Thursday, May 23, 2024
More
  હોમપેજદેશવાત એ રાષ્ટ્રભક્ત ત્રિપુટીની, જેણે અંગ્રેજ અધિકારી 'પંડિત જેક્સન'ને ઠાર કરીને વહોરી...

  વાત એ રાષ્ટ્રભક્ત ત્રિપુટીની, જેણે અંગ્રેજ અધિકારી ‘પંડિત જેક્સન’ને ઠાર કરીને વહોરી લીધી હતી ફાંસી: એ કેસ વિશે જાણો, જેણે સાવરકર ભાઈઓને પહોંચાડ્યા હતા કાળાપાણી સુધી

  ત્રણ ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસન વિરુદ્ધ યુદ્ધને અંજામ આપ્યો હતો. તેમણે જેક્સનની હત્યા કરી નાખી હતી. તેમણે સનાતનને બચાવવા માટે પણ આ પગલું ભર્યું હતું. કારણ કે, તે સમયે જેક્સન મોટી સંખ્યામાં નાસિકમાં ધર્માંતરણ કરાવી રહ્યો હતો. તેનો કોઈ વિરોધ પણ કરતું નહોતું.

  - Advertisement -

  તારીખ: 21 ડિસેમ્બર 1909, સ્થળ: વિજયાનંદ થિયેટર, નાસિક. સાંજનો સમય અને સંગીત શારદા મંડળી દ્વારા નાટકનું આયોજન. આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, નાસિકના કલેકટર અર્થર મેસન ટિપ્પેટ્સ જેક્સન (એ.એમ.ટી. જેક્સન)ને વિદાય આપવા માટે. આ નાટકના મંચન દરમિયાન અનંત લક્ષ્મણ કન્હેરે નાસિકના અંગ્રેજ કલેક્ટર એ.એમ.ટી. જેક્સનની છાતીમાં 4 ગોળીઓ ધરબી હત્યા કરી હતી. અનંત લક્ષ્મણ કન્હેરેની સાથે, કૃષ્ણાજી ગોપાલ કર્વે અને વિનાયક નારાયણ દેશપાંડે પણ બેકઅપ તરીકે હતા. જો અનંત કલેકટરની હત્યા ન કરી શક્યા હોત તો કૃષ્ણાજી ગોપાલ કર્વેએ આ કામ કર્યું હોત અને જો તેઓ પણ ચૂકી ગયા હોત તો વિનાયક નારાયણ દેશપાંડેએ કરી નાખ્યું હોત. જોકે અનંત લક્ષ્મણ કન્હેરે ચૂક્યા નહોતા.

  આ વાતનો ઉલ્લેખ હવે શા માટે?

  અનંત લક્ષ્મણ કન્હેરે, કૃષ્ણાજી ગોપાલ કર્વે અને વિનાયક નારાયણ દેશપાંડેને ગઇકાલની તારીખે એટલે કે 19 એપ્રિલ 1910ના રોજ ફાંસી આપવામાં આવી હતી. તે સમયે આ ત્રણેય ક્રાંતિકારીઓની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હતી. આ ત્રણને કેટલા લોકો ઓળખે છે? કેટલાક મહારાષ્ટ્રના લોકો અનંત લક્ષ્મણ કન્હેરે વિશે જાણે છે, પણ આખા ભારતમાં કેટલા પાસે જાણકારી છે? તેથી જ ઉપરોક્ત માહિતી આપવામાં આવી છે. ગઇકાલે (19 એપ્રિલ) ત્રણેય હુતાત્માઓનો બલિદાન દિવસ હતો. આ ત્રણેય હુતાત્માઓના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાને બદલે જેલમાં જ સળગાવી દેવાયા હતા અને તેમની અસ્થિઓને પોલીસ સ્ટેશન પાસેના દરિયામાં ફેંકી દેવામાં આવી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કે, વિદ્રોહની જ્વાળા ભડકવાની જગ્યાએ વિદ્રોહીઓના મનમાં અગ્રેજી હૂકુમતનો ડર કાયમ રહે.

  આ સમગ્ર મામલો નાસિક ષડયંત્ર કેસ તરીકે ઓળખાય છે. આ કેસમાં અભિનવ ભારત સોસાયટીના કુલ 27 સભ્યોને સજા સંભળાવવામાં આવી હતી, જેમાં ઘણા લોકોને કાળાપાણી સજા પણ આપવામાં આવી હતી. આ કેસને આધાર બનાવીને જ વીર સાવરકરને કાળાપાણીની સજા માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બનેલી સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ જ કેસમાં વીર સાવરકરના મોટા ભાઈ ગણેશ સાવરકરને પણ કાળાપાણીની સજા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ કેસમાં શંકર રામચંદ્ર સોમણ, વામન ઉર્ફે દાજી નરાયણ અને ગણેશ બાલાજીવૈદ્યને પણ કાળાપાણીની સજા થઈ હતી.

  - Advertisement -

  અભિનવ ભારતનો શું હતો રોલ?

  અભિનવ ભારત સોસાયટીની સ્થાપના વીર સાવરકર અને તેમના ભાઈ ગણેશ સાવરકરે વર્ષ 1899માં નાસિકમાં મિત્ર મેળા તરીકે કરી હતી. વીર સાવરકર પોતે ત્યારે વિદ્યાર્થી હતા. વર્ષ 1904માં મિત્ર મેળાનું નામ બદલીને અભિનવ ભારત રાખવામાં આવ્યું હતું. વીર સાવરકર વર્ષ 1906માં લંડન જતાં રહ્યા હતા અને ત્યાં પણ એક શાખા ખોલવામાં આવી હતી. વીર સાવરકરે લંડનથી 20 પિસ્તોલ મોકલી હતી, તેમાંથી જ એક પિસ્તોલનો ઉપયોગ અનંત લક્ષ્મણ કન્હેરેએ નાસિક કલેક્ટર એ.એમ.ટી. જેક્સનની હત્યા કરવા માટે કર્યો હતો.

  કોણ હતો એ.એમ.ટી. જેક્સન? શા માટે ક્રાંતિકારીઓએ કર્યું વધ?

  એ.એમ.ટી. જેક્સનની હત્યા થઈ ત્યારે તેની ઉંમર 47 વર્ષની હતી. તે સંસ્કૃત અને મરાઠીનો પણ જાણકાર હતો. એટલે તે પંડિત જેક્સન તરીકે પણ ઓળખાવવા લાગ્યો હતો. કારણ કે, તે દાવો કરતો હતો કે, તે પાછલા જન્મમાં હિંદુ સંત હતો અને આ જન્મમાં તે ક્રિશ્ચિયન છે. તે સનાતન પરંપરાની વિરુદ્ધ ષડયંત્રકારી વાતો કરતો હતો અને લોકોમાં સરળતાથી ભળી જતો હતો. તેને સ્થાનિક સ્તરે પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો હતો, કારણ કે, તેણે પોતાની જાતને એવી રીતે રજૂ કરી હતી કે જાણે તે લોકોનો ઉદ્ધાર કરી રહ્યો હોય. તેની ઝેરીલી નીતિઓના કારણે અભિનવ ભારત સોસાયટી સાથે જોડાયેલા ક્રાંતિકારીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી.

  આ ત્રણેય ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસન વિરુદ્ધ યુદ્ધને અંજામ આપ્યો હતો. તેમણે સનાતનને બચાવવા માટે પણ આ પગલું ભર્યું હતું. કારણ કે, તે સમયે જેક્સન મોટી સંખ્યામાં નાસિકમાં ધર્માંતરણ કરાવી રહ્યો હતો. તેનો કોઈ વિરોધ પણ કરતું નહોતું. તેને આ કામોને લઈને પ્રમોશન મળ્યું હતું અને તેને બૉમ્બેનો કમિશનર બનાવવામાં આવ્યો હતો. તેણે ગણેશ સાવરકરની ધરપકડ બાદ તેમને કાળાપાણીની સજા અપાવવા માટે મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. તેથી પણ તે ક્રાંતિકારીઓના નિશાન પર હતો. આ ક્રાંતિકારીઓએ જેક્સનની હત્યા બાદ ઝેર ખાઈને કે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ હુમલા બાદ તેઓ તરત જ પકડાઈ ગયા હતા અને પોતાને જ ખતમ કરવાની તક પણ મળી શકી નહીં.

  ખેર, અનંત લક્ષ્મણ કન્હરે, કૃષ્ણાજી ગોપાલ કર્વે અને વિનાયક નારાયણ દેશપાંડેને જેટલું સન્માન મળવું જોઈતું હતું, તેટલું તો નથી જ મળ્યું. શા માટે નથી મળ્યું? કારણે કે તેનાથી કોમ્યુનિસ્ટો અને કોંગ્રેસીઓને તકલીફ પડી જાત. માત્ર 18-20 વર્ષના આ બલિદાનીઓએ જે યોગદાન આપ્યું, તે બાકીનાઓ પર ભારી પડી જતું. હવે જ્યારે નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાના 75 વર્ષના અવસર પર ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવ્યો છે, ત્યારે આવા વિસરાઈ ગયેલા અને અનન્ય બલિદાનીઓની કથા પણ સામે આવી રહી છે. આ બલિદાનીઓને શત-શત વંદન.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં