Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલલીંબુ અને મોસંબીમાં જેટલો ફેર છે એટલો જ ફેર ઉત્તરાયણ અને મકરસંક્રાંતિમાં...

    લીંબુ અને મોસંબીમાં જેટલો ફેર છે એટલો જ ફેર ઉત્તરાયણ અને મકરસંક્રાંતિમાં છે: જાણીએ બંનેમાં મૂળ તફાવત શું છે

    આ બંન્ને ખગોળીય બાબતો અલગ-અલગ હોવા છતાં એક સાથે કેમ ઉજવાય છે? કોઈ ચોક્કસ જવાબ તો નથી ઘણા લોકોના અલગ-અલગ દાવા છે પરંતુ એક અનુમાન કરી શકાય કે આ બંને ઘટનાઓ સ્થિર નથી.

    - Advertisement -

    મોસંબી અને સંતરા વચ્ચે શું તફાવત છે? આપણે એક ઉંમરના થયા હોઈશું ત્યાં સુધી આ બંનેને એક જ ગણ્યા હશે. કારણ કે બંનેનો દેખાવ અને થોડાઘણો સ્વાદ પણ સરખો જ છે. મોસંબીને સંતરા માની લેવા કે સંતરાને મોસંબી માની લેવા એ ગૌણ બાબત છે. પરંતુ લીંબુને મોસંબી કહીએ તો ચાલે? બિલકુલ ન ચાલે કારણ કે બંનેનો દેખાવ અને સ્વાદ એકદમ જ અલગ છે. આપણે આવી જ એક ભૂલ ઘણા સમયથી કરી રહ્યા છીએ. એ છે- ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ માનીએ છીએ. જ્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંનેને એકબીજા સાથે કંઈ જ લેવાદેવા નથી. 

    પહેલાં ઉત્તરાયણ બાબતે જાણીએ 

    ઉત્તરાયણ શબ્દનો અર્થ થાય છે- ઉત્તર દિશા તરફ પરાયણ અર્થાત ઉત્તર દિશા તરફ જવું. તો કોણ જાય છે ઉત્તર દિક્ષા તરફ? અહીં સૂર્યના સંદર્ભમાં આ વાત કરવામાં આવી રહી છે. પહેલાં આપણે સૂર્ય અને પૃથ્વીના સંબંધ બાબતે પ્રાથમિક ચર્ચા કરીએ. સૂર્ય પૃથ્વીની સાપેક્ષમાં સ્થિર છે અને પૃથ્વી તેની ફરતે પોતાની ધરી પર 23.5 અંશે નમીને પોતાની ધરી પર ફરતા ફરતા પરિભ્રમણ કરે છે. એટલે પૃથ્વીના બે ભ્રમણ ધ્યાને લેવાના છે. પ્રથમ પૃથ્વી તેની ધરી પર ફરે છે જે રીતે ભમરડો ફરે છે તે રીતે. બીજું પૃથ્વી સૂર્યની ફરતે પણ ભ્રમણ કરે છે. ધરી પર ફરવાના કારણે દિવસ રાત થાય છે અને સૂર્યની ફરતે ભ્રમણ કરવાની અસર એટલે ઋતુ બદલાય છે.

    - Advertisement -

    આ બધી ખગોળીય ઘટના વચ્ચે પૃથ્વી બે વખત તેની ધરી પર નમે છે. જેના કારણે સૂર્ય તેની દિશા બદલતો હોય તેવો આપણને ભાસ થાય કારણ કે આપણે પૃથ્વીની સાપેક્ષમાં જોતા હોઈએ છીએ. તે ધરી પર નમે એટલે સૂર્ય ઉત્તર દિશામાં જાય એટલે તે ઘટના એટલે ઉત્તરાયણ. સરળતાથી સમજીએ તો પૃથ્વી પરથી સૂર્ય ઉત્તર તરફ જતો દેખાય તેને ઉત્તરાયણ કહીશું. ઉત્તરાયણના કારણે પૃથ્વી પર ઘણી અસરો આવે છે જે નિહાળી શકાય છે. માટે ઉત્તરાયણ એ વૈશ્વિક ઘટના છે. સામાન્યપણે આ ઘટના 21-22 ડિસેમ્બરના રોજ થાય છે. (પરંતુ તેની ઉજવણી 14 જાન્યુઆરીએ થાય છે, જે વિશે અંતે ચર્ચા કરીશું.)

    હવે જાણીએ મકરસંક્રાંતિ વિશે

    આપણા જ્યોતિષશાસ્ત્રો એ ખગોળશાસ્ત્રનો જ એક હિસ્સો છે. કારણ કે આપણું જ્યોતિષશાસ્ત્ર આકાશી ઘટનાઓ પર જ આધારિત છે. જ્યોતિશાસ્ત્રની પ્રાથમિકતામાં બાર રાશિઓ છે. આ બાર રાશિઓ બીજુ કંઈ જ નહીં પરંતુ 360 ડિગ્રીવાળા આકાશના 12 સરખા ભાગ જ છે. તે 12 સરખા ભાગ એટલે 12 રાશિઓ. હવે આકાશના 12 ભાગ પાડ્યા બાદ સૂર્ય અને ચંદ્ર કંઈ રાશિમાં છે તેના આધારે જ્યોતિષશાસ્ત્ર સચોટ આગાહી કરતું હોય છે. આ તો થઈ પ્રાથમિક માહિતી. 

    હવે સમજીએ મકરસંક્રાંતિ. ઉપર સમજાવ્યું તેમ આપણા જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર આકાશમાં કંઈ રાશિમાં હાલમાં ગતિમાન છે તે જોવામાં આવે છે. હવે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે કે જેમ ઉત્તરાયણ થવાના કારણે પૃથ્વી પર ફેરફાર થાય છે તે મકરસંક્રાંતિમાં થતા નથી કારણ કે આને આપણે જાતે ગણતરી કરીને જાણવું પડે છે. અને જ્યોતિષશાસ્ત્ર ફક્ત ભારત પૂરતું હોવાના કારણે મકરસંક્રાંતિ એ ભારતમાં જ ઉજવાય છે, વૈશ્વિક રીતે ઉજવાતી નથી. એટલે સરળ ભાષામાં કહીએ તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે- મકરસંક્રાંતિ.

    હવે મકરસંક્રાંતિ સૂર્ય આધારિત હોવાથી તે ચોક્કસ તારીખે આવે છે (14-15 જાન્યુઆરી) પરંતુ ચોક્કસ તિથિએ એટલે નથી આવતી કારણ કે આપણું કેલેન્ડર ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. જ્યારે અંગ્રેજી કેલેન્ડર સૂર્ય આધારિત હોય છે. હવે તમે સમજ્યા હશો કે આપણો આ એક માત્ર તહેવાર છે જે તિથિ આધારિત નહી પરંતુ તારીખ આધારિત આવે છે.

    તો હવે ખ્યાલ આવ્યો હશે કે ઉત્તરાયણ એટલે પૃથ્વીના સાપેક્ષમાં અને તેનું ધરી પર નમવાના કારણે સૂર્યનું ઉત્તર દિશામાં પ્રવેશ. મકરસંક્રાંતિ એટલે આકાશને બાર ભાગમાં વહેંચવાના તે ભાગોનું નામ રાશિઓના નામ આપવા તેમાં સૂર્ય જ્યારે પૃથ્વી પરથી ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતો દખાય તે મકરસંક્રાંતિ.

    મકરસંક્રાંતિ ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ નામો અને રીતોથી ઉજવાય છે જેમ કે ઉત્તર ભારતમાં લોહડી, બિહારમાં ખીચડી, દક્ષિણ ભારતમાં પોંગલ, અસમમાં બિહુ તરીકે ઉજવાય છે. બધાની ઉજવવાની પદ્ધતિ અલગ અલગ છે. સામાન્યપણે ઉજવણી ખુલ્લામાં કરવામાં આવે છે. અર્થાત સૂર્યના કિરણોમાં કરવામાં આવે છે. આ સમય દરમિયાન સૂર્યના કિરણો આપણા માટે લાભપ્રદ હોવાના કારણે જ તેની ઉજવણી જાહેરમાં થાય છે અને તેનો જ એક ભાગ છે પતંગ ચગાવવી.

    હવે આ બંન્ને ખગોળીય બાબતો અલગ-અલગ હોવા છતાં એક સાથે કેમ ઉજવાય છે? કોઈ ચોક્કસ જવાબ તો નથી ઘણા લોકોના અલગ-અલગ દાવા છે પરંતુ એક અનુમાન કરી શકાય કે આ બંને ઘટનાઓ સ્થિર નથી. ઉત્તરાયણ ધીરે ધીરે ડિસેમ્બર મહિના તરફ ખસે છે જ્યારે મકરસંક્રાંતિ ધીરે ધીરે ફેબ્રુઆરી મહિના તરફ ખસે છે. ક્યાંક કોઈ સમયગાળમાં આ બંને ઘટના 14 જાન્યુઆરીએ સાથે થઈ હશે ત્યારથી જ આ બંને તહેવારો સાથે ઉજવાય છે. જોકે, હાલ ઉત્તરાયણ 21-22 ડિસેમ્બરે જ થઈ જાય છે અને મકરસંક્રાંતિ આજે 14 અને 15 તારીખે આવે છે.

    એક બીજી વાત કે જેમ ઉત્તરાયણ આવે છે તેવી જ રીતે દક્ષિણાયન 22-23 જૂને આવે છે. વિશ્વમાં આની પણ ઘણી જગ્યાએ ઉજવણીઓ થાય જ છે. આ બંને પારાયણની વચ્ચે બે દિવસો એવા આવે છે જે જ્યારે દિવસ અને રાત સરખા હોય છે, જેમાં એક 21-22 માર્ચ અને 22-23 સપ્ટેમ્બર. 

    આખો લેખ વાંચ્યા પછી હવે તમે લીંબુ અને મોસંબીનો તફાવત સમજી ગયા હશો એવી આશા સાથે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવું છું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં