Monday, April 29, 2024
More
    હોમપેજદેશઆસામમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધનો મુદ્દો ફરી ઉછળ્યો: સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું-...

    આસામમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધનો મુદ્દો ફરી ઉછળ્યો: સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીશું

    “યુસીસી પર નિર્ણય બાકી છે, અમે યુસીસીના એક ભાગને હટાવવા માંગીએ છીએ જે છે બહુપત્નીત્વ. તેથી, આસામમાં અમે બહુપત્નીત્વ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માંગીએ છીએ."

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ફરી એકવાર બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો ઉછાળ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર ટૂંક સમયમાં આ માટે વિધાનસભામાં બિલ લાવશે. આ માટે રચવામાં આવેલી નિષ્ણાંતોની સમિતિ ડ્રાફ્ટ સબમિટ કરે ત્યારબાદ તેને ગૃહમાં રજૂ કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા આસામના સીએમે કહ્યું, “જો નિષ્ણાંત સમિતિ આગામી વિધાનસભા સત્ર પહેલાં રિપોર્ટ આપી દે તો અમે સપ્ટેમ્બરમાં આગામી વિધાનસભા સત્રમાં તેને રજૂ કરવા માંગીએ છીએ. જો કોઈ કારણોસર તેમ ન થઇ શકે તો અમે જાન્યુઆરીના વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરીશું.”

    જ્યારે પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડના રાજકીય વિરોધ વિશે હિમંત બિસ્વા શર્માને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, UCC એ એક મોટો વિષય છે અને બહુપત્નીત્વ તેનો એક ભાગ છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય સ્તરે UCC પર કામ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય બહુપત્નીત્વ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માંગે છે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડને લગતા વિરોધ પક્ષોના વાંધાઓ અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે, “યુસીસી એ એક એવી બાબત છે કે જેનો નિર્ણય સંસદ દ્વારા લેવામાં આવશે અને અલબત્ત, રાજ્ય પણ રાષ્ટ્રપતિની સંમતિથી નિર્ણય લઈ શકે છે. તેથી યુસીસીમાં વિવિધ મુદ્દાઓ સામેલ છે. કાયદા પંચ તેના પર નજર રાખી રહ્યું છે. સંસદીય સમિતિ તેને જોઈ રહી છે અને આસામ સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે અમે યુસીસીના સમર્થનમાં છીએ.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, “યુસીસી પર નિર્ણય બાકી છે, અમે યુસીસીના એક ભાગને હટાવવા માંગીએ છીએ જે છે બહુપત્નીત્વ. તેથી, આસામમાં અમે બહુપત્નીત્વ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માંગીએ છીએ.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, જ્યારે આ બહુપત્નીત્વની પરંપરા પર પ્રતિબંધ લગાવવા માટેની કાયદાકીય બાબતો પર અભ્યાસ કરવા માટે આસામ સરકારે મે મહિનામાં એક પેનલની રચના કરી હતી. ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ રૂમી ફુકન ચાર સભ્યોની પેનલના અધ્યક્ષ છે. અન્ય સભ્યોમાં ગુવાહાટી હાઈકોર્ટના એટર્ની નેકીબુર ઝમાન, આસામના એડિશનલ એડવોકેટ જનરલ નલિન કોહલી અને આસામ એડવોકેટ જનરલ દેબજીત સૈકિયા સામેલ છે.

    નિષ્ણાંત સમિતિને મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) અધિનિયમ, 1937ની જોગવાઈઓ તેમજ યુનિફોર્મ સિવિલ કોડના નિર્દેશક સિદ્ધાંતો સબંધિત આર્ટિકલ 25 સબંધિત તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું હતું કે, સમિતિ યોગ્ય નિર્ણય પર પહોંચવા માટે કાયદાકીય નિષ્ણાતો સહિત તમામ હિતધારકો સાથે એક વિસ્તૃત ચર્ચા કરીને ડ્રાફ્ટ તૈયાર કરશે.

    11 જુલાઈના રોજ આસામ સીએમે ભારપૂર્વક જણાવ્યું હતું ક, મુસ્લિમ મહિલાઓના લાભ માટે બહુપત્નીત્વનો અંત લાવવાની જરૂર છે. તેના પર પ્રતિબંધ લાગવાથી મહિલાઓને ઘણો ફાયદો થશે કારણ કે તે તેમને સમાન મિલકત અધિકાર આપશે. તેમણે કહ્યું કે, “યુસીસીનો અર્થ એ છે કે બહુપત્નીત્વ બંધ થવું જોઈએ અને મહિલાઓને મિલકતમાં સમાન અધિકાર મળવો જોઈએ. મુસ્લિમ મહિલાઓના ઉત્થાન માટે બહુપત્નીત્વ સમાપ્ત કરવું જરૂરી છે. આ ઉપરાંત યુસીસી આ મહિલાઓને પુરૂષોની જેમ જ સમાન હક અપાવશે.”

    ઉલ્લેખનીય છે કે, હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, નવો કાયદો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકશે. જ્યારે મુસ્લિમ પુરૂષોને ચાર સ્ત્રીઓ સુધી નિકાહ કરવાની છૂટ છે તે અન્ય ધર્મો માટે માન્ય જ નથી અને કેટલાક બિન-મુસ્લિમ પુરુષો ઔપચારિક લગ્ન વિના સ્ત્રીઓને રાખીને આમાં છેતરપિંડી કરે છે. સીએમે કહ્યું કે ઘણા પુરુષો લગ્ન વિના પત્નીઓ રાખે છે અને આ વાત બહુપત્નીત્વ કરતાં પણ ખરાબ છે. તેને હકીકતમાં બહુપત્નીત્વ ગણાવતા તેમણે કહ્યું હતું કે સરકાર ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે બહુપત્નીત્વ સમાપ્ત કરવા માંગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં