Monday, July 15, 2024
More
  હોમપેજસ્પેશ્યલજ્યારે વાંસદાના મહારાજાએ નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે મોકલ્યો હતો વિશેષ રથ- જાણીએ...

  જ્યારે વાંસદાના મહારાજાએ નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે મોકલ્યો હતો વિશેષ રથ- જાણીએ કેટલીક અજાણી વાતો

  અધિવેશનમાં ભાગ લેવા માટે આવતા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝના સ્વાગત માટે વાંસદાના તત્કાલીન મહારાજા ઇન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકીએ ખાસ રથ શણગારીને મોકલ્યો હતો.

  - Advertisement -

  રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝનું યોગદાન આજે પણ સ્મરણીય છે. માતૃભૂમિ માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું હતું. દેશભરમાં ફર્યા, વિદેશોમાં પણ ગયા, ત્યાંની ધરતી ઉપર ક્રાંતિની મશાલ સળગાવી. અનેક વાતો જાણીતી છે. ગુજરાત સાથે પણ નેતાજીનો ઐતિહાસિક અને ગાઢ સબંધ છે. દક્ષિણ ગુજરાતના સુરતનું હરિપુરા ગામ આજે પણ નેતાજીની આ યાદો સાચવીને બેઠું છે. આ જ હરિપુરા અધિવેશનમાં પધારેલા સુભાષચંદ્ર બોઝ માટે વાંસદાના મહારાજાએ વિશેષ રથ તૈયાર કરીને મોકલ્યો હતો.

  ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને 1921માં પરત ફર્યા બાદ નેતાજી મહાત્મા ગાંધી અને કોંગ્રેસની રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા હતા. વર્ષ 1938માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદે પણ ચૂંટાયા હતા. અને 1938નું આ અધિવેશન સુરતના હરિપુરા ગામમાં યોજવામાં આવ્યું હતું. હરિપુરા સુરતના બારડોલી તાલુકાનું એક ગામ છે. બારડોલીનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ જોડાયેલું છે. હરિપુરામાં 19થી 22 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસનું 51મુ અધિવેશન યોજાયું હતું અને જેના અધ્યક્ષ હતા- સુભાષચંદ્ર બોઝ. 

  51 જોડી બળદો જોડીને નેતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી 

  - Advertisement -

  આ અધિવેશનમાં ભાગ લેવા માટે આવતા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝના સ્વાગત માટે વાંસદાના તત્કાલીન મહારાજા ઇન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકીએ ખાસ રથ શણગારીને મોકલ્યો હતો. આ રથ સાથે 51 જોડી બળદો જોડીને નેતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 

  હરિપુરા અધિવેશન માટે વાંસદાના મહારાજાએ નેતાજી માટે મોકલાવેલો રથ (તસ્વીર: પુસ્તક/સ્મૃતિ સૌરભ)

  આ અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝના હાથે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું અને તે માટે 100 ફુટ કરતાં પણ ઊંચો અલભ્ય વાંસ પણ વાંસદાના મહારાજાએ મોકલાવ્યો હતો. એટલું જ નહીં, અધિવેશનની વ્યવસ્થા સંભાળવા માટે તેમણે રાજ્યના મોટા અમલદારો, ડોક્ટરો વગેરેને મોકલ્યા હતા. તેમજ પોતે પણ અધિવેશનમાં જોડાયા હતા. 

  51 જોડી બળદો સાથે વિશેષ રથમાં નીકળેલી નેતાજીની શોભાયાત્રા (તસ્વીર સાભાર: Shivendrasinh Solanki)

  અહીં ઉલ્લેખનીય છે કે ત્યારે દેશ ઉપર અંગ્રેજ શાસન હતું અને જેના કારણે વાંસદાના મહારાજાએ નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે રથ મોકલ્યો છે તે બાબતની જાણ અંગ્રેજ સરકાર અને મુંબઈના તત્કાલીન ગર્વનરને પણ થઇ હતી, પરંતુ તેમણે આ બાબતોની પરવા કર્યા વગર રાષ્ટ્રીય આંદોલનને ખુલ્લો સહયોગ આપ્યો હતો. 

  આજે પણ સાચવીને રખાયો છે રથ, નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે સવારી 

  વાંસદા સ્ટેટના મહારાજાએ સુભાષબાબુ માટે મોકલાવેલો આ રથ આજે પણ સાચવીને રાખવામાં આવ્યો છે. રાજવી પરિવારના સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ રથ આજે પણ વાંસદાના મહેલમાં સાચવીને રાખવામાં આવ્યો છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રથની સવારી કરી ચૂક્યા છે.

  નેતાજીના વિશેષ રથમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (2009, તસ્વીર- Twitter/Narendra Modi)

  2009માં તત્કાલીન ગુજરાત સીએમ નરેન્દ્ર મોદી હરિપુરા આવ્યા હતા અને નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારે તેમના માટે પણ આ રથ શણગારીને તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે સવારી કરી હતી.

  કોણ હતા વાંસદા સ્ટેટના મહારાજા ઇન્દ્રસિંહ સોલંકી?

  ઇન્દ્રસિંહ સોલંકીએ વર્ષ 1911માં વાંસદાની રાજગાદી સંભાળી હતી, ત્યારથી વર્ષ 1948ના ફેબ્રુઆરી મહિનામાં સ્વેચ્છાએ રાજગાદી છોડી ત્યાં સુધી તેમણે શાસન કર્યું હતું. તેમના સમયગાળાને વાંસદાનો સુવર્ણકાળ માનવામાં આવે છે. સામાન્ય રીતે રજવાડાંના રાજા અંતિમ શ્વાસ સુધી રાજા તરીકે જ રહેતા અને તેમના મૃત્યુ બાદ જ તેમના જ્યેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક થતો, પરંતુ ઇન્દ્રસિંહે આ પરંપરા તોડી હતી અને તેમના પુત્ર દિગ્વિરેન્દ્રસિંહને 12 ફેબ્રુઆરી 1948ના દિવસે રાજગાદી સોંપી દીધી હતી. વર્ષ 1951માં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

  દિગ્વિરેન્દ્રસિંહ સોલંકી વાંસદા સ્ટેટના અંતિમ રાજવી હતા. તેમણે ફેબ્રુઆરી 1948માં રાજગાદી સંભાળી અને જૂન 1948માં વાંસદા રજવાડાનું વિલીનીકરણ તત્કાલીન મુંબઈ રાજ્યમાં કરી દેવામાં આવ્યું હતું. નવેમ્બર 2018માં 90 વર્ષની જૈફ વયે તેમનું નિધન થયું હતું. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં