Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાટણના નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા: હાથ-પગ બાંધીને પાઇપ વડે માર માર્યો, ગુપ્તાંગ...

    પાટણના નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા: હાથ-પગ બાંધીને પાઇપ વડે માર માર્યો, ગુપ્તાંગ પર ડામ આપ્યા; કુદરતી મોતમાં ખપાવીને અંતિમ સંસ્કાર પણ કરી દીધા, આરોપીઓની ધરપકડ

    માર માર્યા બાદ સતત બે કલાક સુધી હાર્દિક પીડાતો રહ્યો અને છેવટે બેભાન થઇ જવાની હાલતમાં જોઈને સંચાલક અને અન્ય ઈસમો તેને હોસ્પિટલ લઇ ગયા હતા.

    - Advertisement -

    પાટણ ખાતે એક નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે ગયેલા યુવકની હત્યા કરીને તેને કુદરતી મોતમાં ખપાવવાનો મામલો સામે આવ્યો છે. 20 દિવસ પહેલાં એક હાર્દિક સુથાર નામનો યુવાન દારૂની લત છોડાવવા માટે ગયો હતો પણ આ નશામુક્તિ કેન્દ્ર તેના માટે જીવનમુક્તિ કેન્દ્ર બની ગયું અને દારૂની જગ્યાએ તેનો જીવ જ છૂટી ગયો.

    મળતી માહિતી અનુસાર, પાટણ ખાતેના નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા યુવકની હત્યા પાછળ આ કેન્દ્રના જ સંચાલક અને તેના કેટલાક સાગરીતો હતા. આ તમામે હાર્દિકને ઢોર માર મારી તેનું ઢીમ ઢાળી દીધું અને તેના મોતને કુદરતી મોતમાં ખપાવી દીધું. પરંતુ પોલીસની તપાસમાં તેમનો ભાંડો ફૂટી ગયો અને તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા. હાલ તમામને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

    શું હતી આખી ઘટના?

    પાટણમાં છેલ્લા એક વર્ષથી શારદાર કોપ્લેક્સમાં જ્યોના નશા મુક્તિ કેન્દ્ર ચાલી રહ્યું હતું. મહેસાણા જિલ્લાના મોટી દાઉ ગામનો એક હાર્દિક સુથાર નામનો યુવાન અહીં દારૂ અને અન્ય કેફી દ્રવ્યોના વ્યસનથી ત્રાસીને છોડવા માટે અહીં છેલ્લા 6 મહિનાથી સારવાર લઇ રહ્યો હતો. જોકે, અહીં તેનું મન ન લાગતાં તે ઘરે જવાની જીદ કરતો હતો અને ઘરે જવા ન મળતાં છેવટે બાથરૂમમાં જઈ હાથની નસ ચપ્પુ મારી કાપી નાંખી હતી. જે બનાવની જાણ નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલને થતાં તેણે ઉશકેરાઈને પાઇપ લઇને હાર્દિકને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કેન્દ્રમાં રહેલ બીજા પાંચથી સાત વ્યક્તિઓએ હાર્દિકના હાથ-પગ દોરડા વડે બાંધીને ગડદા પાટુનો માર માર્યો હતો.

    - Advertisement -

    મૃતક હાર્દિકને ગુપ્તાંગ પર આપ્યા હતા ડામ

    આટલેથી ન અટકતાં લાઇટર વડે પ્લાસ્ટિક સળગાવી પ્લાસ્ટિકનું ગરમ થયેલું પ્રવાહી તેના ગુપ્તાંગ પર પાડી ડામ આપવામાં આવ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, તેઓ અન્ય દર્દીઓમાં દાખલો બેસાડવા માંગતા હતા કે તેઓ આવું કરશે તો તેમની હાલત પણ તેવી જ કરવામાં આવશે. માર માર્યા બાદ સતત બે કલાક સુધી હાર્દિક પીડાતો રહ્યો અને છેવટે બેભાન થઇ જવાની હાલતમાં જોઈને સંચાલક અને અન્ય ઈસમો તેને હોસ્પિટલ લઇ ગયા હતા.

    તમારા દીકરાનું બીપી લો થઈ ગયું છે

    હાર્દિકના મોતની જાણ થતાં જ સંચાલક સંદીપ પટેલે તેના મામાને ફોન કરીને જણાવ્યું હતું કે તેનું બીપી લૉ થઇ ગયું છે અને સારવાર માટે લઇ જવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા દિવસે તેનાં મોતની જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે હાર્દિકના પરિવારને બીપી લૉ હોવાના કારણે મૃત્યુ થયું છે તેમ કહીને વિશ્વાસમાં લઈને સંચાલકે અંતિમ વિધિ પણ કરી નાંખી હતી. 

    હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પાટણ પોલીસને શંકા જતા જ પોલીસે અંદરખાને તપાસ શરૂ કરી દીધી હતી. તેવામાં મુક્તિ કેન્દ્રના જ એક બાતમીદાર મારફતે સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા બે ઘડી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કોઈ રીતે નશા મુક્તિ કેન્દ્રમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને જોતાં તેમાં સંચાલક સંદીપ પટેલ સહિત પાંચથી લોકો પાઇપ વડે ઢોર માર મારતા જોવા મળ્યા હતા. જે અંગે મૃતક હાર્દિક પટેલના મામાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી 8 ઈસમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

    પરિવારની ફરિયાદ પર પાટણ પોલીસે નશા મુક્તિ કેન્દ્રના મુખ્ય સંચાલક સંદીપ પટેલ, જીતેન્દ્ર સાવલીયા, જયેશ ચૌધરી, કિરણ પટેલ, નીતિન ભૂતડીયા, મહેશ નાઈ, ગૌરવ રાંદેરી, જયનીશ તાડા, અને જયદીપ નામના આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં