Tuesday, July 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલના સરવેનાં સૂરસૂરિયાંનું સરવૈયું: ચૂંટણી પહેલાં માહોલ બનાવવા માટે ‘સરવે’નો આધાર લેવાની...

  કેજરીવાલના સરવેનાં સૂરસૂરિયાંનું સરવૈયું: ચૂંટણી પહેલાં માહોલ બનાવવા માટે ‘સરવે’નો આધાર લેવાની ‘આપ’ની જૂની ટ્રીક: વાંચો વિસ્તૃત અહેવાલ

  લોકસભા ચૂંટણી હોય, રાજ્યની વિધાનસભા ચૂંટણી હોય કે મહાનગરપાલિકા, કેજરીવાલ અને આમ આદમી પાર્ટી અનેકવાર સરવેનો હવાલો આપીને જીતવાના દાવા કરી ચૂક્યા છે અને અનેકવાર પરિણામો તદ્દન વિપરીત આવ્યાં છે.

  - Advertisement -

  તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પંજાબ સિવાય અન્યત્ર બધે જ હારનો સામનો કરી ચૂકેલી આમ આદમી પાર્ટી હવે ગુજરાત તરફ નજર માંડી રહી છે. કેજરીવાલ સહિતના પાર્ટીના નેતાઓ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને માહોલ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટી નેતાઓ જુદા-જુદા સરવે ટાંકીને તેનો આધાર લઈને દાવા પણ કરી રહ્યા છે. 

  આમ આદમી પાર્ટી (અને અરવિંદ કેજરીવાલ પણ) અને સરવે વચ્ચે પહેલેથી જ છત્રીસનો આંકડો રહ્યો છે. અનેક વખત આમ આદમી પાર્ટીના સરવે ખોટા અને ફર્જી સાબિત થયા છે. એવા કેટલાક સરવે વિશે ઑપઇન્ડિયાએ પણ અહેવાલો પ્રકાશિત કર્યા હતા. હવે, આવા સરવે અને ખોટા દાવા વિશે ફરી ચર્ચા ઉઠી છે. 

  ફેસબુક યુઝર હરીશ ચંદ્ર બર્નવાલે આ અંગે એક વિડીયો બનાવીને આમ આદમી પાર્ટીના ખોટા સરવે અને દાવાને ઉજાગર કર્યા છે. જેમાં તેઓ જણાવે છે કે કઈ રીતે કેજરીવાલ ફર્જી સરવેનો સહારો લે છે અને તમામ જવાબદારી જનતાના માથે ઢોળી દે છે. 

  - Advertisement -

  કેજરીવાલ છેક પાર્ટીના નિર્માણ પહેલાંથી ફર્જી સરવેનો સહારો લેતા હોવાનું વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. અન્ના આંદોલનથી જાહેર જનતામાં જાણીતા થયેલા અરવિંદ કેજરીવાલે નવી પાર્ટી બનાવવા માટે પણ એક સરવેનો સહારો લીધો હતો અને દાવો કર્યો હતો કે મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેઓ નવી પાર્ટી બનાવે. 

  અહીં એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં જ અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખીને આંદોલનના જોરે તેમણે બનાવેલી નવી પાર્ટી (આમ આદમી પાર્ટી) સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આંદોલનનો ઉદ્દેશ્ય નવી પાર્ટી બનાવવાનો ન હતો પરંતુ તેમ છતાં કેજરીવાલે તેમ કર્યું. 

  જોકે, ત્યારબાદ સતત કેજરીવાલે આવા સરવેના સહારે અનેક મોટા દાવા કર્યા છે અને ચૂંટણીઓ ટાણે માહોલ બનાવવાના પ્રયત્નો કર્યા છે. 

  દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી વખતે પણ કેજરીવાલે એક સરવેના માધ્યમથી દાવો કર્યો હતો કે તેઓ કુલ 272 બેઠકો પૈકી 218 જેટલી બેઠકો પર વિજય મેળવશે. જોકે, પરિણામો તદ્દન વિપરીત આવ્યાં હતાં અને ત્રણેય કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. 

  લોકસભા ચૂંટણીમાં કર્યો હતો તમામ સાત બેઠકો જીતવાનો દાવો, એકેય ઉમેદવાર ન જીત્યો

  આ ઉપરાંત, 2019 ની લોકસભા ચૂંટણીમાં પણ કેજરીવાલે એક સરવેનો હવાલો આપીને તમામ સાત લોકસભા બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. કેજરીવાલે ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન માંગ્યું હતું, જોકે, કોંગ્રેસે લગભગ ના’ પાડી દીધી હતી, જે બાદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેઓ કોંગ્રેસના સમર્થન વગર પણ તમામ સાત લોકસભા બેઠકો પર જીત મેળવશે. જોકે,  આખરે પરિણામો આવ્યાં ત્યારે તમામ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ હતી અને ‘આપ’નો એકેય સાંસદ ચૂંટાયો ન હતો. 

  ગોવામાં પણ સરવેના આધારે કર્યા હતા દાવા, પછી ખાતું પણ ખુલ્યું ન હતું

  2017ની ગોવા વિધાનસભા ચૂંટણી સમયે પણ આમ આદમી પાર્ટીએ એક ‘આંતરિક સરવે’ને ટાંકીને પાર્ટીને ચૂંટણીમાં 41.9 ટકા વોટશેર મળવાનો દાવો કર્યો હતો. જોકે, ચૂંટણી યોજાઈ અને પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું. જોકે, 2022માં પણ આમ આદમી પાર્ટીએ સરવેના આધારે દાવો કર્યો હતો કે 10 થી 12 બેઠકો પર તેમને જીત મળતી દેખાઈ રહી છે, જયારે આગામી મહિનાઓમાં વધુ 4-5 બેઠકો પર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધશે. જોકે, પરિણામો આવ્યાં પછી જાણવા મળ્યું કે ગોવામાં ‘આપ’ના 39 માંથી 33 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી દીધી હતી. 

  જોકે, ગુજરાતમાં પણ આ સરવેનો સિલસિલો આમ આદમી પાર્ટીએ ચાલુ જ રાખ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભરપૂર પ્રચાર કર્યો હતો અને ચૂંટણી લડી હતી. એટલું જ નહીં, પરંતુ અમુક પ્રાયોજિત સરવે પણ કરાવ્યા હતા અને મહાનગરપાલિકા કબજે કરી લેવાના પણ દાવા કર્યા હતા. પરંતુ પરિણામો બિલકુલ વિરુદ્ધ આવ્યાં હતાં. 

  ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એક આંતરિક સરવે બતાવીને દાવો કરી ચૂકી છે કે તેમને 55 થી 60 બેઠકો મળવા જઈ રહી છે. જોકે, અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ જે રીતે સરવે કર્યા છે તેને જોતાં આ સરવે પણ કેટલો વિશ્વસનીય છે તે તો આવનારો સમય જ કહેશે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં