Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'PM મોદી જેવા 'રાજર્ષિ' પ્રાપ્ત થયા એ આપણું સૌભાગ્ય': રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા...

    ‘PM મોદી જેવા ‘રાજર્ષિ’ પ્રાપ્ત થયા એ આપણું સૌભાગ્ય’: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ ગદ્ગદ થયા સ્વામી ગોવિંદ દેવગિરિ, કહ્યું- આવા તપસ્વી નેતા મળવા સામાન્ય બાબત નહીં

    નિર્મોહી અખાડાના સંત સ્વામી ગોવિંદ ગિરિ મહારાજે સંબોધન દરમિયાન કહ્યું કે, રામલલાની પ્રતિષ્ઠાથી વિશ્વ આલોકિક થવાનો પર્વ શરૂ થયો છે. આ માત્ર એક મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠાનો પર્વ નથી, આ એક દેશની અસ્મિતા, આ દેશનું સ્વાભિમાન અને આ દેશના આત્મવિશ્વાસની પ્રતિષ્ઠાનો પર્વ છે.

    - Advertisement -

    અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ છે. 500 વર્ષોના સંઘર્ષ બાદ કરોડો રામભક્તોએ 22 જાન્યુઆરીના દિવસને ઉત્સાહ અને ભક્તિ સાથે ભરી દીધો છે. એક તરફ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો અને બીજી તરફ દેશના તમામ ભાગોમાં તેની ઉજવણી થઈ રહી હતી. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ રામ મંદિર પરિસરમાં એક સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. RSS પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. જે બાદ નિર્મોહી અખાડાના સંત ગોવિંદ દેવ ગિરિએ પણ પ્રાણપ્રતિષ્ઠા બાદ સંબોધન કર્યું હતું. તેમણે ભાવુક થઈને રામ મંદિર સંઘર્ષ વિશે વાત કરી હતી. સાથે તેમણે PM મોદીને રાજર્ષિની ઉપાધિ પણ આપી છે. તેમણે કહ્યું કે, દેશ અને વિશ્વનું સૌભાગ્ય છે કે PM મોદી જેવા રાજર્ષિ પ્રાપ્ત થયા. તેમણે વડાપ્રધાન મોદીની તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી હતી.

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો છે. અનુષ્ઠાન વિધિ પૂર્ણ થયા બાદ નિર્મોહી અખાડાના સંત ગોવિંદ દેવ ગિરિએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું તપ છત્રપતિ શિવાજી મહારાજ જેવુ છે. તેમણે PM મોદીને રાજર્ષિ કહીને પણ સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે, વિશ્વનું સૌભાગ્ય છે કે, તેને PM મોદી જેવા રાજર્ષિ પ્રાપ્ત થયા. વર્ષો અને સદીઓ બાદ કોઈ એક એવો રાજર્ષિ આવે છે, જેનામાં રાજા અને તપસ્વી બંનેના ગુણ હોય છે. તેનાથી દેશ અને દુનિયા પણ ધન્ય અનુભવે છે. આ ઉપરાંત ગોવિંદ દેવ ગિરિએ PM મોદીની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.

    ‘વિશ્વનું સૌભાગ્ય છે કે PM મોદી જેવા રાજર્ષિ પ્રાપ્ત થયા’

    નિર્મોહી અખાડાના સંત સ્વામી ગોવિંદ ગિરિ મહારાજે સંબોધન દરમિયાન કહ્યું કે, રામલલાની પ્રતિષ્ઠાથી વિશ્વ અલૌકિક થવાનો પર્વ શરૂ થયો છે. આ માત્ર એક મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠાનો પર્વ નથી, આ એક દેશની અસ્મિતા, આ દેશનું સ્વાભિમાન અને આ દેશના આત્મવિશ્વાસની પ્રતિષ્ઠાનો પર્વ છે. 500 વર્ષોની પ્રતિક્ષા બાદ રામલલાની પ્રતિષ્ઠા થઈ શકી છે.” તેમણે PM મોદીને અનુલક્ષીને કહ્યું કે, “આ પ્રકારના કાર્યો માટે દરેક કાળખંડમાં એક મહાન વિભૂતિનું આગમન થાય છે. તેવા લોકો પોતાના જીવનની સાધના કરીને દેશને દિશા આપે છે.”

    - Advertisement -

    સ્વામી ગોવિંદ ગિરિએ કહ્યું કે, “આ જ રીતે કોઈ મહાપુરુષ આપણને ઉપલબ્ધ થાય છે અને તે વિભૂતિને કારણે યુગ પરિવર્તન થાય છે. યુગ પરિવર્તનની લાજ રાખવા માટે વડાપ્રધાન મોદીએ મોટી ભૂમિકા નિભાવી છે. આ દેશ નહીં પણ વિશ્વનું સૌભાગ્ય છે કે જેને PM મોદી જેવા એક રાજર્ષિ પ્રાપ્ત થયા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “20 દિવસ પહેલાં અમને જાણકારી આપવામાં આવી કે, પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવા માટે PM મોદી આવશે. તેના માટે સ્વયંને સિદ્ધ કરવા માટેની વાત PM મોદીએ પોતે કરી હતી. અમારી પાસે અનુષ્ઠાનમાં સામેલ થવા માટેની નિયમાવલીની માંગ તેમણે પોતે કરી. આ અમારા માટે આશ્ચર્યની વાત હતી.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આજે મને આપને જણાવતા સમયે અંતઃકરણ ગદગદ થતું હોવાની અનુભૂતિ થઈ રહી છે. અમે લોકોએ મહાપુરુષો સાથે પરામર્શ કરીને વડાપ્રધાનને લખ્યું હતું કે, તમારે માત્ર ત્રણ દિવસનો ઉપવાસ કરવાનો છે, તેમણે 11 દિવસનો સંપૂર્ણ ઉપવાસ કર્યો. અમે 11 દિવસ એકટાણું કરવા માટે કહ્યું હતું, તેમણે તો અન્ન-જળનો જ ત્યાગ કરી દીધો. આવા તપસ્વી રાષ્ટ્રીય નેતા પ્રાપ્ત થવા એ કોઈ સામાન્ય વાત નથી.”

    તેમણે ઉમેર્યું કે, “અમે વડાપ્રધાનને કહ્યું હતું કે, તમારે આ સમયમાં વિદેશ પ્રવાસ ના કરવા જોઈએ. પરંતુ તેમણે દિવ્ય દેશોનો પ્રવાસ કર્યો, નાસિકથી પ્રારંભ કર્યો, ગુરુવાયુર ગયા, શ્રીરંગમ ગયા, રામેશ્વરમ ગયા. આ બધી જગ્યાઓ પર જઈને તેઓ જાણે દિવ્ય આત્માઓએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ આપી રહ્યા હોય. અમે તેમને કહ્યું હતું કે, તમારે માત્ર ત્રણ દિવસ સુધી ભૂમિશયન કરવાનું રહેશે. 11 દિવસથી તેઓ ભૂમિશયન કરી રહ્યા છે.”

    સ્વામી ગોવિંદ દેવ ગિરિએ આગળ કહ્યું કે, “મને આ પરંપરાને જોઈને માત્ર એક રાજા યાદ આવે છે, જેનામાં આ બધું હતું અને તે રાજાનું નામ- છત્રપતિ શિવાજી મહારાજ. તેઓ સ્વયં જ્યારે મલ્લિકાર્જુનના દર્શન માટે ગયા ત્યારે 3 દિવસ મંદિરમાં રહ્યા ત્યારે મહારાજે કહ્યું કે, મારે રાજ નથી કરવું, મારે સન્યાસ લેવો છે. હું શિવજીની આરાધના માટે જનમ્યો છું. ત્યારબાદ તેમના જયેષ્ઠ મંત્રીઓએ તેમને સમજાવ્યા કે આ તમારું કાર્ય પણ ભગવત સેવા જ છે. એ જ રીતે, આજે આપણને એ જ પ્રકારના મહાપુરુષ પ્રાપ્ત થયા છે, જેને ભગવતી જગદંબાએ સ્વયં હિમાલયથી મોકલ્યા કે જાઓ ભારત માતાની સેવા કરો.”

    સંબોધન બાદ સૌ સંતો-મહંતોના આશીર્વાદ સાથે મહંત ગોવિંદ દેવગિરીએ ચરણામૃત આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 દિવસના ઉપવાસ સમાપ્ત કરાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં