Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગરજ સરી અને વૈધ વેરી! કોંગ્રેસને હાર્દિકની જરૂરિયાત પૂરી થઇ એટલે...

  ગરજ સરી અને વૈધ વેરી! કોંગ્રેસને હાર્દિકની જરૂરિયાત પૂરી થઇ એટલે…

  હાર્દિક પટેલે છેવટે કોંગ્રેસ છોડી દીધી છે, પરંતુ તે પાછળના સાચા કારણો કયા હોઈ શકે એ અંગેનું એક ખાસ વિશ્લેષણ.

  - Advertisement -

  હાર્દિક પટેલે છેવટે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. આ એજ કોંગ્રેસ છે જેને તેમણે ફક્ત સવા ચાર વર્ષ પહેલાંજ જોઈન કરી હતી. આ ચાર વર્ષમાં કોંગ્રેસના કાર્યકર્તાથી માંડીને સ્ટાર પ્રચારક અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનવાની યાત્રા હાર્દિક પટેલે પૂરી કરી હતી. સામાન્યતઃ કોઇપણ પક્ષની રાજ્યની શાખાના કાર્યકારી પ્રમુખ બનનાર વ્યક્તિને પક્ષ પ્રત્યે કોઈજ ગુસ્સો કે અસંતોષ ન હોય, પરંતુ હાર્દિક પટેલને હતો અને એજ કારણ બન્યો કોંગ્રેસને અલવિદા કહેવાનો.

  ગુજરાત કોંગ્રેસમાં જુથવાદ એ કોઈજ નવીસવી ઘટના નથી. 1980ના દાયકામાં માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજી વચ્ચેનો જુથવાદ ધીરેધીરે એટલો બધો વકર્યો કે તે પાર્ટીમાં વધુને વધુ ફેલાયો અને ગુજરાતમાં કોંગ્રેસ હવે લગભગ મરણપથારીએ આવીને ઉભી રહી ગઈ છે. છેલ્લી ઘણી ચૂંટણીઓ બાદ એવું સ્પષ્ટ થઇ ગયું છે કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓનો મોટો ઈગો ફક્ત પાર્ટીને જ નુકશાન કરતો હોય છે.

  જ્યારે આ પ્રકારનું વાતાવરણ પાર્ટીમાં હોય અને વર્ષોથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના વ્યક્તિગત મહત્ત્વ માટે જો એકબીજા સાથે લડતા હોય અને પગ ખેંચતા હોય તો પછી પક્ષમાં હજી ચારેક વર્ષ જુના એવા હાર્દિક પટેલને એ લોકો કેવી રીતે સાંખી લે? એવામાં હાર્દિક પટેલને રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવે એ વાત ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને હજમ નહીં જ થઇ હોય.

  - Advertisement -

  કોઇપણ પક્ષના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી ઘણી મોટી હોય છે, પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી હાર્દિક પટેલના જે પ્રકારના નિવેદનો આવી રહ્યા હતા એ જોઇને લાગી રહ્યું હતું કે હાર્દિક પટેલે ભલે કાર્યકારી અધ્યક્ષનું પદ સંભાળ્યું હોય પરંતુ તેમને કોંગ્રેસ દ્વારા કોઈ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી ન હતી. આગળ ચર્ચા કરી તેમ વર્ષોથી પક્ષમાં પોતાનું મહત્ત્વ જળવાઈ રહે એની સંભાળ રાખતા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ કદાચ કુલડીમાં જ ગોળ ભાંગી લીધો હોય અને પોતાનો જુનો ઝઘડો બાજુમાં મુકીને હાર્દિક પટેલને એકલા પાડી દીધા હોય એ શક્ય છે.

  ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલને એન્ટ્રી તેમના પાટીદાર અનામત આંદોલનને લીધે મળી હતી. જો કે આ આંદોલન દરમ્યાન તેમના પર રાજદ્રોહનો આરોપ પણ લાગ્યો હતો. પરંતુ હાર્દિક પટેલે ભેગી કરેલી મૂડીને વટાવવા માટે કોંગ્રેસ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે અત્યંત આતુર હતી એ સ્પષ્ટ દેખાતું હતું. હાર્દિક પટેલ ઉપરાંત પાસના અનેક આગેવાનો એક પછી એક કોંગ્રેસમાં જોડાયા હતા. એ બાબતમાં કોઈને શંકા ન હોવી જોઈએ કે અનામત આંદોલનને કારણે જ કોંગ્રેસ ભાજપને છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમ્યાન 99 બેઠકો પર રોકી શકી હતી.

  પરંતુ જેમ કહેવાય છે કે ગરજ સરી અને વૈધ વેરી! બસ એ જ રીતે હાર્દિક પટેલને લીધે કોંગ્રેસ સત્તા તો ન મેળવી શકી પરંતુ મજબૂત વિપક્ષ તરીકે ગુજરાત વિધાનસભામાં તે જરૂર પોતાને પ્રસ્તુત કરી શકી. ત્યારબાદ લગભગ બે વર્ષ પછી કોંગ્રેસમાંથી એક પછી એક વિધાનસભ્યો ભાજપમાં જોડાતાં ગયા જેમાં કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડા જેવા અત્યંત શક્તિશાળી નેતાઓ પણ સામેલ હતા. ધીરેધીરે મજબૂત દેખાઈ રહેલો કોંગ્રેસી વિપક્ષ નબળો પડી ગયો કારણકે વિધાનસભામાં તેનું સંખ્યાબળ ઘટી ગયું અને ભાજપનું વધી ગયું.

  બીજી તરફ હાર્દિક પટેલ પર ગંભીર આરોપો લાગ્યા હોવાથી એ આ વર્ષો દરમ્યાન એક પણ ચૂંટણી લડી શક્યા નહીં, તેમ છતાં 2019માં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. 2019ની લોકસભાની ચૂંટણી બાદ જેમજેમ ગુજરાત કોંગ્રેસ નબળી પડતી ગઈ એમએમ તેણે હાર્દિક પટેલથી અંતર ઘટાડવાને બદલે વધારવાનું શરુ કરી દીધું.

  2022માં ગુજરાતની તમામ મહાનગર પાલિકાઓની ચૂંટણી થઇ જે કોરોનાકાળના મધ્યમાં ભાજપનો લીટમસ ટેસ્ટ સાબિત થવાનો હતો. આટલી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે હાર્દિક પટેલને પ્રચારથી અળગા જ રાખ્યા. સુરત જ્યાં પાટીદારોની સંખ્યા ખૂબ મોટી છે ત્યાં પણ પોતાને પ્રચાર કરવા દેવામાં નથી આવતો એવી ફરિયાદ હાર્દિક પટેલે એ સમયે કરી હતી.

  કદાચ એ જ સમયથી હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થવાની શરૂઆત થઇ ગઈ હતી. આ સ્થિતિ એટલી હદ સુધી વણસી કે છેવટે હાર્દિક પટેલે એમ કહેવું પડ્યું કે કોંગ્રેસમાં તેમની હાલત નસબંધી કરેલા વરરાજા જેવી છે. હાર્દિક પટેલના આ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી વિરુદ્ધ બોલવાની ધીરેધીરે તેમની હિંમત વધી હતી અને બીજી તરફ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ ખુલીને હાર્દિક વિરુદ્ધ બોલવા લાગ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી જ એવું લાગી રહ્યું હતું કે હવે હાર્દિક પટેલ કોંગ્રેસમાં વધુ સમય રહી શકે તેમ નથી.

  છેવટે આજે હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ છોડી દીધો હતો. પરંતુ, પક્ષ છોડતી વખતે હાર્દિક પટેલે જે આરોપ કોંગ્રેસ પક્ષ પર લગાવ્યા છે તે અત્યંત ગંભીર છે. પોતાના રાજીનામાનાં પત્રમાં હાર્દિકે એ જ લખ્યું છે જે ઘણાબધા રાજકીય વિશ્લેષકો અથવાતો કોંગ્રેસના ટીકાકારો વારંવાર જાહેરમાં કહી ચુક્યા છે. હાર્દિક પટેલે લખ્યું છે કે કલમ 370, GST અને CAA જેવા દેશહિતના વિષયો પર કોંગ્રેસે ફક્ત વિરોધ જ કર્યો નહીં કે દેશના ભલા માટે તેનું સમર્થન કરવું જોઈએ એમ વિચાર્યું.

  હાર્દિકના મતે ગુજરાત કોંગ્રેસના નેતાઓનું વલણ એવું હતું કે જાણેકે તેઓ ગુજરાતનું અપમાન કરતા રહેતા હોય. આ એક બહુ ગંભીર આરોપ છે જેના પર કદાચ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપા મુદ્દો બનાવી શકે છે. હાર્દિક પટેલના કહેવા અનુસાર ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનું ભલું કેમ થાય એની ચિંતા કરવાને બદલે દિલ્હીથી આવેલા ‘નેતાને’ ચિકન સેન્ડવિચ મળી છે કે નહીં તેની ચિંતા વધુ હતી.

  એક રીતે જોઈએ તો હાર્દિક પટેલનું કોંગ્રેસ છોડવું છેલ્લા દોઢથી બે મહિનાથી નિશ્ચિત હતું જ, પરંતુ પહેલે આપ, પહેલે આપ જેવી સ્થિતિ ઉભી થઇ હતી અને છેવટે હાર્દિક પટેલે પહેલ કરી અને આજે રાજીનામું આપી દીધું. જે રીતે હાર્દિક પટેલને કોંગ્રેસમાં અવગણના મળી રહી હતી એનાથી હાર્દિક પટેલને કદાચ છુટકારો મળ્યો હશે પરંતુ કોંગ્રેસ માટે તકલીફ એ છે કે પાટીદારોમાં થોડીઘણી અસર હતી તે હાર્દિક પટેલ હવે પક્ષમાં નથી અને આથી હવે કોંગ્રેસ માટે પાટીદારોના મત અંકે કરવા એ ભૂલી જવા જેવી બાબત બની ગઈ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં