોલિટિકલ એજન્ડા માટે કરવામાં આવતો નથી. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી ત્યારે માંગ ઉઠી રહી હોવા છતાં સરકારે ચૂંટાયેલી સરકારોને ઉખાડી ફેંકી ન હતી. તોય વક્રતા એ છે કે કોંગ્રેસીઓ રાત-દહાડો નરેન્દ્ર મોદી પર ફાસીવાદી હોવાના અને લોકશાહીની હત્યા કરતા હોવાના આરોપો લગાવતા રહે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં