Sunday, May 5, 2024
More
    હોમપેજસ્પેશ્યલક્યારેય ન ઉગ્યા હોય તેવા પાક લઈને મબલખ કમાણી કરી રહ્યા છે...

    ક્યારેય ન ઉગ્યા હોય તેવા પાક લઈને મબલખ કમાણી કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતો, જાણીએ તત્કાલીન CM નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કઈ રીતે આવી કૃષિ ક્રાંતિ

    આ કૃષિ ક્રાંતિના પરિણામે ગુજરાતે છેલ્લા બે દાયકાથી અગ્રિકલ્ચર ગ્રોથમાં બે અંકોની વૃદ્ધિ જાળવી રાખી છે.

    - Advertisement -

    એક સમય એવો હતો કે ગુજરાત રાજ્યમાં કૃષિ નામે ગણ્યા-ગાંઠ્યા પાકો થતા હતા. પાણીની સમસ્યાથી તો કોઈ અજાણ નથી. સિંચાઈની વ્યવસ્થા પણ પૂરતી ન હોવાના કારણે ખેડૂતોના પણ હાથ બંધાયેલા હતા. સરકારો તરફથી પણ ખાસ પ્રોત્સાહન મળતું નહીં અને તકનીક વિશે પણ કોઈને ખ્યાલ ન હતો. 

    આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કૃષિ ક્ષેત્રે ગુજરાત અગ્રિમ પંક્તિમાં સ્થાન ધરાવે છે તો અહીંના ખેડૂતો જુદા-જુદા પાકો લઈને મબલખ કમાણી કરતા થયા છે. સિંચાઈ અને પાણીની પૂરતી વ્યવસ્થાના કારણે પરંપરાગત ખેતી તો થઇ જ રહી છે પરંતુ બાગાયતી ખેતીનું પ્રમાણ પણ એટલું જ વધ્યું છે.

    રેડ એપલ બોરની ખેતી કરીને વર્ષે લાખોની કમાણી કરતા જૂનાગઢના ખેડૂત

    ઉદાહરણ તરીકે જૂનાગઢના ગાંગડાના ખેડૂત ભીખુભાઇ ખસિયા. ઘણાં વર્ષો સુધી તેમણે પરંપરાગત ખેતી કરી જોઈ પરંતુ સરવાળે કશું વધતું ન હતું. મહેનત કરીને ખર્ચાળ ખેતી કર્યા છતાં ધારેલી સફળતા ન મળતાં તેમણે બાગાયત તરફ વળવાનો વિચાર કર્યો. ઇન્ટરનેટની મદદથી રેડ એપલ બોર વિશે જાણ્યું, કલકત્તા પહોંચ્યા, જાણકારી મેળવી અને રોપા લાવીને ખેતી શરૂ કરી. 

    - Advertisement -
    રેડ એપલ બોર

    થોડા જ સમયની અંદર ભીખુભાઈએ રેડ એપલ બોરની ખેતીમાં હાથ જમાવી દીધો અને આજે તેઓ દર વર્ષે આઠથી દસ લાખ રૂપિયાની કમાણી કરે છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “આ ખેતીમાં પાયાનો ખર્ચ કોઈ નથી. તેમજ ચોમાસામાં વાવેતર કરીએ તો ખાસ પાણી પણ આપવું પડતું નથી. તેમજ આ પાક ઉછેરવામાં કોઈ રસાયણિક દવાનો પણ ઉપયોગ થતો નથી, માત્ર જીવામૃત વાપરવામાં આવે છે.” 

    હાલ તેઓ દરરોજ 50-50 મણ જેટલા બોર માર્કેટમાં પહોંચાડી રહ્યા છે અને માર્કેટમાં પણ સારો ભાવ મળી રહ્યો છે. તેમજ ખાસ વાત એ છે કે તેનું લાકડું પણ વેચી શકાય તેમ છે, જેથી તે પણ વધારાની આવક આપે છે. 

    ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની પણ ખેતી થઇ રહી છે

    આ સિવાય ગુજરાતમાં કમલમ્ કે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ ખાસ્સી જાણીતી છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં ખાસ્સો વધારો થયો છે. બાયડના એક ખેડૂતે 3 જ વર્ષમાં 15 એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને 1 કરોડ 58 લાખ જેટલી કમાણી કરી હતી. એટલું જ નહીં, તેઓ રોપા તૈયાર કરીને અન્ય રાજ્યોમાં તેનું વેચાણ પણ કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ગુજરાત સરકાર તરફથી ખાસ્સી એવી નાણાકીય સહાય પણ ખેડૂતોને મળે છે.

    સ્ટ્રોબેરીની ખેતી પણ ગુજરાતમાં થવા માંડી છે. સાબરકાંઠાના ઇડરના એક ખેડૂતે તેમના ખેતરમાં આઠ ગુંઠામાં 3500 જેટલા સ્ટ્રોબેરીના છોડ વાવીને શરૂઆત કરી હતી અને યોગ્ય માવજત કરીને ઉછેર કર્યો અને આજે તેઓ તેમાંથી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. 

    આ સિવાય પણ અન્ય અનેક નાના ખેડૂતો આજે મનગમતા પાકો લેતા થયા છે અને સારી આવક પણ મેળવે છે. કૃષિ ક્રાંતિના કારણે ખેતી માત્ર વૃદ્ધો જ કરે તેવી માન્યતા પણ તૂટી છે અને યુવાનો પણ ઝંપલાવી રહ્યા છે અને સફળ પણ થઇ રહ્યા છે. બીજી તરફ, સરકારની અમુક નીતિઓના કારણે પણ તેમને બળ મળ્યું છે. 

    નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો હતો ‘કૃષિ મહોત્સવ’

    ગુજરાતની આ કૃષિ ક્રાંતિનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાં ગુજરાત કૃષિ ક્ષેત્રે પાછળ હતું અને તેનાં અનેક કારણો હતાં. પાણીની સમસ્યા નિવારવા માટે મોદીએ શું કર્યું એ આખો એક અલગ ચર્ચાનો વિષય છે પરંતુ કૃષિ ક્ષેત્રે ગુજરાતને ઉપર લાવવા માટેના તેમના પ્રયાસો આજે ફળીભૂત થતા દેખાઈ રહ્યા છે. 

    વર્ષ 2005માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ‘કૃષિ મહોત્સવ’ શરૂ કરાવ્યો હતો. આ મહોત્સવ રાજ્યમાં દર વર્ષે એક મહિના માટે યોજાય છે, જેમાં ‘કૃષિ રથ’ ગુજરાતનાં ગામડે-ગામડે ફરીને ખેડૂતોનો સંપર્ક કરે છે, તેમને કૃષિ વિશે માહિતગાર કરે છે, નવી તકનીકો વિશે જણાવવામાં આવે છે. 

    આ મહોત્સવમાં ખેડૂતો માટે કૃષિ શિબિર, કૃષિ મેળા વગેરેનું આયોજન થાય છે. વિવિધ ખાનગી કંપનીઓ અને NGO વગેરેના નિષ્ણાતો ખેડૂતોને ખેતીમાં નવી તકનીકો અને પાકો, ઉત્પાદનો વગેરે વિશે માહિતગાર કરે છે. સોઇલ હેલ્થ ટેસ્ટ અને એનિમલ હેલ્થ ટેસ્ટ વગેરે પણ કરવામાં આવે છે. આ મહોત્સવમાં જે ખેડૂતોએ નવી તકનીકો અપનાવીને, નવાં ઉત્પાદનો મેળવ્યાં હોય તેમને સન્માનિત પણ કરવામાં આવે છે. 

    કોન્ટ્રાકટ ફાર્મિંગથી પણ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે લાભ

    ‘કોન્ટ્રાકટ ફાર્મિંગ’ના કારણે પણ ગુજરાતના ખેડૂતોને ખૂબ લાભ મળ્યો છે. કોન્ટ્રાકટ ફાર્મિંગમાં કંપનીઓ સીધી રીતે ખેડૂતોનો સંપર્ક કરે છે અને જરૂરિયાત અનુસાર ઉત્પાદનો ખરીદી લે છે. ઉદાહરણ તરીકે, પોટેટો ચિપ્સ બનાવતી કંપનીને બહોળા પ્રમાણમાં બટાકાની જરૂર રહે છે. જે માટે તેઓ સીધા ખેડૂતોનો સંપર્ક કરીને તેમની પાસે બટાકાનું ઉત્પાદન કરાવીને ખરીદી લે છે. 

    એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો આ કોન્ટ્રાકટ ફાર્મિંગના કારણે એક હેક્ટર જમીનમાં ખેતી કરીને વાર્ષિક 5 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે. ગુજરાતમાં બટાકાનું પ્રોસેસિંગ કરતી લગભગ 11 જેટલી કંપનીઓ છે અને દેશમાં થતા 7 ટકા જેટલા બટાકાના પ્રોસેસિંગમાં ગુજરાતનો હિસ્સો 20 ટકા જેટલો છે.

    અન્ય આંકડાકીય માહિતી

    ગુજરાત સરકાર દ્વારા પણ સતત કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. વર્ષ 1994-95માં રાજ્યનું કૃષિ બજેટ જે 398.34 કરોડ હતું જે 2022-23માં 19 ગણું વધીને 3737 કરોડ જેટલું થયું છે. અન્ય આંકડાકીય માહિતી જોઈએ તો, વર્ષ 2001માં ગુજરાતમાં 37.96 લાખ જમીનમાં સિંચાઇની વ્યવસ્થા હતી, જે 2022માં વધીને 68.29 લાખ હેક્ટર થઇ છે. આ કૃષિ ક્રાંતિના પરિણામે ગુજરાતે છેલ્લા બે દાયકાથી અગ્રિકલ્ચર ગ્રોથમાં બે અંકોની વૃદ્ધિ જાળવી રાખી છે.

    iKhedut પોર્ટલ પરથી કુલ 61.82 લાખ ખેડૂતોને 5107.94 કરોડની સબસીડી ખેડૂતોને આપવામાં આવી છે. તેમજ પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિનો ફાયદો ગુજરાતના ખેડૂતોને પણ મળે છે. આંકડાઓ અનુસાર, 10મા હપ્તામાં રાજ્યના 57.48 લાખ ખેડૂતોનાં ખાતાંમાં 1149 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. આ સિવાય ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, નેનો-ફર્ટિલાઇઝર અને ઇન્સેક્ટીસાઇડ્સના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે માટે 35 કરોડ ફાળવવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં