Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયશવંત સિન્હાએ કરી ભેદી ટ્વિટ; મમતાને ધન્યવાદ આપી TMC છોડીને વધુ મોટી...

    યશવંત સિન્હાએ કરી ભેદી ટ્વિટ; મમતાને ધન્યવાદ આપી TMC છોડીને વધુ મોટી જવાબદારી લેવાની વાત કરી!

    આજે સવારે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હાએ એક ભેદી ટ્વિટ કરીને પોતાને વધુ મોટી જવાબદારી માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું જેથી અનેક અટકળો શરુ થઇ ગઈ છે.

    - Advertisement -

    તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા (Yashwant Sinha) દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટથી નવી જ ચર્ચા શરૂ થઇ ગઈ છે. આજે સવારે યશવંત સિન્હાએ એક ટ્વિટ કરીને કહ્યું કે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા માટે તૈયાર છે અને તેમણે મમતા બેનર્જીનો આભાર પણ માન્યો હતો. યશવંત સિન્હાના ટ્વિટ બાદ રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષ તરફથી ઉમેદવાર તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે તેવી ચર્ચા શરૂ થઇ છે. 

    યશવંત સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે, ટીએમસીમાં (TMC) મને જે માન-સન્માન મળ્યું તે માટે હું મમતાજીનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે મારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પાર્ટીથી બાજુ પર રહી વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે પાર્ટી મારા આ નિર્ણયને સ્વીકારશે.

    યશવંત સિન્હા પોતાના ટ્વિટ થકી ચોક્કસ શું કહેવા માંગે છે તે સમજી શકાય તેમ નથી પરંતુ તેમના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઈ છે કે તેઓ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના (President Election 2022) ઉમેદવાર બની શકે છે અને તે સંદર્ભે જ તેમણે આ ટ્વિટ કરીને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીનો આભાર માન્યો છે.

    - Advertisement -

    યશવંત સિન્હાના ટ્વિટ બાદ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે તેમણે જ જાતે જ પોતાની જાતને રાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર જાહેર કરવા માટે ટીએમસી છોડ્યું છે. બીજી તરફ, કેટલાક યુઝરે તો એમ પણ કહ્યું કે તેઓ સોસાયટીની ચૂંટણી જીતી શકે તેમ નથી તો રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે લડશે?

    વળી કેટલાક યુઝરોએ મમતા બેનર્જીએ તેમને કાઢી મૂક્યા છે કે કેમ તેમ પણ પૂછ્યું હતું. 

    બીજી તરફ, જાણવા મળી રહ્યું છે કે સિન્હા આજે દિલ્હીમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં પણ ભાગ લેશે. આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષોની બેઠક મળી રહી છે. તેમાં યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આ મામલે યશવંત સિન્હા સાથે ચર્ચા કરી હતી, જે બાદ તેમણે સહમતિ દર્શાવી હતી. 

    યશવંત સિન્હા અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતા. જ્યાંથી 2018માં રાજીનામું આપ્યા બાદ તેઓ ગત વર્ષે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 

    રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર થયા બાદથી જ એક તરફ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી છે તો બીજી તરફ વિપક્ષો પણ સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટેની કવાયદ હાથ ધરી રહ્યા છે. સૌપ્રથમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવારના નામ માટે ચર્ચા થઇ હતી પરંતુ શરદ પવારે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. 

    જે બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના નામ અંગે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પણ ઇનકાર કરી દીધો હતો. જે બાદ પશ્ચિમ બંગાળના પૂર્ણ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના નામની પણ ચર્ચા ચાલી હતી પરંતુ તેમણે પણ રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવાનો ઈનકાર કરી દીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં