Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોદી-જોશીએ લાલ ચોકમાં વાવ્યાં હતાં બીજ, 370 હટાવ્યા બાદ તેનું વૃક્ષ થયું...

    મોદી-જોશીએ લાલ ચોકમાં વાવ્યાં હતાં બીજ, 370 હટાવ્યા બાદ તેનું વૃક્ષ થયું અને હવે તેની ક્રેડીટ લેવા જતાં યોગેન્દ્ર યાદવે સેલ્ફ ગોલ કરી દીધો!

    અહીં યોગેન્દ્ર યાદવ કહેવા એમ માંગતા હતા કે ‘ખતરનાક’ મનાતી જગ્યા લાલ ચોક ઉપર તિરંગો ફરકાવીને ભારત જોડો યાત્રાએ પ્રેમ અને સદ્ભાવનો સંદેશ આપ્યો છે. પરંતુ જાણ્યે-અજાણ્યે તેમણે સેલ્ફ ગોલ કરી નાંખ્યો હતો. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે શ્રીનગરના લાલ ચોક ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. દરમ્યાન, ‘સ્વરાજ ઇન્ડિયા’ના સ્થાપક અને અનેક આંદોલનોમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને સોશિયલ મીડિયા પર ‘આંદોલનજીવી’ તરીકે પણ ઓળખાતા યોગેન્દ્ર યાદવ પણ ત્યાં હતા. તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. 

    આ વિડીયોમાં યોગેન્દ્ર યાદવ એ જણાવે છે કે કઈ રીતે એક સમયે લાલ ચોક પર તિરંગો ફરકાવવો અશક્ય હતો ત્યાં આજે લોકો ઉત્સવની જેમ ઉજવણી કરી રહ્યા છે અને કોઈ ડરનો માહોલ નથી અને વાતાવરણ એકદમ શાંત છે. 

    શ્રીનગરના બહુ પ્રખ્યાત સ્થળ લાલ ચોકના ઘંટાઘર પાસે ઉભા રહીને યોગેન્દ્ર યાદવ કહેતા જોવા મળે છે કે, “ભારતના બાકીના લોકોની નજરમાં આ જગ્યાને બહુ ખતરનાક માનવામાં આવે છે અને (એવું માનવામાં આવે છે કે) અહીં કોઈ આવીને તિરંગો ફરકાવી નથી શકતું…આવી બધી વાતો કહેવામાં આવે છે. પરંતુ આજે તમે જુઓ, આ લગભગ એક ઉત્સવ બની ગયો છે. તમામ લોકો તિરંગા લઈને ફરી રહ્યા છે…એક પ્રકારનો ઉત્સવ છે. સુરક્ષાકર્મીઓ છે, પણ કોઈને ડર નથી….કોઈને ડર નથી કે ઝંડો લઈને આવ્યો છું તો મને કોઈ ગોળી મારી દેશે. કશું જ નથી. સવારથી અમે ફરી રહ્યા છીએ, વગર સુરક્ષાએ ફરી રહ્યા છીએ. ક્યાંય કોઈ ડર નથી, કોઈ પ્રકારની સમસ્યા નથી.”

    - Advertisement -

    આ ક્લિપ એક વિડીયોનો ભાગ છે. સંપૂર્ણ વિડીયો ‘સ્વરાજ ઇન્ડિયા’ની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેનું ટાઇટલ છે- ‘લાલ ચોક પર તિરંગા લાઈ ભારત જોડો યાત્રા.’ વિડીયોમાં આગળ તેઓ ભારત જોડો યાત્રાનાં ભરપૂર વખાણ કરતા જોવા મળે છે. 

    અહીં યોગેન્દ્ર યાદવ કહેવા એમ માંગતા હતા કે ‘ખતરનાક’ મનાતી જગ્યા લાલ ચોક ઉપર તિરંગો ફરકાવીને ભારત જોડો યાત્રાએ પ્રેમ અને સદ્ભાવનો સંદેશ આપ્યો છે. પરંતુ જાણ્યે-અજાણ્યે તેમણે સેલ્ફ ગોલ કરી નાંખ્યો હતો. 

    લોકોએ તરત ધ્યાન દોર્યું કે શ્રીનગર સહિતના કાશ્મીરમાં આજે શાંતિપૂર્ણ માહોલ છે તો તેનું કારણ કલમ 370ની નાબૂદી છે અને જે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હેઠળ થઇ હતી. જેથી આડકતરી રીતે તો આ નરેન્દ્ર મોદી અને તેમની સરકારનું સમર્થન થયું. 

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આજે તો કલમ 370 દૂર થયા બાદ લાલ ચોક ઉપર રાહુલ ગાંધી તિરંગો ફરકાવી શકે છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે ખરેખર આ જગ્યાએ તિરંગો ફરકાવવો કઠિન હતો. એ સમય હતો 1991નો, જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો અને આતંકવાદીઓ તરફથી શ્રીનગરના લાલ ચોક પર ઝંડો ફરકાવવા માટે ધમકીઓ પણ મળી રહી હતી. 

    તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી એકતા યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રના વ્યવસ્થાપનનું કામ નરેન્દ્ર મોદીના હાથમાં હતું. તેમણે નિશ્ચય કર્યો હતો 26મી જાન્યુઆરીએ લાલ ચોક પર તિરંગો ફરકાવવાનો. 

    મુરલી મનોહર જોશીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “અમે ત્યાં (લાલ ચોક પર) 26 જાન્યુઆરીના દિવસે ઝંડો ફરકાવવા માંગતા હતા. લોકો પાસે ત્યાં તિરંગા પણ ન હતા. મેં લોકોને પૂછ્યું કે અહીં તિરંગો કેવી રીતે ફરકાવે છે તો તેમણે જણાવ્યું કે ત્યાં તિરંગો મળતો જ ન હતો. 15 ઓગસ્ટે પણ બજારમાં તિરંગા મળતા ન હતા.”

    ત્યારબાદ તેઓ એકતા યાત્રા લઈને લાલ ચોક ગયા અને તિરંગો ફરકાવવાની ઈચ્છા જાહેર કરી. પરંતુ સુરક્ષા કારણોસર તેમની સાથે આવેલા એક લાખ લોકોના સમૂહને ત્યાં સુધી જવા દેવામાં આવ્યો ન હતો અને લગભગ 20 લોકોને એક વિમાનમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી એક નરેન્દ્ર મોદી પણ હતા. 

    26 જાન્યુઆરી 1992ની સવારે મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી અને અન્ય કાર્યકર્તાઓ શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે પણ નજીકમાં આતંકીઓએ ગોળીબાર ચાલુ જ રાખ્યો હતો, પરંતુ તેઓ તિરંગો ફરકાવીને આવ્યા હતા. આ સમયની ઘણી તસ્વીરો પણ સોશિયલ મીડિયા અને મીડિયામાં ફરતી રહે છે. 

    જોકે, ત્યારપછી પણ ઘણાં વર્ષો સુધી લાલ ચોક પર તિરંગો ફરકાવવો જાણે અશક્ય બાબત હતી. આખરે 2019માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ફરી સરકાર બની અને ત્રણ મહિનાની અંદર તેમણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ કાશ્મીરના માહોલમાં મહદ અંશે ફેર પડ્યો. અને હવે તો દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્યાં સજાવટ થઇ હોવાની અને તિરંગો ફરકતો હોવાની તસ્વીરો પણ આવતી રહે છે. 

    અને હવે તો કાશ્મીર કેટલી હદે બદલાયું તેનું પ્રમાણપત્ર યોગેન્દ્ર યાદવ જેવા ‘મોદી વિરોધી’ ગણાતા નેતાઓ પાસેથી પણ મળી ગયું છે!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં