Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્લામિક જેહાદ સામે હવે ધર્મસંસદ નહીં કરે યતિ નરસિંહાનંદ: સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ...

    ઇસ્લામિક જેહાદ સામે હવે ધર્મસંસદ નહીં કરે યતિ નરસિંહાનંદ: સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લીધો, કહ્યું- બાકીનું જીવન સનાતનના પ્રચાર-પ્રસારમાં લગાવીશ 

    ડાસના મંદિર પર થયેલા હુમલા બાદ લાઇમલાઇટમાં આવેલા યતિ નરસિંહાનંદે જાહેરજીવનનો ત્યાગ કરીને માનવસેવામાં જ પોતાનું જીવન વ્યક્તિત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મહંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીએ ચોંકવનારો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઇ પોતાનું જીવન સંપૂર્ણપણે ધાર્મિક કાર્યોમાં સમર્પિત કરી દેશે તેમ જણાવ્યું છે. તદુપરાંત, તેમણે ઇસ્લામિક જેહાદ સામેની પોતાની લડાઈ અને ધર્મસંસદના આયોજનથી પણ પોતાને અલગ કરી દીધા છે.

    યતિ નરસિંહાનંદે આ વાતો ગુરુવારે (19 મે 2022) કહી હતી. જિતેન્દ્ર નારાયણ ત્યાગી (વસીમ રિઝવી) સામે કરાયેલી કાર્યવાહી માટે તેમણે પોતાને પણ જવાબદાર ઠેરવ્યા છે. એક વિડિયો જાહેર કરતાં યતિ નરસિમ્હાનંદે કહ્યું, “અમે બધા જિતેન્દ્ર નારાયણ ત્યાગીને જેલમાંથી મુક્ત થયા બાદ લેવા આવ્યા હતા. પણ તેઓ અમને મળ્યા વગર જ જતા રહ્યા. અમારો સાથ અહીં સુધી જ હતો. તેમની સાથેના સુખદ કે દુઃખદ અનુભવો માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર છું. તેમની કોઈ ભૂલ નથી. તેમણે હંમેશા સત્ય કહ્યું. મારી નબળાઈના કારણે તેમણે ચાર મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. હું તેમની માફી માંગુ છું.”

    સંન્યાસ અંગે ઘોષણા કરતા યતિ નરસિંહાનંદ ગિરીએ આગળ કહ્યું, “હું હિંદુ સમાજને કહેવા માંગુ છું કે મેં મારું જીવન ઇસ્લામિક જેહાદ સામે લડવામાં લગાવી દીધું હતું. પરંતુ હવે બાકીનું જીવન મારી મા અને મહાદેવના યજ્ઞ સાથે યોગેશ્વરની ગીતાના પ્રચાર-પ્રસારમાં લગાવવા માંગુ છું. અત્યાર સુધી કરેલી ભૂલો માટે હું માફી ચાહું છું. આજ પછી હું સાર્વજનિક જીવનમાં નહીં રહું. મારા જીવનનો આ નવો અધ્યાય હવે માત્ર એક ધાર્મિક વ્યક્તિ તરીકે શરૂ થાય છે.”

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યતિ નરસિંહાનંદે આ નિર્ણય હિંદુ સમાજની ઉદાસીનતાના કારણે લીધો છે. તેમણે કહ્યું, “વર્ષ 2012માં મેં દેવબંધના ઇસ્લામિક જેહાદ વિરુદ્ધ ધર્મ સંસદ શરૂ કરી હતી. પરંતુ આજે તે સમાપ્ત થઇ રહી છે. ધર્મસંસદમાં જેલ ગયેલા સાથીઓ માટેના સંઘર્ષમાં હિંદુ સમાજે અમારો સહકાર નહીં આપ્યો. હિંદુ સમાજના યોદ્ધાઓની દૂર્ગતિ થઇ રહી છે.”

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 થી 20 ડિસેમ્બર દરમિયાન હરિદ્વારમાં ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સંસદમાં ભડકાઉ નિવેદનનો આરોપ લગાવતા મુસ્લિમ પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ફરિયાદ બાદ યતિ નરસિંહાનંદ ગિરી અને જીતેન્દ્ર નારાયણ ત્યાગીની ધરપકડ થઇ હતી. ધર્મ સંસદનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.

    મહંત યતિ નરસિંહાનંદ ગિરી ડાસના દેવી મંદિરના પીઠાધીશ્વર છે. તેઓ અવારનવાર ચર્ચામાં પણ રહે છે. થોડા સમય પહેલાં તેમની હાજરીમાં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી હિંદુ બન્યા હતા અને યતિ નરસિંહાનંદે તેમને જીતેન્દ્ર નારાયણ ત્યાગી નામ આપ્યું હતું. આ ઉપરાંત, યતિ ઘણીવાર તેમના નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. જોકે, હવે તેમણે સાર્વજનિક જીવનમાંથી સંન્યાસની ઘોષણા કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં