Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરફાન પઠાણ હવે રાજકારણની પીચ પર રમશે? ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા

    ઈરફાન પઠાણ હવે રાજકારણની પીચ પર રમશે? ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા

    એક ટ્વિટથી નેટીઝન્સમાં એવી અટકળો ફેલાઈ છે કે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ રાજકારણમાં પ્રવેશી શકે છે.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ હાલના દિવસોમાં ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં ઈરફાન પઠાણે કરેલું એક ટ્વીટ ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. જે બાદ ગઈકાલે પણ એ જ મુદ્દાને લાગતું વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ક્રિકેટ કે અન્ય બાબતો અંગે ટ્વીટ કરતા ઈરફાન પઠાણે અચાનક રાજકીય વિષયો પર બોલવા-લખવાનું શરૂ કેમ કરી દીધું તે હાલ નેટીઝન્સમાં ચર્ચાનો વિષય છે.

    22 એપ્રિલના રોજ ઈરફાન પઠાણે ટ્વીટ કરતાં કહ્યું હતું, ‘મારા અદ્ભૂત દેશ પાસે દુનિયાનો સૌથી મહાન દેશ બનવાની ક્ષમતા છે. પરંતુ…’ જે બાદ ઈરફાને વાક્ય અધૂરું છોડી દીધું હતું. જોકે, ઈરફાન પઠાણે ચોક્કસ કયા વિષયને લઈને આ ટ્વીટ કર્યું તે આશય સ્પષ્ટ કર્યો ન હતો પરંતુ દેશની વર્તમાન પરિસ્થિતિઓને આધારે ઇન્ટરનેટ યુઝરોએ તાળો મેળવી લીધો હતો અને જે બાદ ટ્વીટ મામલે ઘણી ચર્ચા પણ થઇ હતી.

    ઈરફાન પઠાણના આ ટ્વીટ બાદ અન્ય ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ પણ એ જ અંદાજમાં ટ્વીટ કર્યું હતું. જોકે, તેમણે ઈરફાન કે અન્ય કોઈ પણ વ્યક્તિનું નામ લખ્યું ન હતું. અમિત મિશ્રાએ લખ્યું, ‘જો કેટલાક લોકો સ્વીકારી લે કે બંધારણ જ એકમાત્ર અનુસરવા જેવું પુસ્તક છે તો મારા અદભૂત દેશ પાસે દુનિયાનો મહાન દેશ બનવાની ક્ષમતા છે.’ અમિત મિશ્રાએ ટ્વીટમાં ક્યાંય નામ લખ્યું ન હતું પરંતુ ઈશારો ઈરફાન પઠાણના ટ્વીટ તરફ હોવાથી આ ટ્વીટની પણ ખૂબ ચર્ચા થઇ હતી.

    - Advertisement -

    આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો સક્રિય થઇ ગયા છે તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ શરૂ થઇ છે. પાર્ટીના નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે તો કેટલાક સામાજિક સંસ્થાઓ કે કળા જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પણ ચૂંટણી અગાઉ રાજકારણમાં ડગ માંડવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ઈરફાન પઠાણે પણ ચૂંટણીના થોડા સમય પહેલાં અચાનક રાજકીય મુદ્દાઓને લઈને ટ્વીટ કરતાં ઇન્ટરનેટ યુઝરોમાં ચર્ચા શરૂ થઇ ગઈ છે કે શું ઈરફાન પઠાણ પણ આવનાર સમયમાં રાજકારણમાં જોડાશે?

    ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક ક્રિકેટરો નિવૃત્તિ બાદ રાજકારણમાં પ્રવેશીને સાંસદ કે ધારાસભ્ય પણ બન્યા છે. તાજેતરમાં જ પંજાબના ક્રિકેટર હરભજનસિંઘને આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ તરીકે નામાંકિત કર્યા હતા અને તેઓ જીત્યા પણ હતા. જે બાદ હવે ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણના રાજકારણમાં પ્રવેશવા અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.

    @venkybengaluru નામના એક યુઝરે ઈરફાનના ટ્વીટને ટાંકીને કહ્યું, ‘આ ટ્વીટ સંકેત આપી રહ્યું છે કે ઈરફાન પઠાણ રાજકારણમાં જોડાઈ રહ્યો છે. મને લાગે છે કે તે ‘આપ’માં જોડાશે. તમને શું લાગે છે? અન્ય એક યુઝર લખે છે, મને શા માટે એવું લાગી રહ્યું છે કે ઈરફાન પઠાણ ગુજરાત ચૂંટણી પહેલાં ‘આપ’માં જોડાઈ શકે છે? પ્રશાંત સંજય નામના યુઝર લખે છે, ‘શું ઈરફાન પઠાણ ચૂંટણી લડવાના છે? તેમના ટ્વીટ પરથી તો એવું જ લાગે છે.

    વિવેક સિંઘ નામના યુઝરે ટ્વીટ કરીને પ્રશ્ન કર્યો છે કે, શું ઈરફાન પઠાણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે?

    જોકે, અહીં એ પણ નોંધવું જોઈએ કે રાજકારણમાં જોડાવા અંગે કે ન જોડાવા અંગે ઈરફાન પઠાણ તરફથી હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી કે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    અગાઉ પણ ઈરફાન પઠાણ વિવાદમાં આવ્યો હતો

    આ પહેલાં પણ ઈરફાન પઠાણ વિવાદોમાં ફસાયો હતો. વર્ષ 2021 માં વાઈરલ થયેલા એક વિડીયોમાં ઈરફાન વિરુદ્ધ લગ્નેતર સબંધોનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં યુવતીના સસરાએ તેની વિરુદ્ધ ઈરફાન પઠાણ સાથે લગ્નેતર સબંધોનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ યુવતી ઈરફાન પઠાણની પિતરાઈ બહેન છે. તેના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની અને ઈરફાન વચ્ચે ઘણા સમયથી સબંધો હતા અને લગ્ન પછી પણ ચાલુ જ રહ્યા હતા. તેઓ વિડીયો કોલિંગ દ્વારા વાત કરતા હોવાનું અને ડેટ પર જતા હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, જ્યારે આ વિગતો બહાર આવી તો યુવતીએ તેમની વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરી દીધો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં