Friday, May 3, 2024
More
    હોમપેજદેશ‘ઐતિહાસિક સમિટ, ભારતના નેતૃત્વમાં એક થયા G-20 દેશો’: વિશ્વભરના નેતાઓએ એકસૂરે કરી...

    ‘ઐતિહાસિક સમિટ, ભારતના નેતૃત્વમાં એક થયા G-20 દેશો’: વિશ્વભરના નેતાઓએ એકસૂરે કરી ભારતની પ્રશંસા, કહ્યું- ઘોષણાપત્ર પર સહમતી એક અર્થપૂર્ણ ઉપલબ્ધિ

    તૂર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગાન હોય કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, ભારતના મિત્રરાષ્ટ્ર હોય કે અન્ય, સૌએ એકસૂરે કહ્યું- ભારતની અધ્યક્ષતાથી ઘણું પ્રાપ્ત થયું, વિશ્વને માર્ગદર્શન મળ્યું.

    - Advertisement -

    ભારતના વડપણ હેઠળ યોજાયેલી ઐતહાસિક G-20 સમિટ આખરે સમાપ્ત થઈ અને વિશ્વભરમાં ભારતે પોતાના નામનો ડંકો વગાડી દીધો. અગાઉનાં અનેક સંમેલનો કરતાં આ સંમેલનમાં સૌથી વધુ કામ થયું અને સૌ વિશ્વનેતાઓએ એકસૂરે ભારતના એજન્ડાને સમર્થન આપ્યું. સમિટના આ સફળ આયોજન બદલ વિશ્વભરમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આજે સમાપન બાદ અનેક નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતના નેતૃત્વનાં વખાણ કર્યાં હતાં. 

    ‘ભારતના નેતૃત્વમાં ઇતિહાસમાં પહેલી વખત એક થયા દેશો’

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમુક કારણોસર આ બેઠકમાં આવી શક્યા ન હતા, તેમના સ્થાને ત્યાંના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ ભાગ લીધો હતો. સમિટ સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ શિખર સંમેલનને એક માઈલસ્ટોન ગણાવ્યું અને કહ્યું કે, તેનાથી વિશ્વને આગળ વધવા માટે એક યોગ્ય માર્ગદર્શન મળશે. આગળ તેમણે કહ્યું કે, વધુ એક મહત્વપૂર્ણ બાબત વિશે હું ઉલ્લેખ કરવા માંગીશ, એ છે ભારતીય અધ્યક્ષતાની સક્રિય ભૂમિકા, જેના કારણે આજે ઇતિહાસમાં પ્રથમ વખત તમામ દેશો એક થઈ શક્યા. તેમણે ઉમેર્યું કે, “પોતાનાં હિતો અને અધિકારોના રક્ષણ માટે ગ્લોબલ સાઉથ દેશોએ જે વલણ અપનાવ્યું, તેના કારણે પશ્ચિમી દેશો તેમનો યુક્રેનનો એજન્ડા ન ચલાવી શક્યા.”

    ‘વડાપ્રધાન મોદીનો આભાર, ભારતે એકતા અને શાંતિનો સંદેશ પહોંચાડ્યો’

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં પણ આ સમિટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેમણે ભારત સાથેના સંબંધો અને આ સમિટને લઈને કહ્યું કે, “હું વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરું છું. પોતાના સિદ્ધાંતો પ્રત્યે વફાદાર ભારતે G-20 અધ્યક્ષતા મારફતે વિશ્વભરમાં એકતા અને શાંતિનો સંદેશ આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

    - Advertisement -

    ફ્રાંસના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી છે…(ખાસ કરીને) સંરક્ષણ ક્ષેત્રે એક મજબૂત ભાગીદારી રહી છે અને છેલ્લાં 2 વર્ષમાં અમે તેને સતત મજબૂત કરતા ગયા છીએ. તમારા વડાપ્રધાનની ફ્રાન્સ યાત્રા અત્યંત મહત્વપૂર્ણ રહી હતી અને ફ્રાન્સના લોકોને અત્યંત ગર્વ થયો અને તેમણે ભારત પ્રત્યે એક મિત્રતા અને સન્માનનો ભાવ અનુભવ્યો. આવનારાં વર્ષોમાં અમે રક્ષા ક્ષેત્રે વધુ કામ કરીશું અને ડિફેન્સ રોડમેપ પર વધુ કામ ચાલુ રાખીશું.” 

    ‘લીડર્સ ડેક્લેરેશન પર સહમતી એક અર્થપૂર્ણ ઉપલબ્ધિ’

    જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ G20 સમિટને લઈને કહ્યું કે, “ભારતના નેતૃત્વ હેઠળ G20 લીડર્સ ડેક્લેરેશન પર સૌની સહમતી બની શકી, જે ખરેખર એક અર્થપૂર્ણ ઉપલબ્ધિ છે. જાપાન G7નાં પરિણામોને G20 સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે અને G7 અને G20માંથી જે પરિણામો નીકળીને આવ્યાં છે તેની ઉપર કાર્ય કરવા માટે અન્ય નેતાઓ સાથે કામ કરવા માટે તત્પર છીએ.” 

    ‘આતિથ્ય માટે ભારતનો આભાર’

    તૂર્કીના રાષ્ટપતિ રેસેપ તૈયપે G20ની સફળ અને દિવ્ય અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન પાઠવ્યા, એ સિવાય તેમણે વડાપ્રધાન મોદીનો પણ આવા શાનદાર આતિથ્ય માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ વર્ષે અમારી થીમ હતી- એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય. સમિટના પહેલા જ સત્ર દરમિયાન અમે વિશ્વ સામે રહેલા પર્યાવરણીય પડકારો વિશે વાત કરી. જૈવવિવિધતા, ક્લાઈમેટ ચેન્જ અને વધતું પ્રદૂષણ એ ત્રણ મોટા પડકારો છે, જેની ઉપર હવે વધુ ગંભીરતાથી કામ કરી શકાશે. 

    તેમણે ઉમેર્યું કે, દક્ષિણ એશિયામાં ભારત અમારું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે અને આર્થિક ક્ષેત્ર સહિતનાં ક્ષેત્રોમાં અનેક તકો છે, જેની ઉપર સાથે મળીને કામ કરીશું.

    બે દિવસીય G-20 શિખર સંમેલન રવિવારે (10 સેટમ્બર, 2023) સમાપ્ત થયું હતું. પીએમ મોદીએ વિશ્વ શાંતિ અને કલ્યાણના સંકલ્પ સાથે તેને સમાપ્ત કરવાની ઘોષણા કરી હતી અને અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી હતી. હવે આગામી વર્ષે બ્રાઝિલમાં આ સમિટ યોજાશે. 

    સમિટમાં G-20ના સભ્યદેશો તેમજ આમંત્રિત દેશોના વડા હાજર રહ્યા હતા. આ ઉપરાંત, જુદાં-જુદાં વૈશ્વિક સંગઠનોના વડાઓએ પણ ભાગ લીધો હતો. સમિટના સફળ આયોજન સાથે ભારતે વિશ્વના માનચિત્ર પર એક નવું સ્થાન બનાવ્યું છે, જેનાં સુખદ પરિણામો આવનારાં વર્ષોમાં જોવા મળશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં