Saturday, April 20, 2024
More
  હોમપેજસ્પેશ્યલદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના પહેલા ભાગનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન: જાણીએ ભારતના આ...

  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના પહેલા ભાગનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન: જાણીએ ભારતના આ સૌથી લાંબા એક્સપ્રેસ વૅ વિશે

  ગુજરાતમાંથી એક્સપ્રેસ વૅનો સૌથી મોટો હિસ્સો પસાર થનાર છે. જેમાં આખા રાજ્યમાં મળીને કુલ 60 મોટા ઓવરબ્રિજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ રોડઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના દૌસાથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના પહેલા તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. અહીં તેમણે જનસભા પણ સંબોધી. વડાપ્રધાને કહ્યું કે, આજે રાજસ્થાન અને દેશના વિકાસનો ઉત્સવ છે કારણ કે દેશમાં બની રહેલા સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅનું લોકાર્પણ થયું છે. 

  આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસ વૅ પૈકીનો એક ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વિકસિત ભારતની વધુ એક ભવ્ય તસ્વીર છે. 

  વડાપ્રધાને જે દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું લોકાર્પણ કર્યું તેની લંબાઈ 246 કિલોમીટર જેટલી છે, જે માટે 12,150 કરોડનો ખર્ચ થયો છે. જેના કારણે હવે દિલ્હીથી જયપુર 5 કલાકની જગ્યાએ સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે.  જ્યારે આ સમગ્ર એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1,386 કિલોમીટર છે. જે દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 12 ટકા જેટલું ઘટાડશે અને સમયમાં 50 ટકાનો ઘટાડો થશે.

  - Advertisement -

  ભારતમાં છેલ્લા થોડાં વર્ષોમાં હાઈ-વે અને એક્સપ્રેસ વેનાં નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશ સહિતનાં અનેક રાજ્યોમાં વિશ્વકક્ષાના એક્સપ્રેસ વે બન્યા છે તો બીજી તરફ દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ વે પણ ભારતમાં જ બની રહ્યો છે. ભારતની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે માત્ર ભારતનો જ નહીં પરંતુ દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ વે (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે) બનાવવામાં આવી રહ્યો છે. 1380 કિલોમીટર લાંબો આ આઠ લેનનો હાઈ-વે બંને મોટાં શહેરો વચ્ચેનું અંતર 24 કલાકથી ઘટાડીને માત્ર 12 કલાકનું કરી દેશે. એટલે કે હાલમાં આ બંને શહેરો વચ્ચેનું અંતર કાપવામાં જે સમય લાગે છે તેનાથી અડધા જ સમયમાં આ એક્સપ્રેસ વે દ્વારા પહોંચી શકાશે.

  આ રાજ્યોમાંથી પસાર થશે એક્સપ્રેસ વે

  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી (9 કિમી), હરિયાણા (130 કિમી), રાજસ્થાન (374 કિમી), મધ્યપ્રદેશ (245 કિમી), ગુજરાત (423 કિમી) અને મહારાષ્ટ્રમાંથી (169 કિમી) પસાર થશે. એક્સપ્રેસ વે દિલ્હીથી શરૂ થઇ હરિયાણાના ગુરુગ્રામ, મેવાત, રાજસ્થાનના રણથંભોર, કોટા, મુકુન્દરા, મધ્યપ્રદેશના રતલામથી ગુજરાતના દાહોદ, ગોધરા, વડોદરા, સુરતથી મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પૂર્ણ થશે.

  ભવિષ્યમાં 12 લેન સુધીનો હાઈ-વે કરી શકાય તેવી વ્યવસ્થા, તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે  

  હાઈ-વે ઉપર રિસોર્ટ, રેસ્ટોરન્ટ, હોટેલ, ફૂડ કોર્ટ, એટીએમ, ફયુલ સ્ટેશન વગેરે જેવી તમામ સુવિધાઓ પણ થોડા-થોડા અંતરે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, અકસ્માતની સ્થિતિમાં ઘાયલોને ત્વરિત સારવાર પૂરી પાડવા માટે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવાની પણ સુવિધાઓ ઉપલબ્ધ હશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર દર સો કિલોમીટરે ટ્રોમા સેન્ટર અને હેલીપેડની વ્યવસ્થા હશે. શરૂઆતમાં આઠ લેનનો એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવશે પરંતુ ભવિષ્યમાં લેનની સંખ્યા 12 સુધી પણ કરી શકાય તેવી વ્યવસ્થા હશે.

  તસવીર સાભાર : Twitter/Nitin Gadkari

  કેન્દ્રીય મંત્રાલય અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઇલેક્ટ્રિક હાઈ-વે કે ઈ-હાઈવે બનાવવાની યોજના છે. એક્સપ્રેસ વે ઉપર આઠ લેનમાંથી ચાર લેન ઇલેક્ટ્રિક વાહનો માટે આરક્ષિત રહેશે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાને લેતા રસ્તાની બંને બાજુ 1.5 મીટર ઊંચા બેરિયર બનાવવામાં આવશે. એક્સપ્રેસ વે ઉપર વાહનોની વધુ ગતિ અને ઓછી ભીડના કારણે ખર્ચમાં પણ ફેર પડશે.

  એનિમલ અન્ડરપાસ ધરાવતો એશિયાનો પ્રથમ એક્સપ્રેસ વે

  મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે એશિયાનો પ્રથમ અને દુનિયાનો બીજો એક્સપ્રેસ વે હશે જેની ઉપર એનિમલ અન્ડર પાસ બનાવવામાં આવશે. જેમાં નીચેથી વાહનો પસાર થશે અને ઉપરથી વિના ખલેલે પ્રાણીઓ પસાર થઇ શકશે. આઠ લેન પહોળા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર પાંચ વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બનાવવામાં આવશે. જેમાં મુકુન્દરા નેશનલ પાર્ક, રણથંભોર નેશનલ પાર્ક, સારિસ્કા ટાઈગર રિઝર્વ વગેરેનો સમાવેશ થાય છે.

  સાંકેતિક તસવીર, સાભાર: ઇન્ડિયા ટાઈમ્સ

  એક્સપ્રેસ વે ઉપર દેશની પહેલી બે આઠ લેનની ટનલ પણ હશે, જેમાંથી એક ચાર કિમીની ટનલ મુકુન્દરા સેન્ચ્યુરી ખાતેથી પસાર થશે જ્યારે અન્ય એક ચાર કિમી લંબાઈની ટનલ માથેરાન ઇકો સેન્સેટિવ ઝોનમાંથી પસાર થશે જે-તે વિસ્તારમાં રહેતા પ્રાણીઓને કોઈ અસર નહીં થાય તે હેતુથી આ એનિમલ ઓવરપાસ બનાવવામાં આવ્યા છે.

  વીસ લાખ વૃક્ષો વાવવામાં આવશે

  એક્સપ્રેસ વે ઉપર લગભગ વીસ લાખ વૃક્ષો અને છોડ વાવવામાં આવશે. જેની પિયત ડ્રોપ ઈરિગેશન પદ્ધતિથી કરવામાં આવશે. તેમજ એક્સપ્રેસ વે ઉપર થનારા આ વૃક્ષારોપણથી લગભગ 850 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થવાનું અનુમાન છે, જે 40 મિલિયન વૃક્ષો વાવવા સમાન હશે. આ ઉપરાંત રસ્તા પર મૂકવામાં આવનાર લાઈટ સૌર ઉર્જાની મદદથી ચાલશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

  120 કિમી/કલાકની ઝડપે વાહનો જઈ શકશે

  એક્સપ્રેસ વે ઉપરથી વાહનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહનો પસાર થઇ શકશે. ઉપરાંત માર્ગ સિગ્નલ ફ્રી હશે, જેથી સમયની પણ બચત થશે. આ ઝડપે કોઈ પણ વાહન દિલ્હીથી જયપુરનું 270 કિલોમીટર અંતર ત્રણ કલાકથી ઓછા સમયમાં કાપી શકશે.

  એક્સપ્રેસ વેના નિર્માણમાં 12 લાખ ટન સ્ટીલનો ઉપયોગ થશે. તેમજ આ પ્રોજેક્ટ માટે કુલ 80 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. જે ભારતમાં સિમેન્ટ ઉત્પાદનની વૈશ્વિક ક્ષમતાના બે ટકા છે. આ પ્રોજેક્ટના કારણે એન્જિનિયર અને શ્રમિકો મળીને લગભગ પચાસ લાખ લોકોને રોજગાર મળશે.

  સૌથી મોટો હિસ્સો ગુજરાતમાંથી પસાર થશે

  ગુજરાતમાંથી એક્સપ્રેસ વૅનો સૌથી મોટો હિસ્સો પસાર થનાર છે. જેમાં આખા રાજ્યમાં મળીને કુલ 60 મોટા ઓવરબ્રિજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ રોડઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં 35,100 કરોડના ખર્ચે 423 કિલોમીટર લાંબો રોડ બની રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યના રૂટ પર કુલ 33 વે-સાઈડ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.

  નોંધવું જોઈએ કે પ્રોજેક્ટ 2018માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને વર્ષ 2019માં તેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. એક્સપ્રેસ વેનો દિલ્હીથી વડોદરાનો 903 કિમી લાંબો ભાગ આ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં તૈયાર થઇ જશે તેવી ગણતરી છે. જ્યારે મુંબઈથી દિલ્હી સુધીનો સમગ્ર રૂટ માર્ચ 2024 સુધીમાં તૈયાર થશે તેવું અનુમાન છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં