Wednesday, April 17, 2024
More
  હોમપેજગુજરાત'ફિરોઝ બહાર આવશે તો મને મારી નાખશે': ભુજની હિંદુ પીડિતાએ ઑપઇન્ડિયાને જણાવી...

  ‘ફિરોઝ બહાર આવશે તો મને મારી નાખશે’: ભુજની હિંદુ પીડિતાએ ઑપઇન્ડિયાને જણાવી આપવીતી, કહ્યું- મારું મંદિર તોડ્યું, કાફર કહીને નમાજ પઢવા અને માંસ ખાવા દબાણ કરતો

  "હું મારું મંદિર લઈને ગઈ હતી અને શરૂઆતમાં પૂજા-પાઠ પણ કરતી. માતાજીમાં મને અસ્થા છે તો હું મારાં માતાજીની સેવા-પૂજા કરતી પણ એક દિવસ ફિરોઝે ભગવાન, મંદિર સહિત બધું ઉઠાવીને ફેંકી દીધું હતું. તે કહેતો કે, "હવે તું આ તારાં નાટક બંધ કરી દે, હવે તારાં નાટક અહીં નહીં ચાલે."

  - Advertisement -

  કચ્છના ભુજમાંથી તાજેતરમાં જ એક હિંદુ મહિલા પર મુસ્લિમ શૌહરે અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યો. પીડિતાને પતિ ફિરોઝે એ હદ સુધી માર માર્યો હતો કે તે હજુ પણ હૉસ્પિટલમાં સારવાર લઇ રહી છે. આરોપ એવા પણ છે કે ફિરોઝ પીડિતાને અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરતો અને ના પાડવા પર ક્રૂરતાથી મારપીટ કરતો. આ કિસ્સાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું છે. બીજી તરફ, ઑપઇન્ડિયાએ પીડિતાનો સંપર્ક કર્યો, જેમણે વાતચીતમાં હૃદયદ્રાવક આપવીતી જણાવી હતી.

  પીડિતાએ કહ્યું કે, તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરોનું કહેવું છે કે તેમને જે રીતે માર મારવામાં આવ્યો છે, તેને જોતાં ઠીક થતાં લાંબો સમય લાગશે. તેમની સંભાળ તેમનાં માતા રાખી રહ્યાં છે. પોતાની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, મને એટલો માર મારવામાં આવ્યો છે કે હું ઉભી પણ થઈ શકતી નથી. ગળા અને પીઠના ભાગે વાગ્યું છે અને એટલે મારે એક તરફ સૂઈ રહેવું પડે છે. શરીરની ચામડી ફાટી ગઈ છે.”

  અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી, પણ ફિરોઝની ધમકીથી ડરી જઈને પરત લેવી પડી

  વાતચીતમાં તેમણે કહ્યું કે, તેમને હજુ પણ ફિરોઝનો ડર લાગી રહ્યો છે. પીડિત મહિલાએ કહ્યું, “હું દવાખાને ગઈ પછી ત્યાંથી હૉસ્પિટલના લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફિરોઝ વિરુદ્ધ ગુનો દાખલ થયો અને તેની ધરપકડ થઇ ગઈ હતી. મીડિયામાં બધું સામે આવ્યા બાદ પોલીસ પણ વારંવાર પૂછપરછ કરવા માટે આવી રહી છે. પણ જેવો તે બહાર આવશે કે એ મને મારવા પહોંચી જશે. એ સો ટકા મારા પર હુમલો કરશે. એનું મગજ એવું છે કે તે ક્યારે શું કરે તેનું કશું જ તેને ભાન નથી હોતું.”

  - Advertisement -

  ફિરોઝનું વર્તન પહેલેથી જ આવું છે કે કેમ, તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “તેનું વર્તન પહેલેથી જ આવું છે. હું નિકાહ કરીને ગઈ ત્યારથી તે મારઝૂડ કરતો. મેં બે વાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ તેણે મને ધમકી આપી હતી કે કેસ પાછા નહીં લઉં તો તે મને અને મારા 14 વર્ષના દીકરાને મારી નાખશે. ફિરોઝના ડરના કારણે મારે આ કેસ પાછા લેવા પડ્યા હતા.”

  વાતચીત દરમિયાન પીડિતાએ જણાવ્યું કે આ પહેલાં તેમનાં લગ્ન સુરેન્દ્રનગર ખાતે સમાજના જ એક યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ એક પુત્રનો પણ જન્મ થયો પરંતુ પછીથી પતિ સાથે અણબનાવ થતાં તેઓ પિયર પરત આવી ગયાં હતાં. પછીથી ફિરોઝે પ્રેમજાળમાં ફસાવ્યાં અને બંને વચ્ચે મિત્રતા થયા બાદ નિકાહ કરી લીધા હતા. દીકરા સાથેના વર્તન વિશે વાત કરતાં મહિલા કહે છે કે, “મારો દીકરો ફિરોઝથી ખૂબ જ ડરે છે. તે (ફિરોઝ) હંમેશા તેના ખિસ્સામાં તીક્ષ્ણ છરો રાખે છે. એટલે મારો દીકરો અમારી સાથે નથી રહેતો. ફિરોઝ બહાર હોય ત્યારે મારો દીકરો બે-ત્રણ કલાક મારી પાસે આવીને રહે અને તે આવે ત્યારે મારાં મમ્મીના ઘરે જતો રહે છે.”

  “મૌલવી સામે નિકાહ પઢાવ્યા પણ હું હિંદુ છું એટલે દસ્તાવેજ ન બનાવ્યા”

  ફિરોઝ સાથે થયેલા નિકાહને લઈને પીડિતાએ કહ્યું કે, “તે મને એક મૌલવી પાસે લઇ ગયો હતો અને ત્યાં મુસ્લિમ રીતરિવાજ પ્રમાણે કલમા પઢાવીને નિકાહ કરાવવામાં આવ્યા હતા. જોકે તેમણે કહ્યું કે, નિકાહ બાદ કાયદાકીય કાર્યવાહી થઈ ન હતી અને મૌલવીએ કહ્યું હતું કે, યુવતી હિંદુ હોવાના કારણે તેઓ કોઇ મદદ કરી શકે નહીં. મહિલા ઉમેરે છે કે, આ જ કારણ છે કે નિકાહ થયા હોવા છતાં તેમની પાસે તેના કોઇ દસ્તાવેજી પુરાવા નથી.

  “મારું મંદિર તોડી નાખ્યું, માંસ ખાવા દબાણ કરી નમાજ પઢવા માટે કહેતો”

  નિકાહ બાદ ફિરોઝે ગુજારેલા ત્રાસને લઈને પીડિતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “હું મારું મંદિર લઈને ગઈ હતી અને શરૂઆતમાં પૂજા-પાઠ પણ કરતી. માતાજીમાં મને અસ્થા છે તો હું મારાં માતાજીની સેવા-પૂજા કરતી પણ એક દિવસ ફિરોઝે ભગવાન, મંદિર સહિત બધું ઉઠાવીને ફેંકી દીધું હતું. તે કહેતો કે, “હવે તું આ તારાં નાટક બંધ કરી દે, હવે તારાં નાટક અહીં નહીં ચાલે.” રમઝાન મહિનો આવે ત્યારે મને તે કહેતો કે, “તું કાફર છે, તમે મા-દીકરો ‘દાળભાત’ (નોનવેજ ન ખાતા હોવાના સંદર્ભમાં) છો. તે એમ પણ કહેતો કે તેં મુસ્લિમ સાથે નિકાહ કર્યા છે તો હવે નમાજ પણ પઢવી પડશે.”

  આ સાથે જ પીડિતાએ વધુમાં જણાવ્યું કે, “હું માંસ નથી ખાતી એટલે તે હંમેશા મને અને મારા દીકરાને ‘દાળભાત’ કહીને અપમાનિત કરતો. તે મને અનેક વાર માંસ ખાવા દબાણ કરતો. તે કહેતો કે, “તું આ નહીં ખાય તો મુસલમાન નહીં બને”, પણ મેં તેનો વિરોધ કરીને નોનવેજ ખાવાની કે બનાવવાની ના પાડી દીધી હતી અને કહી દીધું હતું કે હું માંસ ખાઈશ પણ નહીં અને બનાવીશ પણ નહીં, જો તેણે ખાવું હોય તો બહાર જઈને ખાય પરંતુ મને અને દીકરાને દબાણ ન કરે.”

  હિંદુ સંગઠનો મદદે આવ્યાં, મને હિંમત આપી: પીડિતા

  આગળ પીડિતાએ જણાવ્યું કે, “મારી આવી હાલતની જાણ થતાં જ વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનના ભાઈઓ મને મળવા આવ્યા હતા. તેઓ સતત મારા સંપર્કમાં છે અને મને મદદ કરી રહ્યા છે. સંગઠનોએ મને હિંમત આપી છે અને તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. હિંદુ ભાઈઓ મને સતત હિંમત આપી રહ્યા છે, પણ મને એક જ ડર છે કે ફિરોઝ જેલની બહાર આવશે તો એ ફરી મારી ઉપર હુમલો કરશે. મારી એક જ માંગ છે કે તે જેલમાંથી ક્યારેય બહાર જ ન આવે.”

  અંતે હિંદુ પીડિતાએ કહ્યું કે, હું નથી ઇચ્છતી કે મેં જે પીડા ભોગવી છે તે મારી કોઇ બીજી હિંદુ બેન-દિકરીઓ ભોગવે અને આ રીતે મુસ્લિમ યુવકોની જાળમાં ફસાઈ જાય. તેમણે ઉમેર્યું કે, હું ઇચ્છું છું કે ઑપઇન્ડિયા થકી મારી આ વાત દરેક હિંદુ બેન-દિકરીઓ સુધી પહોંચે.

  પીડિતાને મારવામાં આવ્યો હતો ઢોર માર, વાયરલ થયો હતો વિડીયો

  ઉલ્લેખનીય છે કે ભુજની આ હિંદુ પીડિતા સાથે થયેલી આ બર્બરતા ત્યારે સામે આવી જ્યારે સોશિયલ મીડિયામાં તેમનો એક વિડીયો વાયરલ થયો. X (અગાઉનું ટ્વિટર) પર ઘણા યુઝરોએ પોસ્ટ કરેલા આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે એક યુવતી સૂતી છે અને તેને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો છે. યુવતીના પીઠના ભાગે કાળા ચકામા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ ચામડી પણ ફાટી ગયેલી જોવા મળે છે. વિડીયોમાં દેખાતાં આ દ્રશ્યો વિચલિત કરનારાં હતાં.

  સોશિયલ મીડિયા પર આ યુવતી ગુજરાતના ભુજની હોવાનું જણાવવામાં આવ્યું હતું. પછીથી જ્યારે પીડિત મહિલાએ જાતે જ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું ત્યારે ઘટનાની પુષ્ટિ થઈ હતી. હાલ તેઓ સારવાર હેઠળ છે, બીજી તરફ આરોપી ફિરોઝની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં