Sunday, April 21, 2024
More
  હોમપેજસ્પેશ્યલ2022ની શરૂઆત 2023માં રંગ જરૂર લાવશે – ઑપઇન્ડિયા ગુજરાતી તેના કર્મને આગળ...

  2022ની શરૂઆત 2023માં રંગ જરૂર લાવશે – ઑપઇન્ડિયા ગુજરાતી તેના કર્મને આગળ વધારતું રહેશે

  જેમ આ વર્ષે લવ જીહાદ કે પછી ધાર્મિક ઉન્માદમાં આવી જઈને ધાર્મિક લાગણીઓને કોઈને કોઈ રીતે દુભાવવાના કિસ્સાઓ વાચકો સમક્ષ લાવવા એ ઑપઇન્ડિયા ગુજરાતીના કાર્યક્ષેત્રમાં સામેલ હતું તેમ આવનારા 2023નાં વર્ષમાં પણ એ સામેલ રહેશે એની ખાતરી હું આપું છું.

  - Advertisement -

  આ વર્ષની મધ્યમાં શરુ થયેલું આપણું ઑપઇન્ડિયા ગુજરાતી આવનારા વર્ષમાં તેમજ ભવિષ્યમાં પણ તેનાં કાર્યને જે તેણે હાથમાં લીધું છે તેને ચાલુ જ રાખશે. આ વિષય પર ઑપઇન્ડિયા ગુજરાતીની સમગ્ર ટીમ વતી તેનાં એડિટર સિદ્ધાર્થ છાયાનો વાચકોને પત્ર.

  પ્રિય વાચકો,

  આજે બાકીના વિશ્વ માટે તો એક વર્ષ પૂરું થઇ રહ્યું છે અને તેની સાથે ઑપઇન્ડિયા ગુજરાતી પણ તેની શરૂઆતના આઠ મહિના પણ પૂરાં કરી રહ્યું છે. આ આઠ મહિના અમારી સમગ્ર ટીમ માટે અત્યંત યાદગાર રહ્યાં છે, કારણકે સામાન્યતઃ કોઇપણ નવી ગુજરાતી ન્યુઝ વેબસાઈટને વાચકોની સ્વીકૃતિ મળતાં સમય લાગી જતો હોય છે. પરંતુ ટીમ બનવાના આઠ મહિના અને તમારી સમક્ષ હાજર થયાંને લગભગ સાત મહિના બાદ ઑપઇન્ડિયા ગુજરાતીના એડિટર તરીકે મને આનંદ થાય એવી હકીકત એ છે કે અમે રાષ્ટ્રવાદી ગુજરાતીઓમાં સારી એવી સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે.

  - Advertisement -

  આપ તમામને ખ્યાલ છે જ કે ઑપઇન્ડિયા, પછી તે ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી અમે મુખ્યધારાના મીડિયામાં સામેલ નથી. ઑપઇન્ડિયા વિષે દુષ્પ્રચાર કરનારા આ હકીકત કદાચ જાણીજોઈને ભૂલી જતાં હોય છે. અમારું કામ છે મુખ્યધારામાં જે ઘટનાઓ દેખાઈ ન હોય કે પછી ક્યાંક તે છુપાઈ ગઈ હોય કે તેને છુપાવી દેવામાં આવી હોય તેને બહાર લઇ આવવાનું છે અને અમારાં વાચકો સાથે આ વેબસાઈટનાં માધ્યમથી સીધો વાર્તાલાપ કરવાનું છે.

  ઑપઇન્ડિયાનું ગુજરાતી સંસ્કરણ કદાચ એટલેજ આટલું જલ્દી સ્વીકૃતિ પામ્યું છે કારણકે તે મુખ્યધારાના મીડિયાથી અલગ છે અને અહીં એ સમાચાર, ફેક્ટચેક્સ અને વિશ્લેષણ જોવા અને વાંચવા મળે છે જેની અન્યત્ર કલ્પના પણ કદાચ નહીં થઇ શકતી હોય.

  ઑપઇન્ડિયા ગુજરાતીના એડિટર તરીકે અને વ્યક્તિગત રીતે પણ ઘણાં કાર્યક્રમોમાં તેમજ સમારંભોમાં જવાનું થતું હોય છે. અહીં મને મળતાં વાચકો કે પછી મુખ્યધારાનાં પત્રકારો ઑપઇન્ડિયા ગુજરાતીનો એક ગુણ કાયમ મારી સામે વ્યક્ત કરીને આનંદથી કહેતાં હોય છે કે તમારાં ફેક્ટચેક્સ ખુબ રસપ્રદ તેમજ માહિતીપ્રદ હોય છે. તો કેટલાક વાચકો પણ મને કહેતાં હોય છે કે અમારી સાઈટ અન્યોથી એટલેજ અલગ છે કારણકે અહીં ફેક્ટચેક્સ થતાં હોય છે, રાષ્ટ્રીય મુદ્દે જ નહીં પરંતુ ગુજરાતને લગતી ઘટનાઓ અંગે પણ.

  આ ફેક્ટચેક્સ પાછળ ઘણી મહેનત લાગતી હોય છે અને જ્યારે પણ આ પ્રકારનું ફેક્ટચેક કરવાનું આવે ત્યારે અમારી સમગ્ર ટીમ એકબીજાને મદદ કરવામાં લાગી જતી હોય છે. દરેક વ્યક્તિ પોતપોતાના સૂત્રને કામે લગાડે છે પછી તે વ્યક્તિગત હોય કે ડિજીટલ. અમારી ટીમના તમામ સભ્યો જે ખંત સાથે કાર્ય કરે છે તેને લીધે જ ફેક્ટચેક્સ ખરેખર ફેક્ટચેક જ બનીને રહે છે અને તે કોઇપણ પ્રકારનો એજન્ડા બનીને અસત્ય નથી ફેલાવતું જે કદાચ અન્ય ફેક્ટચેક કરવાનો દાવો કરતી સાઈટ્સ કરતી હોય છે.

  ઑપઇન્ડિયા ગુજરાતીના અન્ય ગુણોમાં વાચકો અમારાં વિશ્લેષણને ખુબજ વખાણતાં હોય છે. આ વિશ્લેષણ અમારી મંતવ્ય કેટેગરીમાં આપ વાંચી શકતાં હોય છો. અમારી ટીમના જે કોઇપણ સભ્યે પોતાનું વિશ્લેષણ કોઈ એક વિષય પર કર્યું હોય તેની બાયલાઈન દ્વારા તેને આપ ઓળખી શકતાં હોવ છો. આ વિશ્લેષણ અથવાતો મંતવ્ય આપની સમક્ષ રજુ કરતાં અગાઉ પણ અમારી ટીમનો દરેક સભ્ય ગહનતાથી વિષયને સમજે છે અને પછી જ તેને અક્ષરદેહ આપે છે.

  આમ જુઓ તો કોઇપણ નવી વેબસાઈટ માટે છ મહિનાનો સમય ઓછો જ કહેવાય, પરંતુ આ છ મહિના દરમ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી જેને કવર કરવામાં અમારી સમગ્ર ટીમને ખુબ મજા આવી હતી. ચૂંટણી કવર કરવી એ કોઇપણ મીડિયા માટે એક ખાસ અનુભવ હોતો હોય છે અને અમને પણ એ અનુભવ આટલો જલ્દી કરવા મળ્યો તેનો અમને આનંદ છે અને આ ભગીરથ કાર્યને સુપેરે પાર પાડ્યું તેનો ગર્વ પણ છે.

  પરિણામોના દિવસે સવારે આઠ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી સતત ઑપઇન્ડિયા ગુજરાતીના તમામ સભ્યો ચા-પાણી, નાસ્તો અને બંને સમયના ભોજનની પરવા કર્યા વગર તાજી માહિતી શોધી શોધીને સાઈટ પર તેમજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપલોડ કરીને અપડેટ કરતાં રહેતાં હતાં. એ દિવસનો આનંદ અને ઉત્સાહ ખરેખર જોવા જેવો હતો. બસ આ જ અનુભવ અમને આવનારી ચૂંટણીઓમાં પણ કામમાં આવશે અને અમે બહેતર રીતે તેને પણ કવર કરતાં રહીશું તેનો વિશ્વાસ છે.

  જેમ આ વર્ષે લવ જીહાદ કે પછી ધાર્મિક ઉન્માદમાં આવી જઈને ધાર્મિક લાગણીઓને કોઈને કોઈ રીતે દુભાવવાના કિસ્સાઓ વાચકો સમક્ષ લાવવા એ ઑપઇન્ડિયા ગુજરાતીના કાર્યક્ષેત્રમાં સામેલ હતું તેમ આવનારા 2023નાં વર્ષમાં પણ એ સામેલ રહેશે એની ખાતરી હું આપું છું. ઑપઇન્ડિયા એ રાષ્ટ્ર પ્રથમનાં સૂત્રને અનુસરે છે અને આ સૂત્ર અનુસાર ભારતને અંદરથી કે બહારથી કોઇપણ રીતે નુકસાન કરનારાં તત્વોને ખુલ્લાં પાડવાનું કાર્ય અમે સતત કરતાં જ રહીશું અને તે પણ તથ્યો ને આધારે નહીં કે લોકવાયકાને આગળ વધારીને TRP વધારવાની ઈચ્છાથી.

  ફેક્ટચેક્સ અને મંતવ્યો ઉપરાંત હવે આવનારા 2023ના વર્ષમાં આપ અમારી સ્પેશીયલ કેટેગરીને પણ ધીરેધીરે લોકપ્રિય થતી જોશો, જેમાં આપ ગુજરાત તેમજ દેશની સંસ્કૃતિ તેમજ લોકલાગણીને અપીલ કરતી સ્ટોરીઝ વાંચી શકશો. આ કેટેગરીમાં કેટલાક મહત્વના ગ્રાઉન્ડ રીપોર્ટસ પણ સામેલ થશે જે મને અત્યારથી જ વિશ્વાસ છે કે તમને વાંચવા ગમશે.

  આશા છે કે 2022નાં મે મહિનામાં આપ સમક્ષ આવેલા ઑપઇન્ડિયા ગુજરાતીના આ સંસ્કરણને તમે જે રીતે વિશ્વાસથી વધાવી લીધું છે તે જ વિશ્વાસથી આપ આવનારા 2023નાં જ વર્ષમાં નહીં પરંતુ વર્ષોવર્ષ સુધી સમર્થન આપતાં રહેશો અને અમારાં રાષ્ટ્ર પ્રથમના વિચાર સાથે જોડાયેલાં રહેશો.

  આપના મંતવ્યો તેમજ સૂચનો જાણવા માટે અમે કાયમ તત્પર રહીશું. આ માટે આપ અમને અહીં ક્લિક કરીને અહીં આપેલાં ઈમેઈલ એડ્રેસ પર સંપર્ક કરી શકશો.

  આવનારું નવું વર્ષ આપ, આપના પરિવાર તેમજ મિત્રો માટે સુખદ અને સમૃદ્ધ રહે તેવી મહાદેવને પ્રાર્થના.

  આપનો વિશ્વાસુ,

  સિદ્ધાર્થ છાયા, એડિટર,

  સમગ્ર ઑપઇન્ડિયા ગુજરાતી ટીમ વતી

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં